Columns

મહાભારત એક વિશ્વકોશ છે

જેવી રીતે રામલીલા ગુજરાતનાં કેટલાંક નગરોમાં ભજવાતી હતી તેવી રીતે માણભટ્ટો મહાભારતની કથા કહેતા હતા – આ સમય હતો 1950 થી 55 સુધીનો. એવી એક માન્યતા કે મહાભારતની કથા પૂરેપૂરી કહેવાય નહીં એટલે પુરાણીઓ એ કથા અધૂરી જ રાખતા. સામાન્ય રીતે રામાયણ આદર્શીકૃત-ભાવનાપ્રધાન અને મહાભારત વાસ્તવપ્રધાન એટલે જ જુઓ માસિક ધર્મમાં બેઠેલી દ્રૌપદીનાં વસ્ત્ર એનો જ દિયર ભરસભામાં ઉતારે અને ભીષ્મ, દ્રોણ જેવા વડીલો જોયા કરે! 16-17 વરસના અભિમન્યુને કૌરવ પક્ષના મહારથીઓ ભેગા થઇને મોતને ઘાટ ઉતારે, પોતાના જ ભાઈઓને લાક્ષાગૃહમાં સળગાવી મૂકવાનું કાવતરું કરે, એક ભાઈ બીજા ભાઈની છાતી ચીરીને રકતપાન કરે- આવી બધી ઘોર વાસ્તવિકતાઓ મહાભારતમાં જોવા મળે છે, વાંચતાં વચાંતાં આપણે એ સમયમાં જઇ ચઢીએ છીએ અને થથરી ઊઠીએ છીએ- આ આપણી ભારતીય સંસ્કૃતિ! અને છતાં એ મહાકાવ્યમાં ચમકે છે શ્રીકૃષ્ણ!

રામાયણની જેમ અહીં વ્યવસ્થિત રીતે કથા કહેવાઇ નથી-ગ્રંથના કર્તા વ્યાસ મુનિ તો કહે છે કે અહીં બધાં પ્રાણીઓનાં સ્થાન, વેદ, યોગ, વિજ્ઞાન, ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ બધું જ છે. એટલે કર્તા કહે છે તેમ અહીં વેદ, ઉપનિષદ, ઇતિહાસ, પુરાણ, વર્ણાશ્રમ જેવા આશ્રમો. જો કે આટલું બધું કરતા હોવા છતાં કવિ હતાશ થઇને બોલે છે- હું હાથ ઊંચા કરી કરીને કહું છું પણ કોઇ મારી વાત સાંભળતું નથી, જો ધર્મથી જ કામ અને અર્થ પ્રાપ્ત થતા હોય તો ધર્માચરણ કેમ નહીં કરવું?’

જો ત્યારે દુર્યોધન-શકુનિ જેવા સાંભળતા ન હોય તો આજે કોણ સાંભળે અને છતાં પેઢીએ પેઢીએ આ કહેવું પડે છે. મહાભારતને વિદ્વાનોએ પાંચમો વેદ કહ્યો છે તે યથાર્થ છે. કદાચ કોઇ કહી શકે કે મહાભારતના સેવન પછી વેદ ઉપનિષદ વાંચવા નહીં પડે અને વેદવ્યાસ કહે છે તે પ્રમાણે મહાભારતથી અપરિચિત રહેનારી વ્યક્તિ બુદ્ધિમાન ન હોઇ શકે. આપણી ભાષામાં કહેવું હોય તો કહી શકીએ કે મહાભારત એક વિશ્વકોશ-એન્સાયકલોપેડિયા- છે, કારણ કે અહીં બધું છે. જે અહીં નથી તે કયાંય નથી! આ મહાભારત કેવી રીતે રચાયું, તેમાં શુદ્ધિવૃદ્ધિ કેવી રીતે થતી ગઈ તેની જાણકારી પણ રસપ્રદ છે.

વ્યાસના પાંચ શિષ્ય- તેમાં વૈશંપાયન એક મધ્યકાલીન ગુજરાતીમાં વૈશંપાયન વિખ્યાત હતા- એણી પેર બોલ્યા વૈશંપાયન – સુણ જનમેજય રાય’ જનમેજય અને વૈશંપાયન વચ્ચે થતા વાર્તાલાપની સાથે કથા કહેવાતી જાય છે. વ્યાસના બીજા શિષ્ય હતા સૌતિ, તેમણે નૈમિષારણ્યમાં મહાભારતની કથા સંભળાવી. આરંભે મહાભારતને ‘જય’ તરીકે ઓળખાવવામાં આવ્યું- ત્યાર પછી ભારત અને છેલ્લે મહાભારત! આપણી પાસે અત્યારે બે વાચના છે, એક વાચના પૂણેની ભાંડાસ્કર સંસ્થા દ્વારા થયેલી અધિકૃત વાચના અને બીજી વાચના ગીતા પ્રેસ ગોરખપુરની. વિદ્વાનો ચર્ચા કરતા રહ્યા છે કે મૂળ મહાભારત કયું?

સૌથી પહેલું મહાભારત વ્યાસ રચિત ‘જય’. પંડિતો આ મહાભારતનાં 8000 થી વધુ શ્લોક માને છે- કેટલાક 20 હજારથી વધુ માને છે. ત્યાર પછી વ્યાસના પાંચ શિષ્યો સુમન્તુ, જૈમિની, પૈલ, શુક, વૈશંપાયન આ દરેકે પોતાની રીતે રચના કરી. વૈશંપાયને કરેલી રચના ભારત. કટેલાક વિદ્વાનો મહાભારત યુદ્ધનો સમય ઇ.સ.પૂ. 3000નો માને છે. છેલ્લા સંસ્કરણમાં એક લાખ શ્લોક છે. આ સંસ્કરણ આજે આપણી સામે છે. મહાભારતમાંથી અનેક કથાઓ, અનેક કાવ્યો પ્રગટયા છે.

જેવી રીતે આજે આપણે પુસ્તકના આરંભે અનુક્રમણિકા (કે સાંકળિયું) આપીએ છીએ એ જ રીતે સૌથી પહેલું પર્વ તે આદિપર્વ અને તેના આરંભે અનુક્રમણિકા છે. આ બધી જ કથાઓમાં નૈમિષારણ્ય વારંવાર આવશે. ‘વરાહપુરાણ’માં નૈમિષની સમજૂતી આ રીતે આપવામાં આવી છે. ભગવાન કહે છે કે મેં નિમિષ માત્રમાં આ વનમાં દાનવસેનાનો સંહાર કર્યો છે એટલે આ વન ‘નૈમિષારણ્ય’ તરીકે ઓળખાશે.’ 12 વરસે થતા સત્રમાં બધા ઉપસ્થિત થયા છે- જે કાર્ય અનેક વ્યક્તિઓ દ્વારા થતું હોય અને શિક્ષણની સાથે ભેટસોગાદ અપાય તેને ‘સત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં ઉગ્રશ્રવા નામના ઋષિ પાસે બધાને કથા સાંભળવાની ઈચ્છા થઇ. આ ઋષિ જનમેજયના સર્પયજ્ઞમાં વૈશંપાયન ઋષિએ કહેલી કથાઓ સાંભળીને આવ્યા હતા. તેઓ જે કથા કહે છે તેમાં સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઇ તેની વાત પણ ગૂંથી લીધી છે. સર્વ પ્રથમ એક ઇંડું પ્રગટયું અને તેમાંથી આખી સૃષ્ટિ ઉદ્દભવી.

એક બાજુ ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ ચાલે છે, તેમાં કવિ અદ્દભુત રીતે ‘જયારે મેં સાંભળ્યું’ વાક્યાંશ વારેવારે પુનરાવર્તિત કરે છે. અર્જુનના મત્સ્યવેધથી માંડીને અશ્વત્થામાને આપેલા શાપ સુધીની ઘટનાઓ આપણી આગળ વર્ણવાય છે. અહીં આપણને જાણવા મળે છે કે ધૃતરાષ્ટ્રે હતાશ થઇને વિજયની આશા મૂકી દીધી હતી. તેઓ મૃત્યુ પામવા માગતા હતા પણ સંજયે તેમને સારી રીતે સમજાવ્યા.

મહાભારતમાં આરંભે સમન્તપંચક નામના સ્થળની વાત આવે છે, શ્રોતાઓની જિજ્ઞાસા શાંત કરવા મુનિ આની સ્પષ્ટતા કરે છે. એ અનુસાર ભગવાન પરશુરામે ક્ષત્રિયોનો વારંવાર વધ કર્યાનો નિર્દેશ છે. સાંભળવા પ્રમાણે તો આ ઋષિએ 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી હતી અને એ રાજાઓના લોહી વડે સમંતપંચકમાં 5 સરોવર બનાવ્યા હતા, અને એ રકત વડે પોતાના પિતૃઓનું તર્પણ કર્યું હતું! આટલી બધી હિંસા શા માટે? સહસ્ત્રાર્જુનને એના અપરાધની શિક્ષા મળે એ તો સમજાય પણ બીજાઓનું શું? છેવટે પિતૃઓએ આવીને પરશુરામને સમજાવ્યા- ત્યારે તેઓ શાંત થયા- આ જ પ્રદેશમાં કૌરવ-પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું. આ વાત કહ્યા પછી તેમણે અક્ષૌહિણી શબ્દની સમજૂતી આપી હતી. એ રીતે અક્ષૌહિણી સેનામાં 21 હજાર ઉપર હાથી, એટલા જ રથ, એટલા જ ઘોડા, લાખ ઉપરનું પાયદળ-સ્વાભાવિક રીતે આ આંકડા અતિશયોકિત ભર્યા છે. પછી એ મહાકાવ્યમાં શાની શાની વાત આવે છે તેનું નિરુપણ.

આ મહાકાવ્ય રેખાયિત ક્રમમાં આપણી આગળ આવતું નથી. ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર નવલકથા પણ રેખાયિત ક્રમમાં આવતી નથી. અહીં આરંભે જનમેજય પોતાના ભાઈઓ સાથે એક યજ્ઞ કરી રહ્યા હતા તેનો નિર્દેશ છે. યજ્ઞસ્થળે દેવતાઓની કૂતરી સરમાનો પુત્ર (સારમેય) જઇ પહોંચ્યો અને ત્યાં તેણે કશો અપરાધ ન કર્યો છતાં જનમેજયના ભાઈઓએ તેને માર્યો. પોતાના પુત્રની કથા સાંભળીને સરમા યજ્ઞસ્થળે ગઇ અને ત્યાં જઇને શાપ આપ્યો તમને કોઇ અદૃશ્ય ભય ઘેરી વળશે. જનમેજયે ગભરાઈને કોઇ પુરોહિતનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો-ત્યાં શ્રુતશ્રવા નામના ઋષિ અને તેમનો પુત્ર સોમશ્રવા હતો. જનમેજયે તેના પિતાની સંમતિ માગી ‘મારો આ પુત્ર સાપણના પેટે જન્મ્યો છે તેનું એક વ્રત છે- કોઇ પણ બ્રાહ્મણ જે માગશે તે હું આપીશ. તમે જો આ માટે સંમત થતા હો તો એને લઇ જાઓ.’
જનમેજયે સંમતિ આપી.
આ દરમ્યાન શું થયું?

Most Popular

To Top