સુરત : સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, તેેના લીધે અનેક ઠેકાણે ડિમોલીશન કરવાની ફરજ પડી છે. આજે સુરત મનપાની ટીમ કોટ વિસ્તારમાં ડિમોલીશન માટે ગઈ ત્યારે સ્થાનિક દુકાનદારો અને લોકોએ તેમનો હૂરિયો બોલાવ્યો હતો. સ્થાનિક દુકાનદારો અને લોકોએ કહ્યું હતું કે, મરી જઈશું પરંતુ જગ્યા નહીં આપીએ. બંને પક્ષે જીભાજોડી બાદ મામલો બિચક્યો હતો અને ભારે હોબાળો થતાં પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ભાગળ ટાવર પાસે મોચીની ચાલમાં ડિમોલેશન મુદ્દે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. ભાગળ વિસ્તારની અંદર અંગ્રેજોના સમયની ખૂબ જ જૂની મિલકતો આવેલી છે. ભાગળ વિસ્તારમાં ઘણા પરિવાર રહે છે. જેમની ખૂબ જ જૂની દુકાનો આવેલી છે. પરંતુ મનપા દ્વારા મેટ્રો પ્રોજેક્ટના કારણે આ વિસ્તારની અંદર ડિમોલિશનની કામગીરી કરવી પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. મેટ્રો જંકશન પણ આજ વિસ્તારની અંદર બનવા જઈ રહ્યું છે ત્યારે કોર્પોરેશન દ્વારા કેટલીક મિલ્કતોનું ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોતાનું રહેણાંક મકાન અને રોજગારી છીનવાઈ જવાને કારણે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. અધિકારીઓ ડિમોલિશન કરવા પહોંચતાની સાથે જ લોકો એકત્રિત થઈને હોબાળો મચાવ્યો હતો અને કહ્યું હતું કે, મરી જઈશું પરંતુ જગ્યા નહીં આપીએ.
ભાગળ સુરતનો સૌથી જૂનો અને વ્યસ્ત વિસ્તાર છે. અહીં ઘણી જૂની ઈમારતો,ઘર અને પ્રખ્યાત દુકાનો આવેલી છે. સાથે જ અહીં અનેક પરિવારો પોતાની રોજીરોટી પણ મેળવતા હોય છે. પરંતુ મેટ્રો પ્રોજેક્ટ આવવાથી કોર્પોરેશને સુરતના અનેક વિસ્તારનું ડિમોલેશન પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાના-મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરવાની ફરજ પડી રહી છે. સાથે જ મેટ્રોનું કામ એક વર્ષમાં પૂર્ણ કરાવાની કામગીરી હાથ ધરવામા આવી છે . જેથી સુરતના અમુક રસ્તા એક વર્ષ સુધી બંધ કરવાની ફરજ પડી છે. જેના સંદર્ભમાં ભાગળ મોચીની ચાલમાં દુકાનો અને રહેણાક મકાનોને ડિમોલિશન કરવા પડે તેમ છે. સ્થાનિક લોકોએ કોર્પોરેશનના અધિકારીઓનો વિરોધ નોંધાવ્યો હતો. કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવા છતાં પણ ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોએ જણાવ્યું કે ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવાને કારણે અમે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકો દ્વારા કોર્ટમાં તમામ બાબતોને રજૂ કરી છે. રોષ સાથે સ્થાનિકોએ રજૂઆત કરી કે સરકાર દ્વારા 2013માં અમને વળતર આપવા માટેની વાત કરવામાં આવી હતી પરંતુ કોઇ પણ પ્રકારનું વળતર કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવી નથી. અન્ય જગ્યા હોવા છતાં પણ કોર્પોરેશન અમને હેરાન કરતી હોય તેવું લાગી રહ્યું છે.