SURAT : રાજકીય નેતાઓ પ્રસિદ્ધિ ભૂખ્યા હોય છે, તે વાત તો જગજાહેર છે. પરંતુ અમુક એવા કામોની પ્રસિદ્ધિ ખાટવા માટે પણ તરકટ કરતા હોય છે કે હાસ્યાસ્પદ બની જતા હોય છે. ત્યારે ઉધના ઝોનમાં વોર્ડ નં.24ના ત્રણ સ્થાનિક નગર સેવકોએ પાણીની નવી લાઇન ( NEW WATER PIPELINE) નંખાયા બાદ લોકોએ પોતાના કનેક્શન નવેસરથી લેવાના થાય છે તેવી માહિતી આપી તેમાં પણ કાર્યક્રમ રાખી કનેક્શન આપવાની નાનકડી કામગીરીનું પણ ખાતમુહૂર્ત યોજી ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ટ્રોલ થયા હતા. તેમજ જે બે સોસાયટીઓમાં લોકોની મિલકતોમાં નળ કનેક્શન લેવાના થાય છે તેના માટે પણ ચોક્કસ પ્લમ્બર પાસે જ કનેક્શનનું કામ કરાવવા માટે તખ્તો ગોઠવાયો હોવાનો આક્ષેપ થયો હોવાથી આ સોસાયટીના એક મહિલા વકીલે લોકોને કોઇની વાતોમાં નહીં આવવા અને પ્લમ્બર જાતે જ પસંદ કરવાનો અધિકાર હોવા બાબતે જાગૃતિ લાવવા સોશિયલ મીડિયામાં ( SOCIAL MEDIA) ઝુંબેશ શરૂ કરી છે.
મળતી વિગત મુજબ વોર્ડ નં.24ના નગર સેવકો ડો.બલવંત પટેલ, હિનાબહેન કણસાગરા અને રોહિણી પાટીલે થોડા દિવસ પહેલાં ઉધનાના હરિનગર અને આશાનગરમાં લોકોની મિલકતમાં લોકોએ નાણાં ભરીને જે કનેક્શન લેવાના થાય છે તેનું પણ ખાતમુહૂર્ત યોજ્યું હતું તેમજ તેનું ફોટો સેશન કરી ફેસબુકમાં ફોટા મૂક્યા હતા. જેથી હાસ્યાસ્પદ બની રહ્યા છે. સાથે સાથે આ નળ જોડાય નવા લેવાના થાય છે કે નહીં એ બાબતે મનપા દ્વારા કોઇ જાહેરાત નહીં કરાઇ હોવા છતાં લોકોને ચોક્કસ પ્લમ્બરો પાસે જ નવેસરથી કનેક્શન લેવા ફરજ પડાઇ રહી હોવાનો આક્ષેપ ઊઠ્યો હોવાથી સ્થાનિક મહિલા વકીલ મોના કપૂર દ્વારા આરટીઆઇ કરી મનપા પાસે જવાબ માંગવામાં આવ્યો છે. અને જણાવ્યું છે કે, અમે નવાં કનેક્શન લેતાં નથી. માત્ર નવી લાઇનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. છતાં સ્થાનિક નગરસેવકો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને સ્થાનિક નગરસેવકો દ્વારા પોતાની ઓફિસથી જ ફોર્મ ભરાવી ચોક્કસ પ્લમ્બર પાસે કામ કરાવવાનો તખ્તો ગોઠવાયો છે.
અમે કોઈને ફરજ પાડી નથી, મનપાના ફિક્સ પ્લમ્બર પાસે જ કામ કરાવવાનું હોય છે : કણસાગરા
વોર્ડ નં.24ના સિનિયર નગરસેવક સોમનાથ મરાઠેએ સાથે વાત કરતાં તેણે પોતે ચાર-પાંચ દિવસથી બહાર હતા. આથી પોતાને આ બાબતે કોઇ માહિતી નહીં હોવાનું જણાવ્યું હતું. તો તત્કાલીન નગરસેવક અને હાલના સ્થાનિક મહિલા નગરસેવક હિનાબહેન કણસાગરાના પતિ સુરેશ કણસાગરાએ જણાવ્યું હતું કે, લાઇન બદલી એટલે લોકોએ નિયમ મુજબ મનપાના ફિક્સ પ્લમ્બર પાસે જ કનેક્શનનું કામ કરાવવાનું હોય તે કરાવીએ છીએ. અમે કોઇ દબાણ કરતા નથી. એક હારેલા ઉમેદવાર છે તે ખોટો અપપ્રચાર કરી રહ્યા છે.