ઓલપાડ (Olpad) તાલુકાનું સાયણ ગામ આજે વિકાસની (Development) દૃષ્ટિએ આગળ ધપી રહ્યું છે. જે ઓલપાડ તાલુકાનું શરૂઆતનું ગામ છે. તાલુકાથી ૧૪ કિ.મી.ના અંતરે આ ગામ આવેલું છે અને ૧૭૩૪ હેક્ટરમાં ફેલાયેલું છે. સાયણ ગામમાંથી (Village) રેલવે લાઈન જતી હોવાથી સાયણ બે વિભાગમાં વહેંચાયેલું છે. રેલવે મથકના ઔદ્યોગિક વિસ્તરણ પ્રમાણે ખૂબ જ વિકસિત સાયણ ગામની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો ચારેબાજુ ખાડી આવેલી હોવાથી શરૂઆતમાં વિકાસ ખૂબ જ મંદ ગતિએ થઈ રહ્યો છે. જ્યારે સાયણ ગામમાં 1000થી 1200ની વસતી હતી ત્યારે મુખ્યત્વે સાયણમાં કોળી પટેલ, રાજપૂત અને મુસ્લિમ સમાજ મુખ્યત્વે વસતા હતા.
આજે જે રીતે ગામનો વિકાસ થયો છે તે સમગ્ર વિસ્તાર સાયણ ગામ તળની બહાર રેવન્યુ વિસ્તારમાં વિકસ્યો છે. અસલ ગામ સાયણ પોલીસ સ્ટેશનથી ભવાની માતાના મંદિર પાસે ગામ તળ સુધી જ હતું. પરપ્રાંતીઓની વસતી વધવાથી ગામની વસતી અંદાજિત ૪૦ હજાર થઈ ગઈ છે. ગામના લોકો આજે પણ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે. મુખ્યત્વે ગામના ખેડૂતો શેરડી, ડાંગર, શાકભાજીનું ઉત્પાદન કરે છે. ગામમાં રેલવે ક્રોસિંગ માટે પગદંડી અને અન્ડર ગ્રાઉન્ડ પાસની સુવિધા, સાયણ પૂર્વમાં ગેસ લાઈનનો અભાવ છે. તો પૂર્વમાં ઓવરબ્રિજ નીચે અધૂરો સર્વિસ રોડ, વરસાદી પાણીની ગટરલાઇન જેવી મહત્ત્વની સુવિધા આજે પણ ગ્રામજનોને મળી નથી.
ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલય-સાયણ સ્કૂલ-(સ્થાપના વર્ષ-૧૯૪૩)
શ્રી સાયણ વિભાગ કેળવણીમંડળ સાયણ સંચાલિત ડી.આર.જી.ડી. સાર્વજનિક હાઈસ્કૂલ છેલ્લાં ૭૯ વર્ષથી ચાલતી સંસ્થા છે, જેમાં સાયણ તથા તેની આજુબાજુનાં ૨૫ ગામમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. જે બાળકો માટે વિદ્યાપીઠ/વિદ્યામંદિર સમાન છે. આ હાઈસ્કૂલની ઉત્તરોત્તર પ્રગતિ અને વિકાસમાં અમૂલ્ય ફાળો આપનારી આ સંસ્થાના આદ્યસ્થાપક ડો.ધીરુભાઈ એન. દેસાઈ સંસ્થાની સ્થાપનાથી ૫૩ વર્ષ સુધી પ્રમુખ રહ્યા હતા. ત્યાર પછી તેમના પુત્ર ડો.હર્ષદભાઈ ડી. દેસાઈ ૨૪ વર્ષ સુધી આ સંસ્થાના પ્રમુખ રહ્યા હતા. હાલ આ સંસ્થામાં હરીશભાઈ બી. માળી સેવા આપી રહ્યા છે. આ શાળામાં બાળ મંદિર વિભાગથી ધોરણ-૧થી ૧૨ સુધી ૨૫૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ શાળામાં કુલ ૯૦ શિક્ષક ફરજ બજાવે છે. શાળામાં કુલ ૬૫ ઓરડા આવેલા છે. જે અત્યાધુનિક સ્માર્ટ વર્ગોથી સજ્જ છે. વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે શાળામાં મિનરલ વોટર પ્લાન્ટ તથા ફાયર સેફ્ટીની પણ સુવિધા છે. આ શાળામાં ગુજરાતી માધ્યમની સાથે ધોરણ-૧થી ૫ સુધીમાં ગુજલીશ માધ્યમનું પણ શિક્ષણ આપવામાં આવે છે.
સાયણ વિસ્તારમાં વોટરજેટ મશીન આવતાં પાણીની મુશ્કેલી વધી
વર્ષો પહેલાં ખેડૂતો ખાડીના પાણીથી પણ ખેતી કરતા હતા અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા. જો કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી ખાડી એટલી દૂષિત થઈ ચૂકી છે કે હવે તે પાણીનો ઉપયોગ કરી શકાતો નથી. સાયણમાં વોટરજેટ મશીનો આવી ગયાં છે. આ ઔદ્યોગિક એકમોને સરકારે જે મંજૂરી આપી હોય છે, તે મુજબ પાણીનું શુદ્ધીકરણ કરવાનું હોય છે. તેમજ કોઈપણ પ્રકારનું પ્રદૂષણ છોડવાનું હોતું નથી. આવાં ભયાનક એકમો સામે કોઈ પણ કાર્યવાહી ન થતાં સાયણની પ્રજા રોષે ભરાઈ છે. પાણી નીચે ઊતરી જતાં ખેતરોમાં કરેલા બોર પણ શોભાના ગાંઠિયાસમાન બની ગયા છે. ખેડૂતો આ બાબતે રજૂઆત કરે ત્યારે માત્ર વચનો અપાય છે. ત્યારે યોગ્ય કાર્યવાહી કરી ખાડીઓ બચાવવા જીપીસીબી ઘટતું કરી એ જ ખેડૂતોની માંગ છે.
ખેડૂતોનો મુખ્ય પાક શેરડી, ડાંગર અને શાકભાજી
ઔદ્યોગિક ક્ષેત્રે તો સાયણ આગળ પડતું છે જ. પણ સાયણના ખેડૂતોનો આજીવિકાનો મુખ્ય આધાર હજુ પણ ખેતી છે. ખેડૂતો માટે પાણી વાવેતરથી માંડીને કાપણી સુધીના પાકના વિકાસ અને ઉત્પાદનના પ્રત્યેક તબક્કે પાકને યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. જે સાયણમાંથી પસાર થતી કરંજ માઈનોર પૂરી પાડે છે. આથી અહીંના ખેડૂતો સમયસર સિંચાઈ કરી ઉત્પાદન સારું મેળવી રહ્યા છે. અહીંના ખેડૂતોનો મુખ્ય પાક શેરડી, ડાંગર અને શાકભાજી રહ્યો છે.
સાયણ પ્રાથમિક શાળા પીરસે છે શિક્ષણનું ભાથું: રમતગમત ક્ષેત્ર પણ ઊંચેરી સિદ્ધિ
સાયણ પ્રાથમિક શાળાની સ્થાપના તા.૧/૦૯/૧૮૭૨ના રોજ થઈ હતી. આ જ વર્ષે શાળાએ ૧૫૦ વર્ષની ઉજવણી કરી હતી. શાળામાં ૧થી ૮ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં કુમારની સંખ્યા ૫૦૪, કન્યાની સંખ્યા ૪૯૭ મળી કુલ ૧૦૦૧ વિદ્યાર્થી છે. સંખ્યાની દૃષ્ટિએ ઓલપાડ તાલુકામાં પ્રથમ નંબરની શાળા છે અને શાળાના આચાર્ય સહિત ૨૩ શિક્ષક છે. શાળાના કુલ ઓરડા ૨૬ છે, જેમાં વિજ્ઞાન લેબ, કોમ્પ્યુટર લેબ, સામાજિક વિજ્ઞાન લેબ, પુસ્તકાલય ખંડ જેવા વિશિષ્ટ ઓરડા છે. ખેલ મહાકુંભમાં ચેસ, બેડમિંટન, કબડ્ડી વગેરેમાં જિલ્લા કક્ષા સુધીની ભાગીદારી, વિજ્ઞાન મેળામાં તાલુકા કક્ષા સુધીની ભાગીદારી, કલા મહોત્સવ અને કલા મહાકુંભમાં દર વર્ષે રાસ-ગરબા સ્મૃહગીતમાં જિલ્લા કક્ષા સુધીની ભાગીદારીની જેવી વિશિષ્ટ કામગીરીની સિદ્ધિઓ છે.
વિશેષ સુવિધાઓ
તમામ બાળકો માટે Ro ફિલ્ટર પાણીની સુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સ્ટેજ, જમવા માટે મધ્યાહન ભોજન શેડ, નાનાં બાળકોને રમવા માટે રમતગમતનાં સાધન, બગીચો, શાળા પરિસરમાં ફળાઉ ઝાડ, ઔષધીય છોડની માવજતપૂર્ણ ઉછેર પ્રક્રિયા, ડિજિટલ એજ્યુકેશન માટે કુલ ચાર જ્ઞાનકુંજ, પ્રોજેક્ટર રૂમ તથા એક સ્માર્ટ ક્લાસની અને ૨ એલસીડી ટીવીની સુવિધા છે. સંગીતનાં સાધનો, રમતગમત ઈનડોર-આઉટડોર સાધનોની સુવિધા છે. આ સિવાય શાળા સરકાર દ્વારા માર્ગદર્શિત કરેલા તમામ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તાલુકામાં સરકારના મહત્ત્વપૂર્ણ સ્કૂલ ઓફ એક્સેલેન્સ કાર્યક્રમમાં શાળાની પસંદગી થઈ છે. આ વર્ષે તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ શાળાના શિક્ષક અનિલભાઈ એસ. રાઠોડને મળ્યો હતો.
રેલવે સ્ટેશન પર સુવિધાનો અભાવ: પાણીની સવલત પણ નથી
સાયણ પૂર્વના રહીશોને રેલવે ટિકિટ લઈ ટ્રેનોમાં મુસાફરી કરવી અત્યંત જોખમી
પૂર્વ-પશ્ચિમ જવા કે ટિકિટ બારી સુધી પહોંચવા કોઈ જ રસ્તો નથી
સાયણ રેલવે સ્ટેશન પર સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. પ્લેટફોર્મ ચારની સાઈડ લાઈન સીધી કરી પ્લેટફોર્મ લંબાવી આખા પ્લેટફોર્મ ઉપર લાઈટની સુવિધા આ જ સુધી કરી નથી. ૫૦ વર્ષ જૂનો રેલવે ઓવરબ્રિજ છે, જે પશ્ચિમ બાજુથી પ્લેટફોર્મ નંબર-૪ સુધી જઈ શકાય. પરંતુ પૂર્વ બાજુ રેલવે સ્ટેશન બહાર નીકળી શકાતું નથી. સાયણ પૂર્વના રહીશોને રેલવે ટિકિટ લઈ ટ્રેનોમાં મુસાફરી કરવી અત્યંત જોખમી છે. પૂર્વ-પશ્ચિમ જવા કે ટિકિટ બારી સુધી પહોંચવા કોઈ જ રસ્તો નથી. સ્ટેશન પર પાણીની સુવિધા અને શેડ અપૂરતા હોવાથી ઉનાળામાં અને ચોમાસાની ઋતુમાં મુસાફરોને ભારે મુશ્કેલી પડે છે.
પૂર્વ-પશ્ચિમમાં અવરજવર માટે અંડર પાસ કે ફૂટબીટ બનાવ્યા વિના છ લાઈનનો વ્યવહાર ચાલે છે. જ્યારે ભેસ્તાન, સચિન, મરોલી, અમલસાડ, ડુંગળી, સંજાણ, ભીલાડ જેવાં રેલવે સ્ટેશન ઉપર ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવી ડીએફસીસીએ રેલવે કામ શરૂ કર્યું હતું. સાયણ રેલવે સ્ટેશનને સાથે અન્યાય થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે. સાયણ ગામ રાજ્યના રેલવે મંત્રી દર્શનાબેન જરદોશનો મત વિસ્તાર હોવાં છતાં સાયણ પ્રત્યે ઓરમાયુ વર્તન કરાઈ રહ્યું છે.
સાયણ રેલવે સમિતિના સભ્ય દિનેશભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ ૨૦૦૭માં સ્ટેશનનું વર્ગીકરણ કરાયું હતું. તે વખતે સાયણ સ્ટેશનની આવક 50 લાખ હોવા છતાં ઓછી આવકવાળાને જેવાં કે પાનોલી, નબીપુર જેવા સ્ટેશનને સી (ક) વર્ગમાં અપગ્રેડ કર્યા અને સાયણને (ડી) કેટેગરીમાં રાખ્યું હતું. જેથી પાનોલી અને નબીપુરને ફિરોઝપુર જનતાનું સ્ટોપેજ આપ્યું ને સાયણને ચાલુ સ્ટોપેજ પરત લીધું. ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા મુસાફરો કોસંબા, અંકલેશ્વર, ભરૂચ, દહેજ, વડોદરા તેમજ ૧૨૦૦થી ૧૫૦૦ મુસાફરો નવસારી, બીલીમોરા, વલસાડ, વાપીથી રોજિંદા સાયણથી અપડાઉન કરે છે. પરંતુ વારંવારની માંગણી છતાં ૧૨૯૨૯ ડાઉન અને ૧૨૯૩૦ અપ ઇન્ટરસિટી એક્સપ્રેસ તથા ૨૨૯૨૯ ડાઉન ૨૨૯૩૦ અપ વડોદરા-દહાણુ એક્સપ્રેસ સ્ટોપેજ મળતાં નથી. કોરોના બાદ મિનિમમ રૂપિયા ૧૦ની ટિકિટના ૩૦ કર્યા, તેમ છતાં ૯૦૪૧ ડાઉન અને ૯૦૪૨ અપ બંધ છે. જે ચાલુ કરવા વારંવાર રજૂઆત છતાં તંત્ર મૌન છે.
સાયણ ગ્રામ પંચાયતના અત્યાર સુધીના સરપંચોની નામાવલી
૧. નાનુભાઈ લલ્લુભાઈ દેસાઈ ૨. ધીરુભાઈ નાથુભાઈ દેસાઈ ૩. અહમદખાન હાજી સરદારખાન ૪. કાસમભાઈ મહમદભાઈ માસ્ટર ૫. ઈશ્વરભાઈ પ્રેમાભાઈ પટેલ ૬. મોહનભાઈ મકનભાઈ પટેલ ૭. શાંતુભાઇ નાથુભાઈ પટેલ ૮. મગનભાઈ ગુલાબભાઈ રાઠોડ ૯. રમેશભાઈ નાથુભાઈ પટેલ
૧૦. અમૃતભાઈ આર. પટેલ-વહીવટદાર ૧૧. કિશોરભાઈ ડાયાભાઈ પટેલ ૧૨. મુકેશભાઈ નાથુભાઈ પટેલ ૧૩. મહેન્દ્રકુમાર મણીલાલ મહેતા ૧૪. અશ્વિનભાઈ રમેશચંદ્ર ઠક્કર ૧૫.અનિલકુમાર સુખદેવભાઈ પટેલ ૧૬. જિજ્ઞાશાબેન અશ્વિનભાઈ ઠક્કર
ગ્રામ પંચાયતની બોડી
સરપંચ: જિજ્ઞાશાબેન અશ્વિનભાઈ ઠક્કર સભ્યો: ૧. માધુરીબેન ભીંગુભાઈ પંડિત ૨. કવિતાબેન પવનભાઈ પાટીલ
૩. જયશ્રીબેન દિલીપભાઈ ચાવડા ૪. અરવિંદભાઈ મણીલાલ પટેલ ૫. નિકુંજકુમાર દલસુખભાઈ પટેલ ૬. ચિરાગભાઈ બીપીનભાઈ પટેલ ૭. બેલાબેન કલ્પેશભાઈ લાડ ૮. રઉફ ઉંમરભાઈ મેમણ ૯. પ્રેમકુમાર ઉમાશંકર યાદવ ૧૦. ઇમરાનભાઈ સરકુદિન વહોરા ૧૧. મેહાબેન ગોમનભાઈ રાઠોડ ૧૨. રમેશચંદ્ર ભગવાનદાસ સુરતી ૧૩. સંગીતાબેન કલ્પેશભાઈ પટેલ ૧૪. ભાવનાબેન દીપકભાઈ રાવલ ૧૫. ડિમ્પલબેન રાજેશભાઈ પટેલ ૧૬. ખ્યાતિબેન અંકુરભાઈ દેસાઈ ૧૭. ધીરજલાલ રસિકલાલ મનાણી ૧૮. શૈલેષભાઈ દોલતભાઈ પટેલ
સાયણની જીવનરક્ષા હોસ્પિટલ: ગરીબ દર્દીઓ માટે વરદાનરૂપ
શ્રી સાયણ ખાંડ ઉદ્યોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘જીવનરક્ષા હોસ્પિટલ’-દેલાડ (સાયણ) ખૂબ જ પ્રમાણિકપણે સારા વહીવટથી ચાલી રહી છે. જીવનરક્ષા હોસ્પિટલમાં દર વર્ષે જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર આપી ઓપરેશન કરવામાં આવે છે. તેમજ વર્ષ દરમિયાન જુદા જુદા કેમ્પો તેમજ દર માસની પહેલી તારીખે વિનામૂલ્યે આંખ રોગના નિદાન કેમ્પ યોજવામાં આવે છે. જેમાં મોતિયાનાં ઓપરેશનો કરી તમામ દર્દીઓને લેન્સ (નેત્રમણી) મૂકી આપી નવી દૃષ્ટિ પ્રદાન કરાય છે. જીવનરક્ષા હોસ્પિટલમાં તિથિ ભોજન યોજના ચાલે છે, જેમાં સ્વર્ગસ્થ સ્વજનોની પુણ્યતિથિ હોય કે સ્વજનોના લાડકવાયાનો જન્મદિવસ હોય ત્યારે દાનવીર મિત્રો રૂપિયા ૨૫૦૦ જમા કરી એક ટંક અને રૂ.૫,૦૦૦ જમા કરી બે ટંક ભોજનની વ્યવસ્થા કરી નોંધાયેલી તિથિએ દર વર્ષે ગરીબ વર્ગને ભોજન કરાવવાનું પુણ્ય મેળવે છે.
આમ, ઓલપાડ તાલુકા તથા આજુબાજુના તાલુકાના વિસ્તારના લોકોને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના આરોગ્યલક્ષી સેવાઓ નજીવા દરે પૂરી પાડી, સાથેસાથે મધ્યમ તથા ગરીબ પરિવારના લોકોના આંખ (મોતિયા)નાં ઓપરેશનો કરી નવી દૃષ્ટિ આપવી તેમજ બ્લડ ડોનેશન જેવા કેમ્પો યોજી માનવતાના પાયાનાં કાર્યો કરવામાં આવે છે. હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લેતા ગરીબ દર્દીઓને તથા દર્દી સાથે રહેતી એક વ્યક્તિને સવાર-સાંજ બે ટંક વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આમ, આ વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને ઉચ્ચ પ્રકારની સારવાર ઘરઆંગણે મળી રહે અને લોકો નિરોગી રહે તેવા તમામ પ્રયત્નો સંસ્થાના/ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી તથા ટ્રસ્ટીમંડળ દ્વારા સતત થતા રહે છે. આવાં ભગીરથ કાર્યો ટ્રસ્ટ કરી રહ્યું છે. આમ, સને-૧૯૯૬ની સાલથી કાર્યરત થયા બાદ આજદિન સુધીમાં હોસ્પિટલ નાના છોડમાંથી વટવૃક્ષ બની ગઈ છે.
સાયણને પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવા માંગ
સાયણ આઉટ પોસ્ટ ચોકીનું નવું મકાન બનાવી પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવા ગ્રામજનો રજૂઆત કરતા આવ્યા છે. તા.૬/૬/૨૦૧૭ રોજ મળેલી ગ્રામસભામાં ઉપસરપંચે પણ મુર્દો ઉઠાવ્યો હતો અને ગ્રામ્ય પોલીસ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી. સાયણ આઉટ પોસ્ટને ૨૨ ગામ લાગે છે. સાયણ તથા આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો કાર્યરત થવાને કારણે પણ પરપ્રાંતીઓની સંખ્યામાં વધારો થવા સાથે ગુનાખોરીમાં પણ વધારો થયો છે. હાલમાં સાયણ ચોકીમાં પી.એસ.આઈ. ૧, એ.એસ.આઈ. ૧, હેડ કોન્સ્ટેબલ ૪, કોન્સ્ટેબલ ૬ મળી ૧૨ પોલીસ સ્ટાફ છે. પોલીસ સ્ટાફની ઘટને લઇ કાયદો અને વ્યવસ્થાની કામગીરી કરવું મુશ્કેલરૂપ બન્યું છે. જેથી સાયણને પોલીસ સ્ટેશન દરજ્જો આપવા માંગણી થઈ રહી છે.
સાયણની યુવતીએ દિલ્હીની પરેડમાં ભાગ લીધો હતો
સાયણ ગામની રહેવાસી પિનલ ઠાકોરની પુત્રી વૈદેહી ગોહિલ ગુજરાત વિદ્યાનગર ખાતે કોલેજમાં અભ્યાસ કરે છે. તેણે ૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં આયોજિત ગણતંત્ર દિવસની પરેડમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત ગણતંત્ર દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પણ વૈદેહીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વૈદેહીની આ સિદ્ધિથી સુરત જિલ્લા સહિત સાયણ ગામનું ગૌરવ વધ્યું છે.
સાયણ સુગર આશરે છથી સાત હજાર લોકોને રોજગારી પૂરી પાડે છે
સાયણ સુગરના આદ્યસ્થાપક માજી પ્રમુખ સ્વ.મગનકાકાએ સુગર ફેક્ટરી બનાવવા માટે જગુદાદા તથા ધીરુભાઈ દેસાઈ (સાયણ)ના ટેકા સહકારથી જનજાગૃતિ લાવી ધીરે ધીરે ખેડૂતોની મીટિંગ્સનો સિલસિલો ચાલુ કર્યો હતો. સન ૧૯૬૧-૬૨માં સ્વ.પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈના ચીફ પ્રમોટર પણા હેઠળ શેર ભંડોળનું ઉઘરાણું ચાલુ થયું. કેટલીક રકમ ભેગી થઈ, પરંતુ નહેરના પાણી નહીં મળવાને કારણે નિષ્ફળતા મળી. અને ઉઘરાવેલા પૈસા વ્યાજ સાથે ખેડૂતોને પરત કર્યા અને સન ૧૯૬૮-૬૯માં સ્વ.લલ્લુભાઈ ઈચ્છુભાઈ પટેલ(સેગવા)ના ચીફ પ્રમોટરપણા હેઠળ બીજો પ્રયાસ શરૂ થયો હતો, પણ નિષ્ફળ ગયો. તાલુકાના આગેવાન, કાર્યકરોના માર્ગદર્શન હેઠળ સુગર ફેક્ટરી બનાવવા માટેની કાર્યવાહી મક્કમ રીતે ચાલુ રાખી પ્રથમ તબક્કો સંસ્થાના રજિસ્ટ્રેશનની મંજૂરી માટેનો હતો. શેર ફાળો એકત્રિત કરવા પરિવહનનાં મર્યાદિત સાધનો વચ્ચે ચાલતા ગાડામાં, બસમાં ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના દૂર દૂર સુધીનાં ગામોના ખેડૂતો સુધી પહોંચી એમના સતત સંપર્કમાં રહી ભવિષ્યનાં સપનાંને સાકાર કરવા માટેની થકાવનારી કવાયતની શરૂઆત કરી સમજાવટની આકરી તપસ્યા આદરી. ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ૫૦૦ના મૂલ્યના શેર સામે રૂ.૩૭૫ની બેન્ક લોન હોવાથી ખેડૂતોના ફાળે રૂ.૧૨૫નો હપ્તો હતો. શેર લેવાની ઈચ્છા છતાં રૂપિયા ૧૨૫ ભરવાની સ્થિતિ ન હોવાને કારણે શેરભંડોળ એકત્રિત કરવાની કામગીરી મુશ્કેલ બની હતી. જો મંડળી રૂપિયા ૬૫ લાખનો શેરફાળો એકત્રિત કરી શકે તો જ મંડળીને રજિસ્ટ્રેશનની મંજૂરી મળી શકે એમ હતું.
અંતે કામરેજ તાલુકાના સહયોગથી ખૂટતી રકમ ભરપાઈ કરી શક્યા. જેના ફળસ્વરૂપે બીજા ચાર વર્ષ પછી વર્ષ-૧૯૭૧માં ભારત સરકાર તરફથી ખાંડનું કારખાનું નાંખવાનું ઇરાદાપત્ર મળતાં ગુજરાત સરકારે તા.૨૦/૧૧/૧૯૭૨ના રોજ મંડળી રજિસ્ટર કરી. આમ, મંડળી વિધિવત અસ્તિત્વમાં આવી. પા…પા… પગલી ભરતી ફેક્ટરી ધીરે ધીરે સમયથી થપેડો ખાતી વિકાસની મંઝિલ તરફની મેરેથોન રેસમાં અગ્રેસર બની પોતાની ઝોળીમાં અનેક એવોર્ડ સમેટી આગેકૂચ કરી રહી છે.
સુગર ફેક્ટરીનું રજિસ્ટ્રેશન થયું ત્યારે સભાસદની સંખ્યા ૪૯૯૮ હતી. ૨૦૨૧-૨૨માં ૧૬૬૮૬ સભાસદ છે. ફેક્ટરી ૧૧ લાખ મે.ટન શેરડી પિલાણ કરી સરેરાશ ૧૦.૭૪ % રિકરિંગ સાથે અંદાજિત ૧૧ લાખ ક્વિન્ટલ ખાંડ ઉત્પાદન કરે છે. સાયણ સુગર ચાલુ સિઝનમાં આશરે છથી સાત હજાર લોકોને રોજગારી પૂરી પાડે છે. હાલ ફેક્ટરીમાં બે ટર્મથી દેલાડ ગામના રાકેશભાઈ ટી. પટેલ પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.
સરપંચ જિજ્ઞાસાબેન ઠક્કરે કરેલી રજૂઆતો
સાયણ ગામમાં ઘણા સમયથી ગેસ કંપની દ્વારા ગેસલાઇનનું નેટવર્ક ગત તા.21/07/2015ના ક્રમ નં.7/3, ઠરાવ નં. 7/3થી સામાન્ય સભાના ઠરાવથી મંજૂરી લઈ નાંખવામાં આવ્યું છે. આ ગેસલાઈનનો થકી ઘણા વિસ્તારોમાં કનેક્શન આપી ચાલુ કરી દેવામાં આવ્યાં છે. પરંતુ સાયણ બજાર વિસ્તારમાં અને કેટલાક વિસ્તારોમાં હાલ ગેસ લાઇનનું નેટવર્ક હોવા છતાં ગેસલાઈનનાં કનેક્શનથી વંચિત છે. સાયણ બજારમાં વિસ્તારમાં ગેસ કનેક્શનનો આપ્યાં જ હતાં, પરંતુ વરસાદી પાણીની ગટરલાઈન બનાવી તે સમયે ગેસલાઇનનો ફરી નાંખી તો દીધી પણ ગેસ કનેક્શનો આપવાનાં રહી ગયાં છે. તો સાયણ ગામનાં અધૂરાં કામો અને કેટલાક વિસ્તારોમાં નવાં કનેક્શનોથી વંચિત છે તેમને ગેસ કનેક્શનનો લાભ આપવા તેમજ સાયણ ગામનો પૂર્વ વિસ્તાર, સાયણ સુગર રોડ વિસ્તાર, આદર્શનગર-2 અને 3નો વિસ્તાર તેમજ સિવાણ રોડ વિસ્તાર હજુ પણ ગેસ લાઇનથી વંચિત જ છે. આ વિસ્તારો આશરે 15000 જેટલી વસતી ધરાવે છે. આ સાયણ ગામમાંથી રેલવે લાઈન પસાર થતી હોવાથી પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગોમાં વહેંચાઈ ગયું છે. આથી પશ્ચિમ વિભાગમાં ગેસ લાઇન આવી ગઈ છે, પરંતુ પૂર્વ વિભાગમાં હજુ સુધી મુખ્ય ગેસલાઇન પર નાંખવાની બાકી છે. આ પૂર્વ વિસ્તારમાં નવી ગેસલાઇન નાંખી પૂર્વ વિસ્તારના રહીશોને ગેસલાઇનની સુવિધા તાત્કાલિક પૂરી પાડી મહિલાઓને મદદરૂપ થઈ સરકારના સ્ત્રી સશક્તિકરણના અભિગમને તાકીદે પૂર્ણ કરવા સરપંચ જિજ્ઞાસાબેન ઠક્કરે રજૂઆત કરી છે. તા.24-02-2022ના રોજ સરકારના રાજ્ય કક્ષાનાં રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશને સાયણના ઓવરબ્રિજ પર અકસ્માતને ધ્યાને લઈ વીજપોલ અને પૂર્વમાં લાઈટ નાંખવા માટે લેખિત અરજ કરી હતી. જેનું ટૂંક સમયમાં કામ ચાલુ થઈ જશે.
ભવાની માતાના મંદિરનો ઈતિહાસ
ગામતળ વિસ્તારમાં હાલ જે પુરુષોત્તમ ફાર્મસનો વિસ્તાર છે, તે ખરેખર તો એક સમયે પ્રખ્યાત ભવાની તળાવ હતું. તળાવને કાંઠે ભવાની માતાના મંદિરનાં અવશેષો આજે પણ ખોદકામ કરતા જોવા મળે છે. સમયાંતરે ગામમાં નીલકંઠ મહાદેવ મંદિર બન્યું. જે ગામની આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ નવરાત્રિના પવિત્ર દિવસોમાં કોળી પટેલ સમાજ અગ્રણી કાળા દિયાળ (દાદા)ને સપનામાં ભવાની માતાજીએ આદેશ આપ્યો, ભવાની તળાવને કાંઠે આવેલા ટેકરામાંથી મને બહાર કાઢી પુનઃ પ્રસ્થાપિત કરો. આમ, વારંવાર એકવાર, બે વાર ત્રણવાર માતાજીએ સતત આદેશ આપ્યો. છેવટે ગામના અગ્રણીઓને બોલાવી સપનામાં માતાજીએ આપેલા આદેશની વાત કરી. અને માતાજીને નહીં લાવવામાં આવે તો સમગ્ર સાયણ ગામને નેસ્તનાબૂદ કરવા સુધી સપનાની ચર્ચા કરતાં ગ્રામજનોમાં મુખ્યત્વે રાજપૂત અને કોળી સમાજના મુખ્ય આગેવાનોએ નક્કી કર્યું કે માતાજીએ સપનામાં બતાવેલી જગ્યાએ તપાસ કરવી જોઈએ. તે વખતના ગામના યુવાનો તૈયાર થયા. હાલ ઇલ્યાસ માસ્તરના વાડાના ભાગે ટેકરા જેવો ભાગ દેખાયો. આ જગ્યા જુવાનિયાઓએ સાફ કરી તો ધ્વંસ કરાયેલા મંદિરનાં અવશેષો મળ્યાં. માહિતીનું સાતત્ય જણાવતાં વડીલોએ વધુ ખોદકામ કરવાનો આદેશ આપ્યો. ભૂગર્ભના વિશાળ ખંડમાં પ્રસ્થાપિત માતાજીનાં દર્શન થયાં. સમગ્ર ગામમાં આનંદ મંગલ છવાયો. અતિ ઉત્સાહમાં યુવાનો માતાજીને ઊંચકવા જતાં માતાજી જરાપણ ખસ્યાં નહીં. યુવાનોએ સ્વપ્નદૃષ્ટા કાળુદાદાને વાત કરતાં કાળુદાદાએ જણાવ્યું કે, ગામમાં માફાઓ તૈયાર કરતા ભજન મંડળીને જાણ કરો, આખી જગ્યા સ્વચ્છ કરો, સમગ્ર ગામને આમંત્રણ આપો. આજે માતાનું સામૈયું કરવાનું છે. બીજા દિવસે વહેલી સવારે સૌ ગ્રામજનોએ સ્નાન કરી વિધિ પટાવી માતાજીનો રથ શણગાર્યો. બ્રાહ્મણોએ ગોર મહારાજને તેડાવી માતાજીની જગ્યાએ પૂજા-અર્ચના કરી. પ્રસ્તાપન વિધિ કરી માતાજીને રથમાં બેસાડ્યાં.
કાળુદાદાએ બે હાથમાં હળવાં ફૂલ ચડાવી માતાજીને ઉઠાવી રથમાં બિરાજમાન કર્યાં. એ સમયે વાજિંત્રો, શરણાઈ, ઢોલક ગૂંજી ઊઠ્યાં. સમગ્ર ગામમાં ધામધૂમપૂર્વક રથયાત્રા ફેરવવામાં આવી. ગામના ભૂલીમાએ માતાજીની સ્થાપના કરવા સાયણ-ઓલપાડ રોડ ઉપર ગામડાના નાકે મંદિર બનાવવા જગ્યા આપી. માતાજીને વાજતેગાજતે હાલની જગ્યાએ લાવી મંદિરમાં બ્રાહ્મણો, ગોર મહારાજના પવિત્ર મંત્રોચ્ચારના સુગંધિત પવિત્ર વાતાવરણમાં પુનઃ સ્થાપિત કરાયાં. તે સમયે મંદિર નાનું હોવાને કારણે નવરાત્રિના પર્વ દરમિયાન પૂરતી જગ્યાના અભાવે દર્શનાર્થીઓને ખૂબ અગવડ પડતી હતી. આથી, ગ્રામજનોએ બાબુભાઈ ફળવાળા, ડો.ધીરુભાઈ દેસાઈ, આપાભાઈ પટેલ, ગોરધનભાઈ જેઠાભાઇ, વિશ્વાસકાકા વગેરે વડીલોએ તે સમયના પ્રખ્યાત કથાકાર નરહરિ મહારાજની કથાનું આયોજન કર્યું. તેના ફંડ-ફાળામાંથી મંદિરનું વિસ્તૃતિકરણ કર્યું. આજે માજી સરપંચ અશ્વિનભાઈ ઠક્કરના સહયોગથી નવું મંદિર બનાવવામાં આવ્યું છે.