ઉત્તર પ્રદેશ : ભગવાન રામના (Lord Ram) જન્મ સ્થળ અયોધ્યામાં (Ayodhya) રામલલા મંદિરનું (Ram temple) નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. હાલ ઓક્ટોબર 2023માં મંદિરનું ગર્ભગૃહ તૈયાર થઈ જશે અને ભગવાન રામ 24 જાન્યુઆરી 2024ના રોજ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. ભગવાન મંદિરમાં બિરાજમાન થયા બાદ દરરોજ લાખો ભક્તો રામલલાના દર્શન કરશે અને પૂજા કરશે. આ વાતને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં રોડ પણ પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે. આ માર્ગ પર આવેલ જન્મભૂમિ પથ (Janmabhoomi path) ખુલ્લો મુકવામાં આવ્યો છે. આજથી રામ ભક્તો આ માર્ગ પરથી દર્શન અને પૂજા કરી શકશે.
દરરોજ લાખોની સંખ્યામાં રામલલાના દર્શન કરશે તે વાતને ધ્યાનમાં રાખીને રામ જન્મભૂમિ તરફ જતા 4 માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ચાર રૂટમાં રામ પથ, જન્મભૂમિ પથ, ભક્તિ પથ અને સુગ્રીવ પથનું નિર્માણ કાર્ય કરવામાં આવશે. આ સાથે અહીં આવનારા રામ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે આ માર્ગો બનાવવામાં આવી રહ્યા છે.
રામ ભક્તો માટે આજથી જન્મભૂમિ પથ શરૂ કરવામાં આવ્યો છે. આ જન્મભૂમિ પથ પરથી રામ ભક્તો તેમના આરાધ્ય દેવ ભગવાન રામના દર્શન અને પૂજન કરી શકશે. અગાઉ રામ ભક્તો હનુમાનગઢી થઈને રામજન્મભૂમિ માર્ગ એટલે કે અમાવા મંદિર પાસે મોટી ભીડ સાથે રામલલાના દર્શન કરવા જતા હતા. પરંતુ હવે રામભક્તો માટે જન્મભૂમિ માર્ગ શરૂ કરવામાં આવ્યો છે.
જન્મભૂમિ પથ પર સુરક્ષા ચેકિંગ પોઈન્ટ
જન્મભૂમિ માર્ગને સંપૂર્ણ રીતે રામમય બનાવવામાં આવ્યો છે. આ રૂટ પર અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવશે. રામ મંદિર ટ્રસ્ટના સહયોગી ગોપાલ રાવજીએ જણાવ્યું હતું કે આ જન્મભૂમિ પથ પર સુરક્ષા ચેકિંગ પોઈન્ટની સાથે આવતા શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પેસેન્જર ફેસિલિટેશન સેન્ટર લોકર બનાવવામાં આવ્યું છે. જ્યાં શ્રદ્ધાળુઓ જઈ તેમનો સામાન રાખી શકશે. આ સાથે ભક્તિપથનું નિર્માણ કાર્ય પણ ટૂંક જ સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ સાથે સૌથી લાંબા માર્ગ રામ પથનું નિર્માણ કાર્ય પણ 3 થી 4 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ તમામ રૂટનું કામ દીપોત્સવ અને ભગવાન રામ તેના ગર્ભગૃહમાં બિરાજમાન થાય તે પહેલા પૂર્ણ થઈ જશે.