મુંબઇ: મહારાષ્ટ્રમાં (Maharashtra) લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા વિવાદ (Hanuman chalisa controversy) વચ્ચે હવે ઔરંગઝેબના મકબરાને (Aurangzeb’s Tomb) લઈને ફરીથી રાજકારણ ગરમાયું છે. અગાઉ રાજ ઠાકરેની (Raj thackeray) પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) પ્રવક્તા દ્વારા ઔરંગઝેબની કબરને તોડી પાડવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ સ્થાનિક મસ્જિદ કમિટી દ્વારા કબરને તાળા મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે આ મામલાની ગંભીરતાને જોતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે (ASI) મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત ઔરંગઝેબની કબરને પાંચ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
ઔરંગઝેબની કબર આગામી પાંચ દિવસ સુધી બંધ રહેશે
ASIના ઔરંગાબાદ વિસ્તારના સુપ્રિટેન્ડેન્ટ મિલન કુમાર ચૌલેએ કહ્યું કે પહેલાં તો મસ્જિદ સમિતિએ કબરને તાળું મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે તેને ખોલી દીધો હતો. જો કે બુધવારે અમે તેને આગામી પાંચ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીશું અને પછી નક્કી કરીશું કે તેને ખોલવું કે બીજા પાંચ દિવસ માટે બંધ રાખવું.
અકબરુદ્દીન ઓવૈસી કબર પર ગયા હતા
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM)ના નેતા અકબરુદ્દીન ઓવૈસીએ આ મહિનાની શરૂઆતમાં ઔરંગઝેબની કબરની મુલાકાત લીધી હતી અને ત્યાં ફૂલ ચઢાવ્યા હતા. તેમની આ મુલાકાત બાદ મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેના તેમજ રાજ ઠાકરેની આગેવાની હેઠળની MNS (MNS) દ્વારા ટીકા કરવામાં આવી હતી. ઓવૈસીની સમાધિની મુલાકાત લીધા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP)વડા શરદ પવારે શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે શું અકબરુદ્દીન ઓવૈસી આમ કરીને મહારાષ્ટ્રના શાંતિપૂર્ણ વહીવટને ખલેલ પહોંચાડવા માગે છે.
થોડા દિવસ પહેલા જ કબર તોડવાનું આપ્યું હતું નિવેદન
થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) પ્રવક્તા ગજાનન કાલેએ કહ્યું હતું કે ઔરંગાબાદમાં ઔરંગઝેબની કબરની કોઈ જરૂર નથી અને તેને તોડી પાડવી જોઈએ, જેથી લોકો ત્યાં ન જાય. ઔરંગઝેબની કબર ખુલદાબાદ વિસ્તારમાં છે. તેથી ઔરંગાબાદના ખુલદાબાદ વિસ્તારમાં એક મસ્જિદ સમિતિએ કબરને તાળું મારવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ ASIએ સમાધિની સુરક્ષા વધારી દીધી હતી. તેમજ ASI તરફથી મકબરાને બંધ કરવાનો પત્ર મળ્યા પછી, દરગાહ કમિટીના લોકોએ આ નિર્ણય શાંતિપૂર્વક સ્વીકાર્યો હતો. ઔરંગઝેબની કબરને લઈને ચાલી રહેલી રાજનીતિ વચ્ચે વાતાવરણ ન બગડે તે માટે તેને આગામી 5 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આગામી 5 દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ ઔરંગઝેબની કબરની મુલાકાત લઈ શકશે નહીં. તે અંગે દરગાહ કમિટીના લોકોએ કબર માટે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે.
જો તમે રાજ ઠાકરેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશો તો આખું મહારાષ્ટ્ર બળી જશે: MNS
બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ (MNS) મુંબઈના લાલબાગ વિસ્તારમાં એક પોસ્ટર લગાવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે જો કોઈ રાજ ઠાકરેને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે તો આખું મહારાષ્ટ્ર સળગી જશે.