સંતરામપુર : મહિસાગર જિલ્લામાં તળાવ ભરવાની શામણા ઉદવહન સિંચાઈ યોજનાની કામગીરી સંપૂર્ણપણે ફીઝીકલી પુરી ન થતા યોજના કાર્યરત થઈ નથી. જેના કારણે લુણાવાડા અને સંતરામપુર તાલુકાના 17 તળાવ પાણી ભરવાથી વંચિત રહ્યા છે. આથી ઉનાળામાં ખેડુતો, ગ્રામજનો અને પશુઓ માટે પાણીની સમસ્યા ઊભી થઈ છે. મહિસાગર જિલ્લાના કડાણા બંધમાંથી ડાબા કાંઠાની ઉચ્ચ સ્તરીય નહેરના પાણી શીયાલ અને શામણા તળાવોમાં પાણીથી ભરીને સંતરામપુર, કડાણા અને લુણાવાડા તાલુકાનાં વિવિધ તળાવો પાણીથી ભરવાની યોજના અંદાજીત 55 કરોડના ખર્ચે વરસ 2020માં મંજુર થતા તેની કામગીરી શરું કરવામાં આવી છે.
આ યોજનામાં સમાવિષ્ટ ગામોના તળાવ ભરવા શીયાલ ઉદવહન સિંચાઈ યોજના કાર્યરત કરવામાં આવી છે. જોકે કડાણા સંતરામપુર તાલુકાના 17 તળાવ ફક્ત 40 ટકા ભરવામાં આવ્યા છે. જયારે શામણા ઉદવહન સિંચાઈ યોજનાની કામગીરી હજુ સંપુર્ણપણે ફીઝીકલી પુરી થઈ નથી. જેથી આ યોજના હજુ કાર્યરત કરવામાં આવી નથી. જેના કારણે સંતરામપુર અનૈે લુણાવાડા તાલુકાનાં 17 તળાવમાં પાણી નહીં ભરાતા તે વિસ્તારના ખેડુતોને, ગ્રામજનો અને પશુઓ માટે પાણીની સમસ્યા ઊભી થઈ છે.