Comments

મેકૉલે : એક જર્જરિત ઇમારતનો રખેવાળ!!!

છેલ્લા છ માસ દરમિયાન ગુજરાતનાં વર્તમાનપત્રોમાં વ્યક્તિગત રીતે શિક્ષક છાણીમાં વિદ્યાર્થીઓ પર બળજબરી આચરતો, બનાસકાંઠામાં પ્રાથમિક શાળાનાં બાળકોને સોટીથી વીંઝી નાખતો, વલસાડમાં એકના ડબલ કરવાની પેરવીમાં સંડોવાયેલો દેખાય છે. તો સામુહિક રીતે શિક્ષણના ખાનગીકરણ તરફના ઝુકાવ સામે પોતાના ‘થોડું કામ અને વધુ વળતર’ના અધિકારને હાનિ પહોંચતી હોઇ સાર્વત્રિક હડતાલનું એલાન કરતાં શિક્ષક યુનિયનોની વાત વર્તમાનપત્રોમાં છપાઇ છે. એક વાલી તરીકે આ બધું જોતાં શિક્ષક એક આદર્શ એવો ભાવ તો અર્થહીન લાગે છે પરંતુ સ્વયં શિક્ષણવ્યવસ્થા બિનઉપયોગી બની રહ્યાનું ભાસે છે.

બદલાતી જતી સામાજિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં આજના શિક્ષણની સ્થિતિ જોતાં પ્રશ્ન થાય છે કે, આજના શિક્ષણની બેહાલી માટે માત્ર શિક્ષકને શા માટે જવાબદાર ઠેરવવામાં આવે છે? શું શિક્ષણની પ્રક્રિયામાં વાલીઓની જાગૃતિનું મહત્ત્વ નથી? સંચાલકમંડળની નૈતિકતા અગત્યની નથી? સરકારી વ્યવસ્થાતંત્રની સામેલગીરી શુદ્ધ અને સરળ હોય તે જરૂરી નથી? છેવટે વિદ્યાર્થીઓને જે કંઇ અભ્યાસક્રમના નામે કંઠસ્થ કરાવી દેવામાં આવે છે તેમાં અર્થસભરતા હોય તે જરૂરી નથી?

શિક્ષણપ્રક્રિયામાં નાગરિક તરીકે આપણા સ્થાનને વિચારીએ તો જણાશે કે ઇમારત તૂટી પડવાના કારણમાં એક ઇંટ તરીકે આપણે જરૂરથી સ્થાનભ્રષ્ટ થયા છીએ. મેકૉલેની શિક્ષણવ્યવસ્થાનાં એકમો! તંત્ર, શાળા, અભ્યાસક્રમ, વિદ્યાર્થી અને પરીક્ષા આ પાંચેય પરિબળો, સામાજિક પરિસ્થિતિની માગને અનુરૂપ રહે તે માટે રાજ્ય પ્રયત્ન કરે છે. એકમોની અગત્યના ક્રમમાં ફેરબદલી પણ કરે છે. આમ છતાં, સરવાળે શિક્ષણજગતની સ્થિતિ નિરાશ જણાય છે ત્યારે હવે મેકૉલે શિક્ષણના પાંચ આધારોમાંથી શક્ય એકમોને સમૂળગા દૂર કરવાનો સમય પાકી ગયાનું જણાય છે.

આ વિચારને સામાજિક વિકાસના સંદર્ભથી તપાસીએ તો, પૂર્વે પેઢી દર પેઢી વચ્ચે સાતત્યની જાળવણી માટે જે રીતરસમો અને સંસ્કારના આદાનપ્રદાનની અનિવાર્યતા હતી તેમાં પછીથી માહિતીની આપ-લેની પદ્ધતિ ઉમેરતાં શિક્ષણ નામે એક પ્રવાહ અસ્તિત્વમાં આવ્યો. જૂના સમયમાં સમજણ અને જ્ઞાનની આપ-લેની પદ્ધતિ તો ઘરઘરમાં કાર્યરત હતી જ, પરંતુ આ વિચાર માળખાગત બનતાં તેણે શાળા અભ્યાસક્રમ, શિક્ષણ જેવાં રૂપો ધારણ કર્યાં. આઝાદી પહેલાં શિક્ષણને વિકાસનો મુખ્ય આધાર ગણવામાં આવ્યું હતું. પરંતુ સ્વતંત્રતા બાદ સમૂહજીવનનો કોઇ એક જ મકસદ રહ્યો નહીં અને આઝાદીનાં ૬૭ વર્ષ દરમિયાન જે રીતે વ્યક્તિલક્ષિતાનો પ્રવાહ ઊભર્યો છે, તે સ્થિતિમાં તો આજે સમાજની જરૂરિયાત નક્કી થાય તે પહેલાં જ પરિસ્થિતિ બદલાઇ જાય છે. આ પ્રવાહિત સ્થિતિ સમયે સામાજિક સુવ્યવસ્થાઓનો દારોમદાર માત્ર શિક્ષણ ઉપર રખાય તે વધુ પડતી અપેક્ષા છે.

પરિસ્થિતિના ઉપાય તરીકે હવે દેશમાં ચાલતાં સેંકડો ઉદ્યોગો અને વ્યાપારી સંકુલો માફક શિક્ષણપ્રક્રિયાને મુક્ત બજાર વચ્ચે મૂકીએ, કે જયાં શિક્ષણની ગુણવત્તા મુજબ શિક્ષકને વેતન હોય, શાળાના સંચાલકોની વ્યવસ્થાશક્તિ આધારે ફીનું ધોરણ નકકી થાય, વિદ્યાર્થી વ્યક્તિગત ક્ષમતા મુજબ ગમતા વિષયો પસંદ કરે એટલું જ નહીં પણ વિદ્યાર્થી પોતાની તૈયારી અનુસાર પરીક્ષાર્થી બની આગળ ચાલે તેવી સુવિધા ઊભી કરવામાં આવે. બજારમાં આવતી ચીજવસ્તુઓને I.S.Iના માર્કની જરૂર હોઈ પ્રોડક્ટને નિયત ગુણવત્તા સુધી પહોંચાડવામાં આવે છે, તેમ શાળાઓ માટે પણ બાળકોની સંખ્યા પ્રમાણે નહીં પણ શાળામાં ઉપલબ્ધ સુવિધા અને બાળકોને આપવામાં આવતા કૌશલના આધારે સરકારી અનુદાન અને ફીનું ધોરણ નિયત કરી દેવામાં આવે.

શાળાની માન્યતા, શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ભરતી, શાળાનું સંચાલન અને છેક પરીક્ષાના પરિણામ સુધી સરકારી તંત્રની સામેલગીરી આજના શિક્ષણની મર્યાદા છે. આ પરિસ્થિતિને મહદ્ અંશે દૂર કરી ‘સરકાર માત્ર જવાબદાર પરીક્ષા તંત્રનું સંચાલન કરે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.’ આ પ્રકારની વ્યવસ્થાના કારણે માર્ચ અને ઑકટોબર તેવી પરીક્ષાનો ટૂંકો સમય દૂર થશે. વિદ્યાર્થીઓ પોતાની તૈયારી અનુસાર વર્ષ દરમિયાન ગમે તેટલી વખત એક કે તેથી વધુ વિષયની પરીક્ષા આપી શકશે. આ વ્યવસ્થા થકી પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટેની તરકીબો દૂર થશે. સામુહિક રીતે થતી ચોરી બંધ થશે. વિશેષ ટયુશનની ચૂંગાલમાંથી બાળકો અને વાલીઓ મુકત થશે અને એક વર્ષ સુધી જે વિષય ભણ્યા હોઇએ તેમાં જેટલું ગોખી શકાય તે બધું ત્રણ કલાકમાં ઓકી કાઢવાની મૂર્ખામીભરી પદ્ધતિ દૂર થશે અને છેવટે શિક્ષણ શાળાના ઓરડામાંથી બહાર આવતાં વ્યક્તિના ભણતરનું પ્રમાણપત્ર ઉપરાંત તેની આવડતનું મૂલ્ય અંકાશે.

સમાજવાદીઓને આ વિચાર મૂડીવાદી લાગે તે સ્વાભાવિક છે. પરંતુ હાલ જે શાળાઓ પંચાયત અને મ્યુનિસિપલ વ્યવસ્થા સાથે જોડાયેલ છે તેને પ્રયોગથી બાકાત રાખી શકાય. જેથી ગરીબ અને મધ્યમ વર્ગનાં હિતોનું જતન થઇ શકે. શિક્ષણ ક્ષેત્રે ખાનગી મૂડીરોકાણ વધારવા સામે કેરળની વડી અદાલતે આપેલા ચુકાદા સંબંધે સુપ્રીમ કોર્ટની પુનર્વિચારણા પછી શિક્ષણ ક્ષેત્રની વર્ગસામાન્યતા અને તેની વિશિષ્ટ જરૂરિયાતને અલગ પાડવાનો સમય પાકી ગયો છે. વિદેશોમાં ઘસડાઇ જતા આપણા બુદ્ધિધનને રોકવાનો સમય પાકી ગયો છે. ટયુશન આસપાસ કુંઠિત થતા શિક્ષણ માટે વિજ્ઞાનીઓ, ઉદ્યોગપતિઓ અને રાજ્યના નીતિ ઘડનારાઓએ એક મંચ પર ભેગા થઇ પ્રયોગશીલતા અપનાવવાનો સમય પાકી ગયો છે.

વસ્તીના વધતા દબાણ અને મર્યાદિત માળખાકીય સગવડોને સ્વીકારી રાજય સરકાર પોતાનું કાર્યક્ષેત્ર મર્યાદિત નહીં રાખે તો શિક્ષકો અને રાજકીય હેતુઓની સાંઠગાંઠ સરવાળે નુકસાનકર્તા બનશે, તેમાં બીજો મત નથી. સંગઠિત રહી પોતાનાં હિતો માટે લડતા રહેવું તે સમાજવાદી કાર્યપદ્ધતિની સફળ તરકીબ છે. પરંતુ કોઇ એકાદ જૂથને અલગ તારવી તેને વિશેષ લાભ આપી સરળ પ્રશસ્તિ મેળવવી તે લોકશાહી રાજયવ્યવસ્થામાં મર્યાદારૂપ બને છે. ભારતીય પ્રજાતંત્રમાં સંગઠિત વિકાસ અને રાજકીય નિર્ણયોની સ્વતંત્રતા રહેલી છે તે સારી બાબત છે. પરંતુ તેનો લાભ મુઠ્ઠીભર બુદ્ધિજીવીઓ અને ગણ્યાગાંઠયા સમુદાય પૂરતો મર્યાદિત છે, ત્યારે આવી ઘટનાઓ લોક્શાહીની પ્રક્રિયાને શિથિલ કરી નાખવા માટે પૂરતી જણાય છે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top