National

આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ઉમેદવાર બનાવ્યા

ભારતીય જનતા પાર્ટીએ (BJP) આજે ​​લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 15મી યાદી જાહેર કરી છે. ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલથી (Mumbai North Central) પૂનમ મહાજનની ટિકિટ રદ્દ કરી છે. ભાજપે આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને (Ujjwal Nikam) મુંબઈ નોર્થ સેન્ટ્રલથી મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર ઉજ્જવલ નિકમનો મુકાબલો કોંગ્રેસના વર્ષા ગાયકવાડ સાથે થશે.

બીજેપીએ મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમને ટિકિટ આપી છે. 2019માં ભાજપે આ બેઠક પરથી સ્વર્ગીય પ્રમોદ મહાજનની પુત્રી પૂનમ મહાજનને ટિકિટ આપી હતી. પૂનમે પણ જીત નોંધાવી હતી. બીજી તરફ ઉજ્જવલ નિકમે 26/11ના મુંબઈ હુમલાના દોષિત આતંકવાદી અજમલ કસાબ સામે કેસ લડ્યો હતો અને તેને ફાંસી આપવામાં આવી હતી. તેઓ 37 ગુનેગારોને ફાંસીની સજા અપાવી ચુક્યા છે.

ઉજ્જવલ નિકમ માટે કહેવાય છે કે..
ઉજ્જવલ નિકમ દેશના સૌથી પ્રખ્યાત સરકારી વકીલોમાંના એક છે. તેમણે આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવવાથી લઈને 1993ના બોમ્બ વિસ્ફોટ, ગુલશન કુમાર હત્યા કેસ અને પ્રમોદ મહાજન હત્યા કેસ સુધીના હાઈ પ્રોફાઈલ કેસોમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઉજ્જવલ નિકમ આતંકવાદ સંબંધિત કેસોમાં માસ્ટર હોવાનું કહેવાય છે. તેમના વિશે એવું કહેવાય છે કે કોઈ પણ ગુનેગાર કોઈ પણ સંજોગોમાં છટકી શકશે નહીં. અત્યાર સુધીમાં તેમણે 628 દોષિતોને આજીવન કેદ અને 37ને ફાંસીની સજા અપાવી છે. ઉજ્જવલ નિકમ પહેલીવાર ચર્ચામાં આવ્યા જ્યારે તેમને 26/11ના કેસમાં જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબનો કેસ સોંપવામાં આવ્યો હતો.

પૂનમ મહાજનની વાત કરીએ તો તે 2006માં પિતા પ્રમોદ મહાજનની હત્યા બાદ ભાજપમાં જોડાયા હતા. 2009માં તેમણે ઘાટકોપર વેસ્ટમાંથી પહેલીવાર સાંસદની ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા. 2014માં તેમણે મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પરથી કોંગ્રેસના પ્રિયા દત્તને હરાવ્યા હતા. તમને જણાવી દઈએ કે પૂનમ એક પ્રશિક્ષિત પાયલટ છે. તેમણે અમેરિકાના ટેક્સાસથી તેની ટ્રેનિંગ લીધી છે. તેમની પાસે 300 કલાકનો ઉડાનનો અનુભવ છે. 2012 માં બ્રાઇટન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાંથી તેમણે B.Tech ડિગ્રી પૂર્ણ કરી હતી.

Most Popular

To Top