વડોદરા: જીવનની ઢળતી સંધ્યાએ કોઈ પુસ્તકનું સર્જનએ એ કઈ જેવી-તેવી વાત નથી.કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને કઈક રચનાત્મક કરી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરાયો હોય તો એ સાહિત્યકારો -કલાકારોએ કર્યો છે. તેમાં પણ પુસ્તક લેખન એ આજના ડિજિટલ યુગ સામે સૌથી મોટો પડકાર છે.
ત્યારે, જીવન સંધ્યા પુસ્તકનું સર્જન કરી,પુસ્તક વાંચન પ્રણાલીને લેખક વ્યોમેશ ઝાલા એ જીવંત રાખવા જે પ્રયાસ કર્યો છે તે માત્ર સરાહનીય જ નહિ,પરંતુ અનુકરણીય છે. એમ જણાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ ઉમેર્યું કે, પુસ્તક વાંચન એ સનાતન પરમ્પરા રહી છે અને રહેશે. વડોદરાના પોલો ક્લબમાં યોજાયેલા પુસ્તક વિમોચન સમારોહના અધ્યક્ષ સ્થાનેથી વિધાનસભા અધ્યક્ષે પુસ્તક લેખન -વાંચનના મહિમાને સત્કાર્યો હતો.
જીવનના 78 વર્ષ પૂર્ણ કરી, 79માં વર્ષના પ્રવેશે સર્જાયેલી કૃતિ એટલે ‘જીવનસંધ્યા’. ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી આપુસ્તકને સાહિત્ય અકાદમીએ માન્યતા આપી છે. ‘જીવન સંધ્યા’ના વિમોચન કાર્યકાર્માં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,કવિ-વિવેચક-સાહિત્યકાર અને પૂર્વ કલેક્ટર ભાગ્યેશ જહા, જાણીતા લેખક રાઘવજી માધડ, સાહિત્યકાર ડો.કનૈયાલાલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહેલા કવિ ભાગ્યેશ જ્હાએ આમન્ત્રિત મહેમાનોનું સંસ્કૃતમાં સ્વાગત કરી ભાવકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્હાએ પુસ્તકના કેટલાક પ્રસંગોનું રસદર્શન કરાવ્યું હતું. લેખક વ્યોમેશ ઝાલાને બિરદાવતા, તેઓએ ઉમેર્યું કે, જેમ સાહિત્યમાં વિહંગાવલોકન છે,તેમ આ પુસ્તક ને હું ‘વ્યોમાવલોકન’ તરીકે મૂલવીશ.
જીવનની કેટલીક વાસ્તવિકતાઓ,સામાજિક પ્રસંગ અને આસ-પાસમાં ઘટેલી ઘટનાઓને વાર્તાનું સ્વરૂપ આપી,સંવાદની ગૂંથણી કરવી એ એટલી સહેલી નથી. પાત્રને એકાકાર કરવા,ખુદ લેખકે પણ એકાકાર થવું પડે.માત્ર વાર્તાના પાત્ર સાથે નહિ,પણ ખુદની જાત સાથે પણ.ત્યારે જ,આવું સાહિત્ય શક્ય છે.આજના ડિજિટલ યુગમાં ફેસબૂક પર ફૂટતી કવિતાઓ એ અમર સર્જન નથી,પણ લેખિની -લેખન અને તેનું સર્જન જ લોકભોગ્ય છે.
તો ડો.રાઘવજી માધડે કેટલાક પ્રસંગોને વણી લઇ’જીવન સંધ્યા’પુસ્તકને બિરદાવ્યું હતું. તેમને પણ સર્જકની કૃતિને અને વાર્તાના સંવાદોને પ્રાસંગિક વર્ણવવા સાથે,કથા-વસ્તુની માવજતને હૃદયસ્પર્શી ગણાવ્યા. કેટલાક પાત્રો-તેમના સંવાદો અને અને સર્જાતો વ્યોમવિહાર,એ સમગ્ર પુસ્તકનું જમાપાસું છે. ‘જીવન સંધ્ય’ પુસ્તકની પ્રસ્તાવના આંતરરાષ્ટ્રીય હાસ્યલેખક ડો.જગદીશ ત્રિવેદીએ લખી છે.