Gujarat

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં, સોમવારથી રાજ્યભરમાં પદયાત્રા

અમદાવાદ: (Ahmedabad) 2024ની લોકસભાની ચૂંટણીઓ (Election) નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસના (Congress) નવનિયુક્ત પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીઓને લઈને રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. કોંગ્રેસ તમામ મતદારો સુધી પહોંચી શકે તે માટે રાજ્યમાં પદયાત્રા યોજશે. આવતીકાલે નડિયાદથી પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલની આગેવાનીમાં જનઅધિકાર પદયાત્રાનો પ્રારંભ થશે.

  • લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં, આજથી રાજ્યભરમાં પદયાત્રા યોજશે
  • આદિવાસી અને દલિત સમાજ પર થતાં અત્યાચારનો પણ વિરોધ કરાશે

પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી મુકુલ વાસનિક આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ વિમાની મથકેથી તેઓ સીધા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જ્યાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેઓ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા.પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે કોંગ્રેસના સીનિયર આગેવાનો, પદાધિકારીઓ સાથે પ્રદેશની કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં સાત જેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.

જેમાં ચંદ્રયાન ત્રણની સિદ્ધિ બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન આપતો ઠરાવ, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અને મહિલા સુરક્ષા અંગેનો ઠરાવ, રાજ્યમાં કથળતા શિક્ષણ અને યુવાનોની રોજગારી અંગેનો ઠરાવ, ભાજપ સરકારમાં આદિવાસી- દલિત સમાજ પરના વધતા જતા અત્યાચાર અંગે ઠરાવ, પ્રજા વિરોધી શાસન અને ગેરવહીવટ પર ઠરાવ, રાજ્યમાં ખેડૂતોને પડતી સમસ્યા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. આ તમામ ઠરાવો એઆઈસીસીમાં મોકલી આપવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક બાદ કોંગ્રેસના સિનિયર આગેવાનો, પદાધિકારીઓ સાથે વન ટુ- વન બેઠક કરી સંગઠન અંગેની વિસ્તૃત માહિતી મેળવી હતી.

Most Popular

To Top