National

8 રાજ્યોમાં સાંજે 5 વાગ્યા સુધી 56.68% મતદાન, બંગાળમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સૌથી ઓછું વોટિંગ

2024ની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સોમવારે 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન સમાપ્ત થયું. સાંજે 5 વાગ્યા સુધી 56.68% મતદાન થયું છે. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 73% અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 48.66% મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની સાત, ઓડિશાની પાંચ, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, જમ્મુ-કાશ્મીરની એક અને લદ્દાખની એક બેઠક પર મતદાન થયું હતું.

પાંચમા તબક્કામાં અનેક મોટા નામોની ચૂંટણી પ્રતિષ્ઠા દાવ પર છે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી, ચિરાગ પાસવાન, રાજીવ પ્રતાપ રૂડી, રોહિણી આચાર્ય, ઓમર અબ્દુલ્લા અને પીયૂષ ગોયલ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. પાંચમા તબક્કાની સાથે કુલ 428 સીટો પર ચૂંટણી પૂર્ણ થઈ છે. આ તબક્કામાં 695 ઉમેદવારો મેદાનમાં છે. 82 ઉમેદવારો એટલે કે 12 ટકા મહિલાઓ રાજકીય ચેસબોર્ડ પર પોતાનું નસીબ અજમાવી રહી છે.

  • સાંજે 5 વાગ્યા સુધી રાજ્યવાર મતદાનની ટકાવારી
  • ઉત્તર પ્રદેશ 55.80
  • ઓડિશા 60.55
  • જમ્મુ કાશ્મીર 54.21
  • ઝારખંડ 61.90
  • પશ્ચિમ બંગાળ 73.00
  • બિહાર 52.35
  • મહારાષ્ટ્ર 48.66
  • લદ્દાખ 67.15

ઉત્તર પ્રદેશના મહોબામાં ચૂંટણી ફરજ પરના એક સીઆરપીએફ જવાનનું મોત થયું હતું. પશ્ચિમ બંગાળના બેરકપુર અને હુગલીમાં ભાજપના ઉમેદવારો અને ટીએમસી સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે. જ્યારે મુંબઈમાં પોલિંગ બૂથ પાસે ડમી EVM રાખવા બદલ પોલીસે શિવસેના (UBT)ના ત્રણ કાર્યકરોની અટકાયત કરી છે.

મુંબઈમાં બોલીવુડ સિતારાઓ, ક્રિકેટર અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો જમાવડો
દરમિયાન મુંબઈમાં સોમવારે થયેલું વોટિંગ ખાસ રહ્યું હતું. અહીં બોલીવુડના સિતારાઓ ઉમટી પડ્યા હતા. અમિતાભ-જયા બચ્ચન, એશ્વર્યા રાય, આમીરખાન, દેઓલ બ્રધર્સ, ધરમેન્દ્ર, સલમાન ખાન, સલીમ-સલમા ખાન, માધુરી દિક્ષીત, ગુલઝાર, સુભાષ ઘાઈ, અક્ષય કુમાર, નાના પાટેકર, અનિલ કપૂર, મનોજ બાજપેયી ઉપરાંત અનેક કલાકારોએ વોટિંગ કર્યું હતું. શાહરૂખ ખાન તેમના સમગ્ર પરિવાર સાથે વોટિંગ કરવા પહોંચ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી તેમના પુત્ર સાથે મતદાન કરવા માટે મુંબઈના એક મતદાન મથક પર પહોંચ્યા હતા. બીજી તરફ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને અનિલ અંબાણીએ મુંબઈમાં મતદાન કર્યું હતું.

Most Popular

To Top