SURAT

મિલોમાંથી ઉડતી કાળી મેશના લીધે કતારગામના રહીશોમાં આવી બિમારીના કેસ વધ્યા

સુરત : કતારગામ ઝોનના વસ્તાદેવડી રોડ પર મોટા પ્રમાણમાં ‌મિલો આવેલી છે. આ ‌મિલોમાંથી ‌નીકળતી કાર્બનની રજકણોને કારણે સ્થા‌નિક રહીશોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. આંખોમાં ઝાળ બળવી, ચામડીના રોગ સહીતની બિમારીના કેસ વધતા મિલો સામે પગલા ભરવાની માગણી કરવામાં આવી રહી છે. વારંવાર રજુઆત કરવા છતાં પ્રશ્નનો ઉકેલ નહી આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

કતારગામના વસ્તાદેવડી રોડ પર ‌મિલોના કારણે પ્રદુષણ વધુ છે, ત્યારે મીલોના ભુંગળામાંથી ઉડતા કાર્બનની રજકણો (મેશ)ને કારણે સ્થા‌નિક લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. તેમજ લોકોના ધાબા અને પાર્કિંગમાં પણ આ રજકણો ઉડે છે. જેથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

શુક્રવારે સ્થાનિક રહીશોના પક્ષમાં આ મામલે સ્થાયી સ‌મિ‌તિની બેઠકમાં સ્થાનિક નગર સેવક દક્ષેશ માવાણી દ્વારા કરવામાં આવી હતી. તેમજ આ મુદે જીપીસીપીને પત્ર પાઠવી આગળની કાર્યવાહી કરવાની માંગણી મનપા દ્વારા કરાય તેવી રજુઆત કરાઇ છે.

આંજણામાં પેપર પ્રિન્ટિંગના કારખાનામાં ભીષણ આગ, ચાર કારીગરોને રેસ્ક્યુ કરાયા
સુરત: આંજણા ફાર્મા ખાતે ગત મોડી રાત્રે પેપર પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ લાગી જતા ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્રણ માળના કારખાનામાં ભોંય તળિયે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી ગઈ હતી જ્યારે કારખાનામાં બીજા અને ત્રીજા માળ ઉપર કામ કરતા કારીગરો ફસાઈ ગયા હતા તેમને ભારે જહેમત બાદ રેસક્યૂ કરી ફાયરની ટીમે બહાર કાઢી લઈ તેમના જીવ બચાવી લીધા હતા. જયારે એ કારીગર બેભાન થઈ ગયો હતો તેનો પણ સમયસર રેસ્કયુ કરી બચાવી લેવાયો હતો.

આંજણા વિસ્તારમાં મહેશ ઈન્ડસ્ટ્રીમાં વ્રિજ પેપર પ્રિંટિગ પ્રેસમાં આગ લાગવાની ઘટના ગત મોડી રાત્રે ઘટી હતી. આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ ડુંભાલ,માનદરવાજા અને પૂણા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. માનદરવાજા ફાયર વિભાગના અધિકારી જયદીપ ઈસરાનીએ ઘટનાની જાણકારી આપતા કહ્યું હતું કે,અલગ અલગ ત્રણ ફાયર વિભાગના 30થી 35 ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો.

બીજા અને ત્રીજા માળ ઉપર ફસાઈ ગયેલા કારીગરો પૈકી 28 વર્ષીય સંતલાલ કારખાનામાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જ્યારે બીજા બીજા માળ ઉપર ફસાઈ ગયેલા 28 વર્ષીય કુંદન દિનેશરામ, 30 વર્ષીય રતનકુમાર સિગ અને પંકજ સોની જેઓ તેમના જીવ બચવવા માટે બૂમાબૂમ કરી રહ્યાં હતા.

તેને હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી લિફ્ટ કરીને સહીસલામત રીતે ઉતારી લેવાયા હતા. ગ્રાઉન્ડ ફલોર પર ફસાઇ ગયેલા કારીગર ગૂંગળાઈ જતાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો તેને પણ 108ની મદદ લઈને હોસ્પિટલમાં ખસેડાયો હતો. લગભગ ત્રણ કલાકની ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. આગમાં પેપર પ્રિંટિંગના 30થી 40 રોલ તથા મશીનરી સળગીને ખાખ થઈ ગયા હતા.

Most Popular

To Top