SURAT

હાર્ટ એટેકનો લાઈવ વીડિયો, સુરતના હોમિયોપેથીક ક્લિનીકમાં મહિલા ઢળી પડી, તબીબે આ રીતે બચાવી

સુરત(Surat): આખા ગુજરાતમાં (Gujarat) હૃદય રોગમાં (HeartAttack) મોતને (Death) ભેટતા બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સલાબતપુરામાં હોમિયોપેથિક (Homeopathic) ક્લિનિકમાં સારવાર માટે આવેલી મહિલા અચાનક જમીન પર ઢળી પડી ડોક્ટર પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે હોમિયોપેથીક તબીબે તાત્કાલિક મહિલાને સીપીઆર આપી મોતના મુખમાંથી ઉગારી લીધી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ થઈ ગઈ હતી. મહિલાને નવું જીવન આપનાર ડોક્ટરનો પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

ઘટના સલાબતપુરા વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં કેડી કેર હોમિયોપેથિક ક્લિનિકની છે. જેમાં ડો. અય્યાઝ ઘોઘારી હોમિયોપેથીક સારવારની પ્રેક્ટિસ કરે છે. તેમના ક્લિનિકમાં ગત 1 જાન્યુઆરીના રોજ 45 વર્ષના શહેનાઝબાનો ગળામાંથી ભોજન નીચે ન ઉતરવા અને અશક્તની ફરિયાદ લઈને આવ્યા હતાં. પોતાની પીડા જણાવતા શહેનાઝબાનો જમીન પર ઢળી પડ્યાં હતાં.

સી ડી પચ્ચીગર કોલેજમાં આસિ.પ્રોફેસર એવા ડો. અય્યાઝએ જણાવ્યું હતું કે ઘટના આંખ સામે બની હતી. એક ક્ષણ માટે આશ્ચર્ય થયું હતું. મહિલા અચાનક ઢળી પડતાં તેણીનું બીપી માપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, એ દરમિયાન મહિલા ટેબલ પરથી પણ નીચે પડી ગઈ હતી. આંખોના ડોળા ઉપર ચડી ગયા હતાં. વિલંબ કર્યા વગર તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સ્ટાફ પણ દોડી આવ્યો હતો. બાદમાં મહિલાની સારવાર શરૂ કરી તેને ભાનમાં લાવવામાં આવી હતી.

ડો. અય્યાઝે વધુમાં કહ્યું હતું કે, પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમે લોહીના રિપોર્ટ કરાવ્યા હતાં. કાર્ડિયાક એરેસ્ટ જેવું લાગ્યું હતું. જેથી અમે રિપોર્ટ લખી આપ્યા હતાં. જો કે, આર્થિક રીતે નબળું પરિવાર છે. તેણીનો પતિ રિક્ષા ચલાવે છે. જેથી તેમણે એ રિપોર્ટ નહોતા કરાવ્યા. જોકે, હાલ અમે દવાઓ આપી છે. જેના આધારે તેણીની તબિયત સાધારણ હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top