ન્યૂયોર્ક: કોરોનાવાયરસજન્ય કોવિડ-19ના દર્દીઓ (COVID PATIENTS)માં હવે કેટલીક આડબિમારીઓ જોવા મળી રહી છે, જેમાં ભારતના ગુજરાત (GUJARAT) સહિત અનેક રાજ્યોમાં મ્યુકોર્માઇકોસીસ (MUCORMYCOSIS) અથવા તો બ્લેક ફંગસની સમસ્યા છે ત્યારે અમેરિકા (AMERICA)માં કોવિડના કેટલાક દર્દીઓમાં એક વિચિત્ર તકલીફ જોવા મળી રહી છે અને તે મેક્રોગ્લોસિયા (MACROGLOSSIA)ની સમસ્યા છે જેને કોવિડ ટંગ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં દર્દીની જીભ (TONGUE) ખૂબ મોટી થઇ જાય છે અને આના કારણે દર્દીને જમવામાં અને બોલવામાં પણ તકલીફ થઇ રહી છે.
કોવિડના દર્દીઓમાં આ સ્થિતિ સર્જાવાનું ચોક્કસ કારણ તો હજી સમજી શકાયું નથી પરંતુ આ સમસ્યા સામાન્ય રીતે સ્ટ્રોક અથવા તો લાંબા સમય સુધી નિશ્ચેતન જેવી અવસ્થામાં રહેલા દર્દીઓ સાથે સંકળાયેલી છે. એમ માનવામાં આવે છે કે દર્દીઓના અંગ પર સોજો આવે છે, કોવિડની સારવાર લઇ ચુકેલા કેટલાક દર્દીના અમુક અંગો જેવા કે હ્દય (HEART), કિડની (KIDNEY) વગેરે સોજાને કારણે મોટા થઇ ગયા હતા, તે જ રીતે જીભ પણ મોટી થઇ જાય છે એમ માનવામાં આવે છે. આમ તો આ સમસ્યા નવી નથી, અગાઉ પણ કેટલાક દર્દીઓમાં આ સમસ્યા જોવા મળતી હતી, પરંતુ હાલ કોવિડના દર્દીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે, જો કે કુલ દર્દીઓના પ્રમાણમાં આ સમસ્યા સાથેના દર્દીઓનું પ્રમાણ નજીવું જ છે એમ કહી શકાય.
અમેરિકામાં અત્યાર સુધીમાં કોવિડના કુલ નવ દર્દીઓમાં આ સમસ્યા જોવા મળી છે, જેમાંથી બે કેસ તો ગયા વર્ષે રોગચાળાની શરૂઆતના મહિનાઓમાં જોવા મળ્યા હતા, જ્યારે બાકીના સાત કેસ હાલમાં જોવા મળ્યા છે અને અત્યારે જે કેસ જોવા મળ્યા છે તેમાં જીભ વધારે પડતી મોટી થયેલી જણાઇ હતી. આમાં નવું એક પાસું એ જોવા મળ્યું છે કે અમેરિકામાં મેક્રોગ્લોસિયાની તકલીફ ધરાવતા દર્દીઓમાંથી નેવું ટકા દર્દીઓ અશ્વેત દર્દીઓ છે, એટલે આમાં વંશીય જિનેટિક બાબત પણ કારણભૂત જણાય છે.
આ સમસ્યાના ટોચના સંશોધકોમાંના એક એવા ડો. જેમ્સ મેલવિલે કહે છે કે આમ તો આ સામાન્ય બાબત છે પણ હાલ કોવિડના દર્દીઓમાં આ સમસ્યા વધારે પડતી વકરી હતી. અમેરિકાના હ્યુસ્ટનમાં એક અશ્વેત વ્યક્તિને લાંબા સમય સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ આ તકલીફ થઇ હતી. આમાં જીભ આપમેળે સાજી થતી નથી. આ દર્દી અલબત્ત, શસ્ત્રક્રિયા પછી સાજો થઇ ગયો હતો.