લંડનની સ્ટાર્ટઅપ કંપની Builder.ai જે એક સમયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માં ક્રાંતિકારી કંપની ગણાતી હતી, તે હવે નાદાર થઈ ગઈ છે. કંપનીએ દાવો કર્યો હતો કે તેનું નો-કોડ પ્લેટફોર્મ સંપૂર્ણપણે AI આસ્સિટન્સ ‘નતાશા’ દ્વારા ચલાવવામાં આવતું હતું પરંતુ સત્ય કંઈક બીજું જ બહાર આવ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર જે કામ ‘AI’ ના નામે વેચાઈ રહ્યું હતું તે વાસ્તવમાં ભારતમાં બેઠેલા 700 એન્જિનિયરો દ્વારા મેન્યુઅલી કરવામાં આવી રહ્યું હતું.
Builder.ai એ એક લંડન સ્થિત ટેક સ્ટાર્ટઅપ કંપની હતી જેણે દાવો કર્યો હતો કે તેની “Natasha” નામનું AI પ્લેટફોર્મ ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર ઝડપથી અને સરળતાથી એપ્લિકેશન્સ બનાવી શકે છે. આ દાવાઓએ Microsoft જેવી મોટી કંપનીઓનું પણ ધ્યાન ખેંચ્યું હતું.
Microsoft એ Builder.ai ના દાવાઓ પર વિશ્વાસ કરીને તેમાં રોકાણ કર્યું હતું, કારણ કે તેમનું Azure AI Foundry પ્લેટફોર્મ Builder.ai ની AI ટેક્નોલોજી સાથે જોડાયેલું હતું. કંપનીએ આ રીતે $445 મિલિયન (આશરે ₹3700 કરોડ) નું ફંડ ભેગું કરવામાં સફળતા મેળવી હતી. જોકે, તાજેતરના ખુલાસાઓએ બતાવ્યું કે આ “AI” વાસ્તવમાં ભારતમાં 700 એન્જિનિયરોની ટીમ હતી, જે ગ્રાહકોની વિનંતીઓ પર પરંપરાગત રીતે કોડિંગ કરીને એપ્લિકેશન્સ બનાવતી હતી.
કંપનીના પ્લેટફોર્મને એપ્સ બનાવવા માટે AI સિસ્ટમ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. જોકે, વાસ્તવમાં ગ્રાહકોની જરૂરિયાતો સીધી ભારતમાં મોકલવામાં આવતી હતી, જ્યાં ઇજનેરો કોડ લખતા હતા. એબર્ન ફાઇનાન્સના સ્થાપક બર્નહાર્ડ એંગેલબ્રેક્ટે X પર લખ્યું તે AI જેવું દેખાતું હતું પરંતુ વાસ્તવમાં AI નહોતું. તેમણે એમ પણ કહ્યું કે મોટાભાગની એપ્સ બગડેલી, અસ્થિર અને ચલાવવામાં મુશ્કેલ હતી.
નોંધનીય છે કે Builder.ai કંપનીને વર્ષ 2023 માં Viola Credit તરફથી $50 મિલિયનનું ફંડ મળ્યું હતું. પરંતુ કંપની ડિફોલ્ટ થયા પછી Viola એ $37 મિલિયન જપ્ત કરી લીધા છે. જેના કારણે કંપનીની બધી પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ ગઈ અને કર્મચારીઓને પગાર ચૂકવવાનું પણ મુશ્કેલ બન્યું છે.
હવે કંપનીએ યુકેમાં સત્તાવાર રીતે નાદારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોર્ટે એક વહીવટકર્તાની નિમણૂક કરી છે જે કંપનીની સંપત્તિની તપાસ કરશે અને જોશે કે કંઈ બચાવી શકાય છે કે નહીં. LinkedIn પરના એક નિવેદનમાં Builder.ai પોતાના શરૂઆતના તબક્કાના કેટલાંક ખોટા નિર્ણયોની ભૂલ સ્વીકારી અને કહ્યું કે કંપની હવે કંપનીને બચાવવી શક્ય નથી.
VerSe ઇનોવેશનનું નામ પણ સામે આવ્યું
Builder.ai સાથેના જોડાણને કારણે VerSe Innovationનું નામ પણ આ મામલામાં ઉછળ્યું છે. એક અહેવાલ મુજબ Builder.ai એ ભારતીય સોશિયલ મીડિયા સ્ટાર્ટઅપ VerSe Innovation સાથે ખોટા વ્યવસાયિક સોદા કરીને તેના વેચાણના આંકડાઓને મોટા બતાવ્યા હતા. આ બંને કંપનીઓએ એકબીજાને બિલ આપીને ખોટા નફાની છાપ ઊભી કરી હતી.
તમને જણાવી દઈએ કે VerSe એ જ કંપની છે જે ડેલીહન્ટ અને જોશ એપ ચલાવે છે. VerSe ના કો ફાઉન્ડર અને ફેસબુક ઇન્ડિયાના ભૂતપૂર્વ વડા ઉમંગ બેદીએ તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે VerSe એ ક્યારેય બિલ વધારીને કે ખોટી સેવાઓ માટે બિલિંગ જેવું કંઈ કર્યું નથી.