વડોદરા : દેશ-વિદેશમાં ખ્યાતનામ ધરાવતી રાજુ આમલેટની વડોદરાના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસેના મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં આવેલ શાખામાં ભર બપોરના સુમારે ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેની આસપાસની બીજી દુકાનો તેમજ એક ફ્લેટ અને ઓફિસ પણ આગની લપેટમાં આવી ગઈ હતી.સત્વરે ફાયરબ્રિગેડના જવાનો ચાર ફાયર ફાયટરો સાથે સ્થળ પર પહોંચી એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથધર્યા હતા.સર્જાયેલી આગની દુર્ઘટનામાં લાખોનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.
શહેરના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં સોમવારે બપોરના સુમારે આગ લાગવાની ઘટના બની હતી.જેમાં નામાંકિત રાજુ આમલેટ સહિત બીજી ચારથી વધુ દુકાનો તેમજ એક ઓફિસ અને કોમ્પ્લેક્ષમાં આવેલ એક ફ્લેટ પણ આગની લપેટમાં આવી જતા મોટી માત્રામાં નુકશાન થયું હોવાનું અનુમાન લગાવાયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી.દરમિયાન ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિક દુકાનદારોમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.જ્યારે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા.
આગની ઘટનાને પગલે ઘટનાસ્થળે ઉમટી પડેલા લોકોએ આગના દ્રશ્યો પોતાના મોબાઈલમાં ઉતારી વાયરલ કર્યા હતા.બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો ચાર જેટલા ફાયરફાયટરો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા.અને સતત એક કલાક સુધી પાણી અને ફર્મનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથધરી હતી.જોકે આગ કાબુમાં આવે તે પહેલાં જ અગનજ્વાળાઓની લપેટમાં રાજુ આમલેટ ,અમર પાન સહિતની ચારથી વધુ દુકાનો તેમજ કોમ્પ્લેક્ષમાં આવેલ એક ફ્લેટ સહિત એક ઓફિસ પણ બળીને ખાક બની હતી.
પ્રાથમિક દ્રષ્ટિએ આગ વીજ મીટરમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જણાય આવ્યું હતું.બીજી તરફ ધડાકો થતા કોમર્શિયલ ગેસનો બોટલ ઉપયોગમાં લેવામાં આવ્યો હોવાથી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.જ્યારે અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે આગની વધતી જતી ઘટનાઓને લઈ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર એનઓસી મામલે યોગ્ય કાર્યવાહી કરી જો ફાયર એનઓસી મેળવેલ ન હોય તો તેવી મિલ્કત ધારકો સામે દંડનીય સાથે સિલ કરવાની કાર્યવાહી હાથધરવામાં આવે છે.ત્યારે મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ અને તેમાં આવેલી રાજુ આમલેટ સહિતની દુકાનોમાં ફાયર સેફટીના સાધનો છે કે કેમ તેમજ ફાયર એનઓસી મેળવેલ છે કે કેમ તે અંગે શંકાના વાદળો ઘેરાયા છે.જોકે આ મામલે ગુજરાત મિત્ર દ્વારા ફાયર ચીફ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો.જોકે તેમણે ફોન રિસીવ નહીં કરતા આ અંગે માહિતી મળી શકી ન હતી.જ્યારે આગની આ ઘટનામાં લાખોનું નુકશાન થયું હોવાની ભીતિ સેવાઈ છે.