કોલકાતા: પાછલા થોડા સમયથી ભારતમાં ઇલાજ (Cure) કરાવવા માટે આવેલા બાંગ્લાદેશી સાંસદ કોલકાતામાં ગુમ થઇ ગયા હતા. તેમના ગુમ થયાની જાણકારી 18 મે ના રોજ સાંપડી હતી. આ સાંસદ બાંગ્લાદેશની (Bangladesh) સત્તાધારી પાર્ટીના અનવારુલ અઝીમ (Anwarul Azim) હતા. જેઓના મૃત્યુ માટેના ષડયંત્રની પણ ચર્ચાઓ થઇ રહી હતી. ત્યારે આજે અઝીમનો મૃતદેહ કોલકાતાના એક ફ્લેટમાં મળી આવતા ભારે કુતુહલ સર્જાયું હતુ.
પ્રાપ્ત વિગતો મુજબ અઝીમ 12મી મેના રોજ કોલકાતા પહોંચ્યા હતા. ત્યારથી જ તેમનો પરિવાર તેમની સાથે સંપર્ક કરવામાં આસમર્થ રહ્યો હતો. અઝીમનો ફોન પણ 14 મેથી બંધ હતો. ત્યારે ગૃહમંત્રી અસદુઝમાન ખાને ઢાકામાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે કોલકાતામાં બાંગ્લાદેશી સાંસદની હત્યા કરવામાં આવી છે. તેમજ કોલકાતા પોલીસે અનવારુલના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ વખતના સાંસદ અનવરુલ કોલકાતાના એક ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા જ્યાં તેઓ કોઈને મળવા ગયા હતા. તેમજ તેમની હત્યા સુનિયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો. આ હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓ બાંગ્લાદેશી હતા. તેમજ આ ષડયંત્ર સાથે જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશી સાંસદના મૃતદેહના અનેક ટુકડા કર્યાઃ કોલકાતા પોલીસ
બાંગ્લાદેશી અખબાર અનુસાર, કોલકાતા પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, “અઝીમના શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા હતા. કોલકાતાના ન્યૂ ટાઉનમાં સંજીવ ગાર્ડનના એક ફ્લેટમાંથી શરીરના ટુકડા મળી આવ્યા હતા.” કોલકાતા પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે આ ફ્લેટ એક્સાઇઝ ડ્યુટી ઓફિસરનો છે. કોલકાતાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આ મામલે તપાસ કરી રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય તપાસ એજન્સીની પણ મદદ લેવામાં આવી રહી છે.
અઝીમ 14 મેના રોજ ગુમ થયા હતા
56 વર્ષીય સાંસદ 12 મેના રોજ કોલકાતા આવ્યા હતા. તેઓ તેમના મિત્ર ગોપાલ બિશ્વાસના ઘરે રહેતા હતા. તેમજ ભારત આવ્યાના બે દિવસ બાદ જ તેઓ ગુમ થઈ ગયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. તેમજ બાંગ્લાદેશી અવામી લીગના નેતાનો મોબાઈલ ફોન પણ બંધ હતો. આ પછી શ્રી બિસ્વાસે કોલકાતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અઝીમ પોતાની સારવાર માટે કોલકાતા આવ્યા હતા. એક બાંગ્લાદેશી અખબારના રિપોર્ટ અનુસાર ગૃહમંત્રી અસદુઝમાન ખાને અઝીમની હત્યાની પુષ્ટિ કરી હતી. તેમજ પોલીસના હાથે ઝડપાયેલા 3 આરોપીઓએ પણ હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. અઝીમ બાંગ્લાદેશમાં ત્રણ વખત સાંસદ રહ્યા હતા. હાલમાં તેઓ વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ પાર્ટીમાંથી સાંસદ હતા.