Columns

સંપત્તિનું ગુમાન

એક અતિ શ્રીમંત શેઠ ગિરધારીલાલ હતા. તેમની પાસે સાત પેઢી ખાતાં ન ખૂટે તેટલી સંપત્તિ હતી અને એટલે શેઠને પોતાની સંપત્તિનું ગુમાન હતું અને તેમના કરતાં વધુ અભિમાન તેમના બે પુત્રો સોહન અને મોહનને હતું.તેઓ બધાનું અપમાન કરતા અને પોતાને સર્વોપરી સમજતા.શેઠનાં પત્ની શેઠાણી રાજબાને પોતાના પતિ અને પુત્રોનું આ અભિમાનભર્યું વર્તન બિલકુલ પસંદ ન હતું.તેઓ જાણતાં હતાં કે અભિમાન કરવું સારું નહિ.સતત પોતાના પતિ અને પુત્રોને કઈ રીતે સમજાવવા તે વિચારતા રહેતા. એક દિવસ રાજબાએ બે ચાંદીમાં મઢેલા ગીતા રહસ્યના પુસ્તક મંગાવ્યાં અને બંને પુત્રોને કહ્યું, ‘આ ગીતા રહસ્યનું પુસ્તક ખાસ તમારે માટે ચાંદીમાં મઢીને મંગાવ્યું છે.મારી ઈચ્છા છે કે તમે તે વાંચો ને ચાર દિવસમાં આખું સમજી લો.’પુત્રો બોલ્યા, ‘મા, ચાર દિવસમાં ગીતા રહસ્ય અમે વાંચીને કઈ રીતે સમજી શકીએ.

અમે તો શાળામાં પણ કોઈ પુસ્તક પૂરું વાંચતા ન હતા.આ પુસ્તકને વાંચતાં જ વાર લાગશે અને અમને સમજાશે કે નહિ તે તો ખબર જ નથી.’શેઠાણી રાજ બા હસ્યાં અને બોલ્યાં, ‘અરે હા મારી ભૂલ છે. ધનથી પુસ્તક ખરીદી શકાય …તેને ચાંદીથી મઢી શકાય, પણ સમજવા માટે તો બુધ્ધિ જોઈએ.’પુત્રો થોડા ભોંઠા પડી ત્યાંથી ચાલ્યા ગયા. એક દિવસ રાજબા એ પતિ શેઠ ગિરધારીલાલને કહ્યું, ‘મારે ભગવાનને નજીકથી જોવા છે.ઈશ્વરનાં દર્શન કરવાં છે. તમે ગામમાં મંદિર બંધાય છે તેનો બધો ખર્ચો આપો એટલે આપણને ભગવાન મળી શકે.’શેઠજી બોલ્યા, ‘શેઠાણી આમ તો આપ બહુ શાણા છો, પણ આ કેવી વાત કરો છો? મંદિર બંધાવવામાં ધન આપણે ખર્ચીએ એટલે થોડા ભગવાન આપણને મળી શકે? તે તો કોઈ ભાગ્યવાન ભક્તને જ મળે.’શેઠાણી રાજ બા હસ્યાં અને બોલ્યાં, ‘અરે હા, મારી ભૂલ થઇ.

હું તો ભૂલી જ ગઈ હતી કે ધનથી મંદિર બાંધી શકાય પણ ભગવાનને મળવા તો ભક્તિ અને નમ્રતા જોઈએ.’શેઠ સમજી ગયા કે શેઠાણી કૈંક કહેવા માંગે છે.તેમણે કહ્યું, ‘શેઠાણી, શું કહેવા માંગો છો તે ફોડ પાડી સમજાવો.’ શેઠાણીએ ઘરના બધાને ભેગા કર્યા અને પછી બોલ્યા, ‘આપે સમજાવવા કહ્યું એટલે ફોડ પાડી સમજાવું છું કે ધનનું ગુમાન કરવું નકામું છે.ધનથી પુસ્તક મળે, પણ બુધ્ધિ નહિ ..ધનથી મંદિર બંધાય, પણ ભક્તિ ન થાય…ધનથી મકાન બંધાય, પણ વિના પ્રેમ પરિવાર ન શોભે…તમે ધનના ગુમાનમાં બધાંનાં અપમાન કરો છો તે ખોટું છે.જીવનમાં પ્રેમ,જ્ઞાન,નમ્રતા અને ભક્તિ ધનથી પણ વધુ મહત્ત્વનાં છે તે સમજો અને અભિમાન છોડો એટલું જ મારે સમજાવવું છે.’શેઠાણીએ પોતાની વાત સચોટ રીતે સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top