આણંદ: આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે નીજમંદિરમાં પૂજાવિધિ બાદ સોનાના પારણામાં લાલજી પધરાવી પ્રભુ પ્રાગટ્યની આરતી ઉતારી પારણું ઝૂલાવ્યું. વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનો પર૪૪ મો જન્મોત્સવ ખૂબજ ધામધૂમથી આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને મંદિરના મુખ્ય કોઠારી ર્ડા.સંત સ્વામી સહિત સંતો-ભક્તોએ સાથે મળીને ખૂબજ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે શાસ્ત્રી રઘુનંદન સ્વામીએ વ્યાસાસને બિરાજી કૃષ્ણચરિત્રામૃત કથાનું રસપાન કરાવ્યું હતું.
આ પ્રસંગે કોઠારી ર્ડા.સંત સ્વામીએ ઉત્સવ અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું. સમગ્ર વિશ્વમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાય છે. ભગવાન કૃષ્ણને પાંચ હજાર વર્ષના વહાણા વહી ગયા હોવા છતાં જન્મોત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. આજે પણ શ્રીકૃષ્ણ પરમાત્મા લોકહૈયામાં ધબકે છે, મહાલે છે, એજ સાચી ભક્તિ છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ પૂર્વે મંદિરના ચોગાનમાં બાળધૂન મંડળના ભૂલકાંઓ ધ્વારા રજુ કરવામાં આવેલ રાસ ઉપસ્થિત ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભૂલકાંઓ સાથે-સાથે સંતો-પાર્ષદો- ભક્તો તથા મંદિરના વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે રાસની રમઝટ બોલાવી હતી.
વડતાલ નીજમંદિરના ખંડોને થાઈલેન્ડના એથોરીયમ પુષ્પોથી શણગારાયા : આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે નીજમંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાનની પૂજાવિધિ બાદ ચંપાના ફૂલોથી શણગારેલ સોનાના પારણામાં લાલજી પધરાવી પ્રભુ પ્રાગટ્યની આરતી ઉતારી પારણું ઝૂલાવ્યું હતું. મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી સહિત અનેક પૂજારીઓએ નીજમંદિરમાં ત્રણેય દેવોના ખંડમાં ફૂલોથી સુશોભિત કમાનો રચી સુંદર સજાવટ કરી હતી. જ્યારે વચ્ચેના શ્રી લક્ષ્મીનારાયણ દેવના દેરામાં થાઈલેન્ડના એથોરીયમ ફૂલોથી શણગારવામાં આવ્યો હતો.
100 કિલો પેંડા, 100 કિલો પંજાજરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો. રાત્રે ૧રઃ૦૦ ના ટકોરે શ્રીકૃષ્ણ જન્મના વધામણાંની આરતી બાદ મટકીફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં યુવાનોની ટોળકી ધ્વારા મટકી ફોડવામાં આવી હતી. યુવાનોએ પિરામીડ બનાવી મટકી ફોડતાં સૌ ઉપસ્થિત ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. આ વખતે રપ૦ કિલો ચોકલેટની સંતો-પાર્ષદો ધ્વારા ઉછામણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું. આ પ્રસંગે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.