ભોપાલ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) સિધી જિલ્લામાં પેશાબકાંડ (Urine Scandal) ઘટનાનો ભોગ બનેલા આદિવાસી યુવકે રાજ્ય સરકારને આ કૃત્યમાં સામેલ આરોપી પ્રવેશ શુક્લાને જેલમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. પીડિતે કહ્યું છે કે આરોપીને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. આદિવાસી સમુદાયના દશમત રાવત પર પેશાબ કરવાના આરોપી પ્રવેશ શુક્લાની પોલીસે (Police) ધરપકડ કરી હતી. આ ઘટનાનો વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો હતો. જેના પગલે પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી.
આઈપીસી અને એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ ઉપરાંત, શુક્લા સામે કડક NSA હેઠળ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો કે પ્રવેશ શુક્લા હાલમાં જેલમાં છે અને સીધીમાં તેમના ઘરનો કથિત ગેરકાયદેસર હિસ્સો પણ તોડી પાડવામાં આવ્યો છે. જ્યારે આરોપીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાવતે કહ્યું કે મારી સરકાર પાસે માંગ છે કે પ્રવેશ શુક્લાથી ભૂલ થઈ છે. પરંતુ હવે તેને મુક્ત કરવામાં આવે. જે પણ થયું તેને પોતાની ભૂલનો અહેસાસ થઇ ગયો છે.
જ્યારે આરોપીના અપ્રમાણિક કૃત્ય છતાં તેને જેલમાંથી મુક્ત કરવાની માંગણી કરવા પર પીડિતને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે “હા, હું સંમત છું.” તે અમારા ગામના પંડિત છે, અમે સરકાર પાસે તેમને મુક્ત કરવાની માગણી કરીએ છીએ.” રાવતે એમ પણ કહ્યું કે ગામમાં રોડ બનાવવા સિવાય તેઓ સરકાર પાસેથી કંઈ માગતા નથી. મધ્યપ્રદેશમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને પેશાબ કાંડના કારણે અહીં રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આરોપી ભાજપના સ્થાનિક ધારાસભ્ય સાથે જોડાયેલા છે. તેમજ ભાજપ તેમની સાથે કોઈપણ પ્રકારના સંબંધને નકારી રહ્યું છે.
ગુરુવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ પીડિત આદિવાસી દશમત રાવતને મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળ્યા હતા. અહીં શિવરાજે તેના પગ ધોયા, ચાંદલો કર્યો, શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ ઘટના પર દુખ વ્યક્ત કરી માફી માંગી હતી. સીએમ શિવરાજે પીડિત યુવકને ગણેશની પ્રતિમા પણ અર્પણ કરી હતી. શ્રીફળ અને કપડાં પણ આપ્યાં હતાં. સીએમએ પીડિતને પૂછ્યું કે શું ઘરમાં કોઈ સમસ્યા છે. કંઈ થાય તો મને જણાવજો. શિવરાજે પૂછ્યું કે તમે શું કામ કરો છો? પીડિતે જણાવ્યું કે તે કુબેરીના બજારમાં પલ્લેદારીનું કામ કરે છે. CMએ પૂછ્યું કે બાળકો ભણે છે? તેમને શિષ્યવૃત્તિ મળે છે કે નહીં? કોઈ પણ તકલીફ હોય તો જણાવજો અને શક્ય તમામ મદદની ખાતરી સીએમે આપી હતી.