Charchapatra

લોકનેતા

આજે સૌથી મોટો પ્રશ્ન જો કોઈ હોય તો તે કે લોકનેતા કે જનતાના પ્રતિનિધિ કેવા હોવા જોઈએ.આજે એ સમય આવી ગયો છે કે હવે એ નકકી કરવું જ પડશે કે કોણ નેતા બનવાલાયક છે અને કોણ નથી.આ દેશમાં એક સામાન્ય પટાવાળા બનવા માટે પણ અમુક ચોક્કસ લાયકાત હોવી જરૂરી છે.સાવ ગરીબમાં ગરીબ માણસને સરકારની સાવ સામાન્ય સેવા કે યોજનાનો લાભ લેવા માટે પણ અમુક ચોક્કસ લાયકાત જોઈએ છે.તો પછી આખો દેશ જે બંધારણ કે સંવિધાનના આધારે ચાલે છે તેમાં નેતા બનવા માટે કેમ કોઈ ચોક્કસ લાયકાત કે યોગ્યતા રાખવામાં નથી આવી?

અપરાધીઓ,ગુંડાગીરી કરતાં લોકો, બાહુબલી કે પછી રૂપિયાના જોરે કયાં સુધી તદ્દન ગેરલાયક વ્યકિત પોતાની જાતને નેતા બનાવતા રહેશે? કયાં સુધી જુદા જુદા રાજનૈતિક પક્ષો આવા ચારિત્ર્યહીન લોકોને આપણા નેતા બનાવી આપણા પર થોપતા રહેશે? શું આ બંધારણનું અપમાન નથી? જો આવાં લોકોને સેવા કરવી જ છે તો પણ નેતા બનીને જ સેવા થાય તે જરૂરી નથી.જયાં સુધી દેશના દરેક રાજનૈતિક પક્ષો પોતાના નેતાઓ કે ઉમેદવાર તરીકે પસંદ કરેલા વ્યક્તિનું ચારિત્ર્ય,વ્યક્તિના આચરણ,વિચારો,વ્યવહાર, રાજનીતિમાં આવવાનો ઉદેશ અને દેશનાં લોકો માટેના જે પ્રશ્નો છે તેના વિષે પોતાનાં મંતવ્યો શું છે આવી વિગતોની યોગ્ય તપાસ અને ચકાસણી નહીં કરે ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ આવવાનો નથી.
‌‌સુરત     – કિશોર પટેલ     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top