National

લોકસભામાંથી વધુ 3 સાંસદો સસ્પેન્ડ, સંસદની સુરક્ષામાં ક્ષતિ બાદ વિપક્ષે હંગામો મચાવ્યો

નવી દિલ્હી: સંસદ ભવનની (parliament) સુરક્ષામાં ખામી સર્જાયા બાદથી વિપક્ષી દળો (Opposition Parties) સતત ગૃહમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન, સાંસદોને ફરી એકવાર લોકસભામાંથી સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા છે. આ વખતે 3 સાંસદોને લોકસભામાંથી (Loksabha) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીકે સુરેશ, નકુલનાથ અને દીપક બૈજને ગુરુવારે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વાસ્તવમાં સંસદની સુરક્ષામાં ક્ષતિ બાદ લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષો દ્વારા ભારે હોબાળો મચ્યો છે. વિપક્ષની માંગ છે કે અમિત શાહ આ મામલે ગૃહમાં નિવેદન આપે અને તેના પર ચર્ચા થવી જોઈએ. વિપક્ષના સાંસદો આ મામલે સતત વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં લોકસભા અને રાજ્યસભાના ઘણા સાંસદોને પણ આ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ પહેલા શિયાળુ સત્ર દરમિયાન 14 ડિસેમ્બરે પહેલીવાર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 14 ડિસેમ્બરે લોકસભાના 13 અને રાજ્યસભાના 1 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી 18 ડિસેમ્બરે લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી 19 ડિસેમ્બરે 49 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે ફરી એકવાર 21 ડિસેમ્બરે 3 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ રીતે લોકસભાના કુલ 98 અને રાજ્યસભાના 46 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે કે બંને ગૃહોના મળીને કુલ 144 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના સાંસદોએ તાજેતરમાં આ સંદર્ભે સંસદ ભવનથી વિજય ચોક સુધી માર્ચ કાઢી હતી. સંસદસભ્યોને સસ્પેન્ડ કરવા અને સંસદની સુરક્ષામાં ક્ષતિના મુદ્દે વિપક્ષ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. આ માર્ચ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર ઇચ્છતી નથી કે ગૃહ યોગ્ય રીતે ચાલે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘સરકાર નથી ઈચ્છતી કે ગૃહ ચાલે. પરંતુ મને અફસોસ છે કે એક મુદ્દો ઉઠાવીને અધ્યક્ષે આપણા બધા સાંસદોને જાતિવાદના વિષય પર લાવ્યા છે.

લોકશાહીમાં વાત કરવી એ આપણો અધિકાર છે. અમે ચૂંટાયેલા સભ્યો છીએ અને સંસદ સભ્યની ફરજ છે કે તે ગૃહમાં લોકોની લાગણીઓ પહોંચાડે. સંસદમાં જે પણ ઘટના બની, અમે આ જ મુદ્દો લોકસભા અને રાજ્યસભામાં ઉઠાવવા માગીએ છીએ. અમે સવાલ ઉઠાવતા હતા કે સંસદની સુરક્ષામાં આટલો ભંગ કેમ થયો? આ માટે જવાબદાર લોકો કોણ છે? પરંતુ ગૃહમંત્રી કે વડાપ્રધાને ગૃહમાં કશું કહ્યું નહીં.

Most Popular

To Top