એવું ઘણીવાર બન્યું છે કે ત્રીજા – ચોથા ક્રમે રમતો ખેલાડી નિષ્ફળ જાય તો તેને ક્રમ બદલાવી રમાડવામાં આવે. પછી ત્યાં પણ સફળ ન જાય તો તે સિલેકટર યા કોમેન્ટેટર તરીકે ફરી ગોઠવવા પ્રયાસ કરે. તેમ પણ ન થાય તો પોતાની ક્રિકેટ અકાદમી શરૂ કરે. દીપક તિજોરીનું એવું છે. અટક તિજોરી છે પણ તેની પાસે ચાવી નથી એટલે તે ખૂલતી નથી. આ ૨૮મીએ ૬૧ વર્ષનો થનાર દીપક તિજોરી વિશે એટલું જ કહેવું પડે કે તેણે સંઘર્ષ નથી મુકયો. અભિનેતા તરીકે ખરાબ દિવસો આવ્યા તો તે નિર્માણ અને દિગ્દર્શન તરફ વળ્યો. ‘ઉપ્સ’ નામની ફિલ્મનો તે સ્વયં નિર્માતા ને દિગ્દર્શક હતો. નિષ્ફળ અભિનેતા દિગ્દર્શક બનવા જાય તો કોઇ નિર્માતા તેના માટે રોકાણ ન કરે. ત્યાર પછી તે જે બીજી ચાર ફિલ્મોનો નિર્માતા બન્યો તેમાની એક ‘ટિપ્સી’ (તેણે શીર્ષકમાં ત્રણ ‘P’ લગાડયા છે) આ અઠવાડિયે રજૂ થઇ રહી છે. અત્યાર સુધીની તેને એકેય ફિલ્મ કોઇ મોટી સફળતા મેળવી શકી નથી ને તો ય નવી ફિલ્મ બનાવવામાં તે સફળ રહ્યો છે. દિગ્દર્શનમાં આવ્યો પછી તેણે ‘ઉપ્સ’, ‘ફોકસ’ ફિલ્મો લખી ય ખરી અને ‘ટિપ્સી’ની વાર્તા પટકથા પણ તેની જ છે.
દીપકે ‘ઇધર ઉધર’, ‘યસ સર’, ‘અમ્રિતા’ જેવી ટી.વી. સિરીયલોથી શરૂઆત કરેલી અને પછી ફિલ્મોમાં આવેલો. ‘આશિકી’, ‘દિલ હૈ કી માનતા નહીં’, ‘સડક’, ‘જો જીતા વોહી સિકંદર’, ‘ખિલાડી’, ‘અંજામ’, ‘મૃત્યુદાતા’, ‘ગુલામ’, ‘સાહિબ બીવી ઔર ગેંગ સ્ટર-3’ જેવી ફિલ્મો પછી તે ‘ઇલિગલ – જસ્ટિસ, આઉટ ઓફ ઓર્ડર, ‘બુલેટ્સ’ ટી.વી. શ્રેણીમાંય કામ કર્યું. આ બધું ટકી રહેવાના પ્રયત્ન રૂપે હતું. ટકી ગયો એટલે જ ‘ટિપ્સી’ આવી છે. પણ તે સારો દિગ્દર્શક છે તેવું તેના સિવાય કોઇ માનતું નથી, એટલે બહારના નિર્માતાની ફિલ્મો નથી મળતી. તેની ‘ટિપ્સી’માં એશા ગુપ્તા, કાયનાત અરોરા, અલંક્રિતા સહાય, મંદીપ કૌર સંધુ, નાઝીયા હુસેન, સોનિયા બિજે સહિતની અભિનેત્રીઓ છે પણ પુરુષ અભિનેતામાં તો દિપક પોતે જ એક જાણીતા નામ તરીકે ગણાવી શકે.
આ કારણે ફિલ્મની પ્રોડકશન વેલ્યુ બહુ ન ગણાય. બાકી, વિષય એવો છે કે બેચલર પાર્ટી કરવા ગોવા ગયેલી છોકરીઓનું ગ્રુપ અઘટિત સંજોગોમાં ફસાય જાય છે. સ્ટોરી સારી છે પણ પરદા પર કેવી છે તે રજૂ થયા પછી ખબર પડશે. દીપક તિજોરી ઇચ્છતો હશે કે આ ફિલ્મ તો સફળ જાય. હા, તેની ફિલ્મોમાં કાંઇ સલમાન, ઋત્વિક, આમીર, અક્ષય કુમાર કે અજય દેવગણ, રણબીર કપૂર તો ન જ હોય શકે ને દિપીકા, આલિયા, તાપસી વગેરે પણ ન હોય શકે. દીપક તેની આ મર્યાદા જાણતો જ હશે પણ તોય ટકી રહેવા મથે છે.
અભિનેતા તરીકે તો બસ એક ‘ઇત્તર’ નામની ફિલ્મ આવે છે. દિપક સિંધી – ગુજરાતી છે છતાં સફળ નથી, તિજોરીવાલા અટક હતી પણ તેણે ‘વાલા’ કાઢી તિજોરી રહેવા દીધું છે. હવે તે ભરાય તો આ અટક કામની. દીપક શિવાનીને પરણ્યો છે જે ફેશન ડિઝાઇનર છે પણ કહે છે કે યોગા ઇન્સ્ટ્રકટર સાથે દીપકના સંબંધ હોવાથી લગ્નજીવન ખરાબે ચડયું છે. ખેર, આ દંપતીને સમારા નામની દિકરી છે. ફિલ્મ જગતમાં આવું બધું તો ચાલે, દીપક ઇચ્છતો હશે કે ‘ટિપ્સી’ ચાલે. ત્રણ ‘પી’ લગાડયા છે તો કામે લાગવા જોઇએ. •