કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની તરસાડી રોડ ખાતે રસ્તેથી પસાર થતા કોસંબા મર્કન્ટાઈલ બેન્કના એજન્ટને બે લુંટારુએ રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં અટકાવ્યો હતો. બાદ લોખંડના પાઈપના સપાટાનો ઢોરમાર મારી રૂ.૯૦ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં વિસ્તારની જનતામાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સાથે જ કોસંબા પોલીસ પણ બનાવને પગલે દોડતી થઈ ગઈ હતી. બાદ બનાવની ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ કોસંબા મર્કન્ટાઈલ બેંકના રિકવરી એજન્ટ હિતેશભાઈ કોસંબા તરસાડી વિસ્તારમાં બેંકનાં બાકી નાણાંની રિકવરી કરવાનું કામ કરી રહ્યા છે. તેઓ આજે સાંજના સમયે પાંચ ફેક્ટરી વિસ્તારમાંથી રિકવરી કરી ગુજરાત વિદ્યુત બોર્ડની કચેરી પાસે જૂની તરસાડી રસ્તા પરથી પસાર થતા હતા. ત્યારે 20થી 25 વર્ષની વયના બે લુંટારુએ હિતેશભાઈને નિશાન બનાવી જમીન પર ફેંકી દઈ લોખંડ વડે માર માર્યો હતો.
ઉપરાંત તેમની બેગમાંથી રૂ.૯૦ હજારની લૂંટ ચલાવી લુંટારુઓ અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. આ બનાવને પગલે વિસ્તારની જનતામાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. જેની જાણ થતાં જ કોસંબા પોલીસ પણ દોડતી થઇ ગઈ હતી. ઇજા પામેલા હિતેશભાઈને સારવાર માટે ખસેડી આ લખાય છે ત્યારે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.