Comments

જાદુગર ગેહલોત અને તેની માયાજાળ

કોંગ્રેસનો કાયાકલ્પ કાર્યક્રમ કમસેકમ અત્યારે તો કળણમાં ફસાઇ ગયો લાગે છે. અશોક ગેહલોતે પક્ષના પ્રમુખપદની ચૂંટણીમાંથી ખસી જવાનો વિકલ્પ પસંદ કરવા સાથે પડદો પડી ગયો છે અને અશોકે મોવડીમંડળ સામે રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલા બળવાનો ઝંડો સ્વીકારવાનો વિકલ્પ તેમણે પસંદ કર્યો છે, પણ તેમણે કોંગ્રેસમાં કલ્પના નહીં થઇ શકે તેવું કમઠાણ સજર્યું છે. અશોક ગેહલોત પક્ષના પ્રમુખ સોનિયા ગાંધીના અત્યંત નિકટના ગણાય છે તે સાથે કોંગ્રેસની સમસ્યાઓ પણ વધી છે. કારણકે અશોકે પ્રહાર કરવા માટે છાપો મારવાનો માર્ગ પસંદ કરી પોતાનો કકકો ખરો કરાવવાની કોશિશ કરી છે. હકીકતમાં તેમણે જે બખેડો ઊભો કર્યો છે તેમાં તેઓ હાલ પૂરતું મુખ્ય પ્રધાનપદ જાળવી રાખી શકયા હોત અને સોનિયાની તેમને કફોડી હાલતમાં મૂકવા બદલ માફી પણ માંગી શકયા હોત, પણ તેને બદલે મોટો તાયફો કર્યો હતો.

એક તરફ પક્ષને મજબૂત બનાવવા ‘ભારત-જોડો’ યાત્રા ચાલતી હોય અને પક્ષના પ્રમુખ સામે એક વફાદાર નેતા બળવો પોકારે અને તાજેતરમાં ૨૩ બળવાખોરોના જૂથનું સુરસુરિયું થઇ ગયું હોય ત્યારે?! કેટલાક બળવાખોરોને પક્ષમાં કામ પાડવામાં આવી રહ્યા અને મુખ્ય બળવાખોર નેતા ગુલામનબી આઝાદે પક્ષમાંથી ચાલતી પકડી નવો પક્ષ રચ્યો તેમાં આશ્ચર્ય જેવું કંઇ નથી. સૌ પ્રથમ તો આઝાદ આણિ મંડળનું કેટલાક ઇરાદાઓ સાથે લોકો સમક્ષ આવ્યા હતા અને આઝાદ સહિતના ૨૩માંથી કોઇ નેતા સોનિયાના મનમાં વસેલા ન હતા. આઝાદની વાત જુદી છે કે એક વખત તેઓ સોનિયાના માનીતા હતા.

ગેહલોતે એકવાર મજાકમાં કહ્યું હતું કે મમતા જેવાં એક મકકમ મનનાં મહિલા પર તમે શું જાદુ કરી શકો? હું જ સાચો જાદુગર છું. એક વખત બંગાળના રાજયપાલ રહી ચૂકેલા અને ઉપરાષ્ટ્રપ્રમુખપદે ચૂંટાયેલા ધરતીપુત્ર જગદીપ ધનખડના સન્માન સમારંભમાં તેમણે પૂછયું હતું કે ધનખડ મારા કરતાં મોટા જાદુગર છે? ધનખડ અને તેમની મારફતે તેમના એકવારના પક્ષ ભારતીય જનતા પક્ષને લાગી આવ્યું હતું. ગેહલોતે પોતાને નિશાન બનાવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘કાળા જાદુ’ પર પ્રહાર કર્યા તેના જવાબમાં કહ્યું હતું કે મારા રાજયમાં હું જ કાયમી જાદુગર છું. મારા રાજયમાં ગરીબોની સેવા કરવાની વારંવાર સરકાર રચવા દ્વારા તક મળે છે.

હકીકતમાં અશોક ગેહલોતના પિતા લક્ષ્મણસિંહ ગેહલોત એક પ્રવાસી જાદુગર હતા. બની શકે તેમની પાસેથી શીખી અશોક ગેહલોત પણ રાજકીય મંચ પર જાદુના પ્રયોગો કરતા હોય. હવે તો તેઓ પોતાના પક્ષ અને પક્ષના નેતા પર જાદુના પ્રયોગો કરવા માંડયા છે. જેનાં કમસે કમ કોંગ્રેસ માટે ગંભીર પરિણામ આવી શકે છે. પક્ષ આ નવા વિભીષણને કઇ રીતે જોશે? આ માયાજાળને કારણે ગેહલોત પક્ષની વરિષ્ઠ નેતાગીરીની વિશ્વસનીયતા ગુમાવશે. જેને માટેની ‘અદૃશ્ય’ દીવાલ તો તેમણે ઊભી કરી જ દીધી છે. પક્ષના મોવડીમંડળને હવે સવાલ એ થયો છે કે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પહેલાં ગેહલોત નવા ગુલામ નબી આઝાદ બનશે? અત્યારે દેખાતી સંધિ આભાસી છે. ગેહલોત આ સંધિને કઇ રીતે જૂએ છે તેના પર ઘણો આધાર નહીં લડવાની તેમની જાહેરાત પછી કેટલા લોકો મેદાનમાં ઝૂકાવે છે? ગેહલોત અને તેમના સાથી ધારાસભ્યો કોને ટેકો આપે છે? અશોક ગેહલોત મોવડીમંડળની ઇચ્છાને માન આપશે કે પોતાની રીતે વર્તશે? પક્ષનો કોઇ મોટો હોદ્દો આપી તેમને મનાવી લેવાશે? તેમના મુખ્ય પ્રધાનપદની ભવિષ્યમાં રક્ષા કરવા મોવડીમંડળે કંઇક કરવું તો પડશે જ ને?

માયાજાળમાં ધુમ્મસ રચી તેઓ પોતાના નેતા માટે સ્પર્ધામાંથી ખસી ગયા. સાથે મુખ્ય પ્રધાનપદે સચીન પાઇલોટને બેસાડવાની તજવીજમાં તેમણે પાઇલોટને બાવડું પકડી બાજુ પર બેસાડી મુખ્ય પ્રધાનપદ ચાલુ રાખવાનો પ્રયોગ મંચ પર રજૂ કર્યો. રાહુલ ગાંધીને યુવા નેતાઓની ટીમ બનાવવી છે એટલે તેઓ પાઇલોટને ટેકો આપે છે. હકીકતમાં રાજસ્થાન કોંગ્રેસમાં બે પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ ચાલી રહ્યો છે અને તે પણ જાણે જીવસટોસટનો. હા, એવું બને કે પ્રમુખપદની ચૂંટણી લડવાનો પ્રસ્તાવ રાખી કોંગ્રેસની કૂટનીતિઓએ ગેહલોતનો દાણો ચાંપી જોયો હોય! પણ ગેહલોતે તો પોતાની હેટમાંથી બળવો કાઢયો! પોતાના મુખ્ય પ્રધાનપદની રક્ષા માટે ગેહલોતે કરેલા જાદુના પ્રયોગો બળવો જ કહેવાય. હવે શું?!       
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top