મેલેરિયા, ઝેરી મેલેરિયા, પ્લેગ, ડેંગ્યુ, એચ1એન1, લેપ્ટોસ્પાયરોસિસ પછી કોરોના આવ્યો. માનવીએ અનેક આપત્તિઓનો સામનો કર્યો છે. ફરી કોરોનાએ પોતાના સામ્રાજ્યને ફેલાવાનું શરૂ કર્યું છે ત્યારે લોકજાગૃતિ જ ઉપાય છે. લોકોના સહકારથી જ મહામારીનો જંગ જીતી શકાય એનો સૌને અનુભવ છે. અહીં સ્વયં શિસ્ત જરૂરી છે, સાથે જવાબદારી નિષ્ઠાથી અદા કરવી જોઈએ. દરેક સમયે હક્ક ભોગવવાની વાતો આવે છે, સામે જે જવાબદારી પણ નિભાવવી હોય છે ત્યાં બેદરકારી સ્પષ્ટ થતી જોવા મળે છે.
સ્વચ્છતા ત્યાં પ્રભુતા એમ બોલતા જઈએ પણ માનસિક સ્વચ્છતા દેખાતી નથી. દરેક સારાં-ખરાબ સમયે અફવાની મહામારી ફેલાવનારો વર્ગ છે, જેનું કર્તૃત્વ કશું જ નથી છતાં મનફાવે તેમ અફવા ફેલાવીને આંનદ લેતો જોવા મળે છે. આવા નવરા ,બેજવાબદાર લોકોથી સાવધ રહેવાની જરૂર છે. અફવા ફેલાવનારની વાણી અને વર્તનમાં આભ-જમીનનું અંતર જોવા મળે છે. દવા હોય કે સારવાર પછી અન્ય કોઈ બાબતે એવો અભિપ્રાય આપે કે મોટે ભાગે લોકો માની પણ જાય. આવા સમયે સત્યની ખાતરી કરવી રહી. અફવાનો વા ઝડપથી વેગ પકડી લેતો હોય છે, માટે ચેતીને ચાલવું સલાહભર્યું છે. ચાલો જાગૃત બનીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.