ગાંધીનગર: રાજયમાં છેલ્લા 24 કલાકમાં લમ્પી વાઈરસ (Lumpy Virus) વધુ બે જિલ્લાઓમાં પ્રસર્યો છે. જેમાં વડોદરા (Vadodra) તથા આણંદનો (Anand) સમાવેશ થાય છે. જયારે વધુ 159 પશુઓના મોત (Death) સાથે આજ હવે લમ્પી વાઈરસના કારણે પશુઓના મોતની સંખ્યા વધીને 1838 સુધી પહોંચી જવા પામી છે. 60,851 પશુઓને વાઈરસની અસર થવા પામી છે. આ સાથે રાજયમાં 22 જિલ્લાઓમાં લમ્પી વાઈરસની અસર થવા પામી છે.
સચિવાલયના પશુપાલન વિભાગે આજે રાત્રે જારી કરેલા આંકડા તથા માહિતી મુજબ , રાજયમાં હાલની સ્થિતિએ અત્યાર સુધીમાં કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ , મહેસાણા, વડોદરા તથા આણંદ મળી કુલ રાજયના કુલ ૨2 જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે. આ ૨2 જિલ્લાઓના અસરગ્રસ્ત 2463 ગામોમાં 60851 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે તે તમામ પશુઓને સારવાર આપવામાં આવી છે. તે પૈકી 42565 પશુઓ સાજા થઈ ગયા છે.
અત્યાર સુધીનાં રોગચાળા અહેવાલ મુજબ રાજયમાં કુલ 1938 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મૃત્યું નોધાયા છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 15.78 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે. આ ૨2 જિલ્લાઓમાં પશુપાલન ખાતાના પશુચિકિત્સા અધિકારીઓ અને પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. વધારાના આઉટસોર્સ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે.