લુણેજની દીકરી આર્મીમાં જોડાતાં ભવ્ય સન્માન કરાયું

ખંભાત : ખંભાતના લુણેજ ગામની દીકરી આરતી મહિપતભાઈ મકવાણા સશસ્ત્ર સીમાબલ  (એસએસબી) આર્મીની તાલીમ પૂર્ણ કરી તેનું નેપાળ બોર્ડર ખાતે પોસ્ટિંગ થયું હતું. અહીં તાલીમ પૂર્ણ કર્યા બાદ વતન પરત ફરતા ગામમાં અનોખો માહોલ સર્જાયો હતો અને સમગ્ર ગ્રામ્યજનોએ તેને આવકારીને ટ્રોફી, પુષગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ખંભાત તાલુકાના લૂણેજ ગામના કોળી સમાજના એક પરિવારને સાત દીકરીઓ પૈકી એક દીકરી આરતીએ સખત પરિશ્રમ કરી તાલુકામાં પ્રથમવાર આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માતા-પિતા, પરિવાર અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ટ્રેનીંગ પૂર્ણ કરી આરતી મકવાણા વતન લૂણેજ આવતા કંકુ તિલક મોં મીઠું કરાવી પુષ્પાહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગામની વચ્ચે આર્મી દીકરીએ ધ્વજ લહેરાવ્યો હતો. આ પ્રસંગે તેના પરિવારજનો સહિત સમગ્ર ગામના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીને વાજતે ગાજતે ભારત માતાકી જય, વંદે માતરમના નારા સાથે તેનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ તલાટી સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહી દીકરીને સન્માની હતી અને તેની બહાદુરી અને નીડરતાના વખાણ કર્યા હતા અને આગામી સમયમાં દેશનું રક્ષણ કરવા તેમજ ઉત્તરોત્તર પ્રગતિ કરવા સમગ્ર ગામજનોએ શુભેચ્છા પાઠવી હતી. ગામમાં તહેવાર જેવો માહોલ સર્જાયો હતો. આ અંગે  આરતી મકવાણાએ જણાવ્યું હતું કે, તેણીની વર્ષ 2018માં સશસ્ત્ર સીમાદળમાં પસંદગી થઈ હતી અને ભોપાલ ખાતે સશસ્ત્ર સીમાદળમાં ટ્રેનિંગ પૂર્ણ કરી લુણેજ ખાતે પરત આવી છું. મારા માતા-પિતાની હૂંફ અને સહયોગથી જ મેં આ મુકામ હાંસલ કર્યો છે. દેશ માટે રક્ષણ અને સેવા કરવાની તક મળતા ગૌરવની લાગણી અનુભવુ છું.

Most Popular

To Top