મુંબઈ: લોસ એન્જલસમાં (Los Angeles) યોજાનારી 2028ની ઓલિમ્પિક ગેમ્સમાં (Olympic Games) સોમવારે ક્રિકેટનો (Cricket) સત્તાવાર રીતે સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ પગલાંને તેને વૈશ્વિક રમત બનાવવાના પ્રયાસ તરફનું પ્રથમ ડગલા તરીકે જોવામાં આવે છે. ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ ટી-20 (T-20) ફોર્મેટમાં રમાશે. આ ઉપરાંત, અન્ય રમતો કે જેને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી) દ્વારા તેના 141મા સત્રમાં સમાવેશ માટે મંજૂરી આપવામાં આવી છે તેમાં સ્ક્વોશ, બેઝબોલ/સોફ્ટબોલ, લેક્રોસ અને ફ્લેગ ફૂટબોલનો સમાવેશ થાય છે.
- લોસ એન્જેલસ ગેમ્સ માટે ક્રિકેટની સાથે જ સ્ક્વોશ, બેઝબોલ/સોફ્ટબોલ, લેક્રોસ અને ફ્લેગ ફૂટબોલનો પણ સમાવેશ
- પાંચ રમતોને સામેલ કરવાના પ્રસ્તાવના મતદાનમાં આઇઓસીના 99 સભ્યોમાંથી માત્ર બે સભ્યોએ જ વિરોધ કર્યો
- લોસ એન્જેલસ ગેમ્સમાં સમાવેશની સાથે જ ક્રિકેટની વૈશ્વિક મહાત્વાકાંક્ષા સંતોષવાને મોટુ બળ મળશે
આઇઓસીએ સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે બેઝબોલ/સોફ્ટબોલ, ક્રિકેટ (ટી-20), ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ (સિક્સ) અને સ્ક્વોશ લોસ એન્જલસ 2028 માટે સ્પોર્ટ્સ પ્રોગ્રામનો ભાગ હશે, લોસ એન્જલસ-28 ઓર્ગેનાઈઝિંગ કમિટિ દ્વારા ભલામણ કરાયેલી પાંચ રમતોને સામેલ કરવાના પ્રસ્તાવનો આઇઓસીના 99 સભ્યોમાંથી માત્ર બે સભ્યોએ જ મતદાન કરીને વિરોધ કર્યો હતો.
એક્ઝિક્યુટિવ બોર્ડની ભલામણ પર હાથ ઉંચો કરીને મત આપવાનું સભ્યોને કહેવાયા પછી, આઇઓસી પ્રમુખ થોમસ બાકે અન્ય રમતોની સાથે ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાની જાહેરાત કરી હતી. બાકે કહ્યું હતું કે હું તમને બધાને ઓલિમ્પિક કાર્યક્રમમાં આવકારું છું. થોમસ બાકે જણાવ્યું હતું કે અમેરિકાની રમત સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને અને આંતરરાષ્ટ્રીય રમતોને અમેરિકામાં લાવવા માટે આ પાંચ રમતોની પસંદગી કરવામાં આવી છે.
બીસીસીઆઇએ પહેલા સ્વાયત્તતા છીનવાવાના ભયે વિરોધ કર્યા પછી 2021માં તેનું સમર્થન કર્યું
ક્રિકેટનો ઓલિમ્પિક્સમાં સમાવેશ કરવા મામલે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) પહેલા તેનો વિરોધ કરતું રહ્યું હતું. પણ તાજેતરમાં ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતાને જોતા, બીસીસીઆઇએ ક્રિકેટને ઓલિમ્પિક્સમાં સામેલ કરવાના આઇસીસીના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. બીસીસીઆઈએ 2021માં પોતાનો અભિપ્રાય બદલીને ઓલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશને સમર્થન આપ્યું હતું. આ પહેલા તેને એવું લાગતું હતું કે આમ થવાથી તેની સ્વાયત્તતા છીનવાઈ જશે.
ઇટાલીના ઓલિમ્પિક્સ ચેમ્પિયન શૂટર નિકોલો કેમ્પ્રીઆનીએ ક્રિકેટની લોકપ્રિયતા માટે વિરાટનું ઉદાહરણ આપ્યું
ઇટાલીના ઓલિમ્પિક ચેમ્પિયન શૂટર અને લોસ એન્જલસ 28ના સ્પોર્ટ્સ ડિરેક્ટર નિકોલો કેમ્પ્રીઆનીએ ક્રિકેટની લોકપ્રિતતા માટે વિરાટ કોહલીનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે અમે વિશ્વની બીજી સૌથી લોકપ્રિય રમતનું સ્વાગત કરવા માટે રોમાંચિત છીએ, જેના વિશ્વભરમાં 2.5 અબજથી વધુ ચાહકો છે. તેણે કહ્યું હતું કે સોશિયલ મીડિયા મારા મિત્ર વિરાટ કોહલીના સોશિયલ મીડિયા પર 34 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તે વિશ્વનો ત્રીજો સૌથી વધુ ફોલો થનાર એથ્લેટ છે. તેના ફોલોઅર્સનો આંકડો લેબ્રોન જેમ્સ, ટોમ બ્રેડી અને ટાઇગર વુડના ફોલોઅર્સના સરવાળાથી વધુ છે.
આ પહેલા ઓલિમ્પિક્સમાં ક્રિકેટ માત્ર એક જ વાર 1900માં રમાયું હતું
આ પહેલા 1900માં ઓલિમ્પિકમાં માત્ર એક જ વાર ક્રિકેટ રમાયું હતું અને એ પેરિસ ઓલિમ્પિક્સમાં ઈંગ્લેન્ડે ફ્રાંસને હરાવ્યું હતું. આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું કે, 1900 બાદ પ્રથમ વખત ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી છે. આઇસીસીએ એક પ્રસ્તાવ બનાવવા માટે સખત મહેનત કરી છે જે ઓલિમ્પિક્સ મૂલ્યો સાથે સુસંગત છે.