ગત ર૬ નવેમ્બર, ૨૦૨૧ ના બંધારણ દિન ઉજવણી પ્રસંગે દેશના વડા પ્રધાને પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઙ્કજે પક્ષ પેઢી દર પેઢી એક પરિવાર ચલાવતો રહે, તે સ્વસ્થ લોકતંત્ર માટે સૌથી મોટું સંકટ છે. બંધારણની રક્ષા કરવા માગનારા માટે શ્નવંશવાદી પક્ષોઙ્ખ બહુ મોટો ખતરો છે.ઙ્ખ પ્રથમ દૃષ્ટિએ વડા પ્રધાનનું આ વિધાન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફ સીધી આંગળી ચીંધે છે. પરંતુ પ્રસ્તુત વિષયના મુદ્દે ભાજપનો ભાનુમતીનો પટારો ખોલીએ તો, બાકીની ત્રણ આંગળીઓ વક્ર આકારે તેમના તરફ જ વળે છે તેનું શું? કોંગ્રેસના વંશવાદની છાશવારે ટીકા કરનાર ભાજપનો વિદતોવ્યાઘાત એ છે કે, તેણે સત્તાપ્રાપ્તિ અને ગઠબંધન સરકારની રચના અર્થ, પ્રાદેશિક પક્ષોના કટ્ટર વંશવાદને પણ ગળે વળગાડ્યો જ છે.
આ સંદર્ભે ભાજપની ડબલ સ્ટાન્ડર્ડ રાજનીતિની તવારીખ તપાસીએ તો, ગઠબંધન સરકારની રચના અર્થ તેણે ૦૧. જમ્મુ ઍન્ડ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના મુફતી મોહમ્મદ અને પુત્રી મહેબૂબા મુફ્તી ૦૨. જમ્મુ એન્ડ કાશ્મીર નૅશનલ કૉન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા અને પુત્ર ઓમર અબ્દુલ્લા ૦૩. મહારાષ્ટ્ર શિવ સેનાના બાળ ઠાકરે અને પુત્ર ઉદ્ધવ ઠાકરે ૦૪. પંજાબના શિરોમણી અકાલી દળના પ્રકાશસિંહ બાદલ, પુત્ર સુખબિરસિંહ અને પુત્રવધૂ હરસિમરત કૌર, હરિયાણાની ત્રિપુટી જેવી કે ૦પ. હરિયાણા વિકાસ પાર્ટીના બંસીલાલ ૦૬. ભારતીય રાષ્ટ્રીય લોકદળના દેવીલાલ અને ૦૭. હરિયાણા જનહિત કોંગ્રેસના ભજનલાલ ૦૮. બીજુ જનતા દળ-ઓડિશાના બીજુ પટનાયકપુત્ર નવીન પટનાયક ૦૯. લોક જનશક્તિ દળ-બિહારના રામવિલાસ પાસવાન અને ૧૦. ઝારખંડ મુક્તિ મોરચાના શિબુ સોરેન અને પુત્ર હેમંત સોરેનની ટેકો લેવામાં કોઈ છોછ કે શરમ રાખ્યા કે અનુભવ્યા ન હતા.
વર્તમાનમાં પણ ભાજપ સાથે જોડાયેલા રાજકીય પક્ષો હળાહળ વંશવાદી-પરિવારવાદી જ છે. નમૂના દાખલ ૦૧. ફુડ પ્રોસેસિંગ મંત્રાલયના કેબિનેટ મંત્રી પશુપતિનાથ પારસ (રાષ્ટ્રીય લોક જનશક્તિ દળ, સ્થાપકઃ મોટાભાઈ રામવિલાસ પાસવાન) અને ૦૨. વ્યાપાર તથા ઉદ્યોગ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી અનુપ્રિયાસિંઘ પટેલ (અપના દળ-સોનેલાલ, સ્થાપક પિતા સોનેલાલ) મુખ્ય છે. ભાજપને આ સર્વ પરિવારવાદી પક્ષો ભારતીય રાજ્ય બંધારણના રક્ષણાર્થે ખતરારૂપ અને સ્વસ્થ લોકતંત્ર અર્થે સૌથી મોટાં સંકટરૂપ નથી લાગતા, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તો અચૂક લાગે જ છે! ટૂંકમાં પોતે કરે તે લીલા અને બીજા કરે તે છિનાળવા એવી માનસિકતાને વરેલી રાજનીતિ જ ભારતીય સંવિધાન અને સંસદીય લોકશાહી માટે ઘાતક અને પાતક બને છે તે અહીં નોંધવું ઘટે.
સુરત -પ્રા. જે. આર. વઘાશિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.