મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં ક્રિપ્ટોકરન્સીને ભારતીય કાયદા હેઠળ મિલકત તરીકે માન્યતા આપવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ક્રિપ્ટોકરન્સી કાનૂની ટેન્ડર (મુદ્રા) નથી પરંતુ તેમાં મિલકતના તમામ ગુણો છે. આ નિર્ણય એક રોકાણકાર દ્વારા દાખલ કરાયેલી અરજીના સંદર્ભમાં આવ્યો છે. જેના XRP સિક્કા સાયબર હુમલા બાદ ફ્રીઝ કરવામાં આવ્યા હતા.
ન્યાયાધીશ આનંદ વેંકટેશે પોતાના ચુકાદામાં જણાવ્યું કે “ક્રિપ્ટોકરન્સી ન તો ભૌતિક સંપત્તિ છે કે ન તો ચલણ પરંતુ તે એવી સંપત્તિ છે જેને વ્યક્તિ રાખી શકે છે અથવા ટ્રસ્ટમાં રાખી શકે છે.”
કેસની પૃષ્ઠભૂમિ
અરજદારે જાન્યુઆરી 2024માં વઝીરએક્સ પ્લેટફોર્મ પર રૂ. 1.98 લાખનું રોકાણ કરીને 3,532.30 XRP સિક્કા ખરીદ્યા હતા. જુલાઈ 2024માં પ્લેટફોર્મ પર મોટો સાયબર હુમલો થયો. જેમાં Ethereum અને ERC20 ટોકન્સ ચોરાઈ ગયા. કુલ આશરે $230 મિલિયનનું નુકસાન નોંધાયું હતું. આ હુમલા બાદ વપરાશકર્તાઓના બધા એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે અરજદાર પોતાના XRP સિક્કા ઍક્સેસ ન કરી શક્યા.
અરજદારે દલીલ કરી કે તેના XRP સિક્કા ચોરાયેલા ટોકન્સથી અલગ છે અને કંપનીએ ટ્રસ્ટ કસ્ટોડિયન તરીકે તેની મિલકતનું રક્ષણ કરવું જોઈએ.
માલિકી હકોનો પ્રશ્ન
વઝીરએક્સના ભારતીય ઓપરેટર ઝાનમાઈ લેબ્સે જણાવ્યું કે મુખ્ય માલિક સિંગાપોરની ઝેટ્ટાઈ પ્રાઈવેટ લિમિટેડ છે અને તે હેક બાદ પુનર્ગઠન પ્રક્રિયા શરૂ કરી રહી છે. સિંગાપોર હાઈકોર્ટ દ્વારા મંજૂર યોજનામાં બધા વપરાશકર્તાઓએ નુકસાન પ્રો-રેટા ધોરણે વહેંચવાનું છે. પરંતુ મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું કે ભારતીય રોકાણકારોના વ્યવહારો ભારતમાંથી થયા છે. એટલે ભારતીય અદાલત પાસે અધિકારક્ષેત્ર છે.
અદાલતની દલીલો
ન્યાયાધીશે જણાવ્યું કે બ્લોકચેન પરના ટોકન્સ ઓળખી શકાય તેવા, ટ્રાન્સફર કરી શકાય તેવા અને ખાનગી કી દ્વારા નિયંત્રિત કરી શકાય આ જે મિલકતના મુખ્ય ગુણો છે. કોર્ટે ભારતીય કેસો (અહેમદ જી.એચ. આરીફ વિ. સીડબ્લ્યુટી, જીલુભાઈ ખાચર વિ. ગુજરાત રાજ્ય) તથા આંતરરાષ્ટ્રીય કેસો (Rusko vs. Cryptopia, AA vs. Person Unknown) નો ઉલ્લેખ કર્યો. જ્યાં ક્રિપ્ટોને મિલકત ગણાવવામાં આવી હતી.
કોર્ટે જણાવ્યું કે XRP સિક્કાઓ હેકથી અપ્રભાવિત છે. તેથી ઝાનમાઈ લેબ્સ અથવા તેની પેરન્ટ કંપનીને તે સિક્કાઓના પુનઃવિતરણ, વિતરણ કે ફાળવણી કરવાની મંજૂરી નથી. અદાલતે આ સ્પષ્ટ કરી દીધું કે ભારતીય કાયદા મુજબ ક્રિપ્ટોકરન્સી એક પ્રકારની “વર્ચ્યુઅલ ડિજિટલ મિલકત” છે. જે વ્યક્તિના હકો હેઠળ સુરક્ષિત રહેશે.