સાંજ પડી ,બધા સિનીયર ઝીટીઝન્સ ગાર્ડનમાં વોક કરીને થોડી વાર વાતો કરવા બેઠક જમાવી. થોડીવાર આડીઅવળી વાતચીત બાદ વાતચીત નીકળી કે આ દુનિયામાં નફરત અને સ્વાર્થ જ ફેલાયેલા છે.કોઈ સાચી લાગણી રાખતું નથી.અને બધા આ વાતમાં પોતાનો સૂર પૂરાવા લાગ્યા અને પોતાના કડવા અનુભવો કહેવા લાગ્યા…મોટાભાગના કડવા અનુભવો નજીકના લોકો દ્વારા જ મળ્યા હતા અને તે અનુભવો બધાના મનમાં તાજા થઇ ગયા. બે ઘડી હળવી વાતોના સ્થાને વાતાવરણ અને બધાં ના મન ભારેખમ થઈ ગયા.
કોઈની આંખમાં આંસુ તો કોઈ ના મનમાં ગુસ્સો છલકાઈ ઊઠ્યો. આ વાતચીત દરમિયાન ચોકલેટ દાદા તરીકે ઓળખાતા દોલતભાઈ એકદમ ચૂપ બેઠા હતા.એક દોસ્તે પૂછ્યુ,” કેમ તમે સાવ ચૂપ છો,કઈ કહેવું નથી.” દોલતભાઈ બોલ્યા,” મારો મત જરા જુદો છે…એવું નથી કે મને કડવા અનુભવ નથી થયા.પણ સારા અનુભવ પણ થયા છે અને થતાં જ રહે છે.” બીજા એક કાકાએ કહ્યુ, “દોસ્ત વધુ સારા અનુભવ!!! શક્ય જ નથી…” દોલતભાઈએ બધાંને સંબોધીને કહ્યું, “ જૂઓ પેલી તરફ…” ત્યાં છોકરાઓ બૂમરેંગની રમત રમતાં હતા.આ રમતમાં બૂમરેંગ ફેંકનાર તરફ પાછું આવે. કોઈ ને કઈ સમજાયું નહિ.એક બહેન બોલ્યા,” આ રમત અને આપણી વાતચીતનો શું સંબંધ?”
દોલતભાઈ બોલ્યા,” અરે બહુ સમજવા જેવો સંબંધ છે.જેમ ફેંક્યા બાદ આ બૂમરેંગ પાછું તમારી તરફ આવે છે તેવું જ આપણી લાગણીઓનું છે.તમે કોઈને પ્રેમથી ભેટી જોજો સામેથી એવો જ ભાવ મળશે.જે આપશો તે જ પાછું મળશે. મારા બાળકો દૂર વિદેશ જતા રહ્યા અને પત્નીનો સ્વર્ગવાસ થઈ ગયો હું એકલો થઈ ગયો.પણ હું જિંદગીથી ફરિયાદ કરતો નથી …જો ફરિયાદ કરીએ તો તે વધતી જ રહે.હું જિંદગીને સામે જઈને બાહોં ફેલાવીને ભેટુ છું….મિત્રોની મહેફિલ જમાવુ છું….તેમનો પ્રેમ અને સાથ મેળવું છું.
રોજ નાના બાળકોને ચોકલેટ આપી તેમના વ્હાલની મીઠી મજા મેળવું છું.દોસ્તો કડવી વાતો છોડો.કડવાશ ભરી વાતો મનમાં ભરીને યાદ રાખશો તો તમે પણ જ્યાં જશો ત્યાં કડવાશ ફેલાવશો અને સામે તમને તે જ પાછું મળશે.જિંદગીને જે આપશો તે મળશે પ્રેમથી આગળ વધીને જીંદગીને દિલથી ભેટી જુઓ…અન્યને પ્રેમ આપો તો એવો જ અનુભવ થશે.” દોલતભાઈએ બધાં ને કડવાશ ગુસ્સો અને ફરિયાદ છોડી જીંદગીને અને અન્ય દરેકને દિલથી ભેટવાની મજા સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.