SURAT

જમાદારે લોકઅપ ખોલ્યું અને આરોપી ભાગી ગયો, સુરતના પોલીસ સ્ટેશનની વિચિત્ર ઘટના

સુરત: શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના આરોપીને લોકઅપમાં ખેંચ આવતા બીજા આરોપીની મદદથી બહાર કઢાયો હતો. પોલીસ સ્ટેશનમાં માત્ર બે આરોપીઓ હતા ત્યારે તકની રાહ જોઈને ચોરીનો એક આરોપી ભાગી ગયો હતો.

  • ગુજરાત પોલીસનું સ્માર્ટ મોડલ પોલીસ સ્ટેશન: પોલીસ સ્ટેશનમાં માત્ર બે જ કર્મચારીઓ !
  • ગોડાદરા પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ભાગી ગયો
  • એક આરોપીને ખેંચ આવતા બીજાની મદદથી બહાર કાઢ્યો તો તક જોઈને તે ભાગી ગયો
  • એએસઆઈ 300 મીટર તેની પાછળ દોડ્યા પણ પકડવામાં નિષ્ફળ રહ્યા

ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા અજીતભાઈ કનુસીંગ ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે લાજપોર સબજેલમાંથી ચોરીના ગુનાના આરોપીઓ વિજય ઉર્ફે બોબડો અંબાલાલ વાદી (ઉં.વ. 20, રહે. ગોધરા રોડ, હાલોલ તથા મુળ ડુંગરપુર રાજસ્થાન) અને કિશન જયંતિ વાદી (ઉ.વ.25, રહે.ઉકરડી, દેણાવડ પાટીયા, મહીસાગર તથા મુળ ખેડા) ને કોર્ટના ટ્રાન્સફર વોરન્ટના હુકમ આધારે કબજો મેળવી ગોડદરા પોલીસ સ્ટેશનમાં લવાયા હતા.

બંને આરોપીઓને તપાસ કરી ગોડાદરા પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં મુકાયા હતા. દરમિયાન આરોપી કિશન જયંતુ વાદી ટીબીનો પેશન્ટ હોવાથી તેની તબિયત ખરાબ હોવાની જાણ તપાસ અલમદારને કરી હતી. દરમિયાન આ આરોપીની તબિયત વધારે ખરાબ બગડતા તેને ખેંચ આવતા બેભાન થઈ ગયો હતો. લોકઅપનો દરવાજો ખોલી આરોપી કિશનને બીજા આરોપી વિજય ઉર્ફે બોબડાની મદદથી ઉંચકીને બહાર કાઢી પંખા નીચે સુવડાવ્યો હતો.

બીજી બાજુ અજીતભાઈ તપાસ અમલદાર સહિતનાને જાણ કરી આરોપીને હોસ્પિટલ લઈ જવા જાણ કરતા હતા. ત્યારે આરોપી વિજય ભાગી ગયો હતો. અજીતભાઈએ તેનો પીછો પણ કર્યો હતો. એએસઆઈ 300 મીટર સુધી આરોપીની પાછળ દોડી ગયા હતા. પરંતુ આરોપી નજર ચુકવી ભાગી ગયો હતો.

Most Popular

To Top