એક શ્રીમંત વડીલને ઘરે મળવા તેમના મિત્રનો દીકરો આવ્યો.તેને અચાનક શહેરમાં આવવાનું થયું એટલે પોતાના પિતાનો સંદેશ અને ભેટ વડીલને આપવા આવ્યો હતો અને અચાનક આવવાનું થયું એટલે આગોતરી કોઈ જાણ કરી ન હતી.મિત્રના દીકરાને વડીલે જાતે દરવાજો ખોલી આવકાર આપ્યો.મિત્રના દીકરાએ જોયું કે ઘરમાં કોઈ ન હતું. વડીલ એકલા હતા.તેણે પિતાનો સંદેશો આપ્યો અને ભેટ આપી અને પછી વડીલને પ્રણામ કરી રજા માંગી. વડીલે પ્રેમથી કહ્યું, ‘દીકરા, ઘરમાં સાવ એકલો છું.ઓફિસમાં કાર્યક્રમ છે એટલે ઘરનાં બધાં અને નોકરો પણ ત્યાં ગયા છે.
તારી પાસે સમય હોય તો થોડી વાર બેસ અને તારા પિતાની અને મારી દોસ્તીની વાતો તને કહું અને હા જો મોડું થતું હોય તો કોઈ વાંધો નહિ.’ મિત્રના દીકરાએ કહ્યું, ‘કાકા, મારી બસને હજી બે કલાકની વાર છે. હું કલાક બેસી શકીશ. બીજું કોઈ કામ નથી.’ વડીલની આંખોમાં અને ચહેરા પર ચમક આવી ગઈ. તેઓ મિત્રના યુવાન દીકરા સાથે પોતાની અને તેના પિતાની દોસ્તીની વાતો કરવા લાગ્યા.ઘણી વાતો કરી પછી બોલ્યા, ‘ચલ દીકરા કોફી પીશું ને?’ યુવાન દીકરાએ કહ્યું, ‘કાકા, પણ ઘરમાં કોઈ નથી અને મને આવડતી નથી તો કોફી કોણ બનાવશે?’ વડીલે કહ્યું, ‘મને આવડે છે ને હું બનાવીશ.તારા પિતાને મારા હાથની કોફી બહુ ભાવે છે. ચલ, તને પીવડાવું.’
વડીલે જાતે કિચનમાં જઈને કોફી બનાવી અને મિત્રના યુવાન દીકરા સાથે જૂની જૂની વાતો યાદ કરતાં પીધી.પછી બોલ્યા, ‘લાવ કિચનમાં બધું ધોઈને મૂકી દઉં પછી વાતો કરીએ.’ યુવાને કહ્યું, ‘કાકા, લાવો કપ હું ધોઈને મૂકી દઉં.’ વડીલે મજાકમાં કહ્યું, ‘દીકરા તને ફાવશે?’ યુવાને હસીને કહ્યું, ‘કાકા ,આટલું આવડે છે.’ યુવાન કિચનમાં જઈને કપ ધોઈને મૂકી આવ્યો અને પછી વડીલની રજા માંગી.વડીલે કહ્યું, ‘મને તને મળીને આનંદ થયો, તારી સાથે વાતો કરી વધુ આનંદ થયો અને એ જાણીને ખુશ થયો કે તને પણ અત્યારથી મારી જેમ દરેક સંજોગોને અનુકૂળ થઈ જતાં આવડે છે.તેં તારા પિતાનું કામ કર્યું, શાંતિથી મારી વાતો પ્રેમથી સાંભળી.જેમ હું એકલો હોઉં તો બધાં કામ જાતે કરી લઉં છું.તેમ તેં પણ વાસણ ધોઈ લીધા અને હા, બીજી વાર આવે ત્યારે કોફી બનાવતાં શીખીને આવજે.’ આટલું બોલી વડીલે હસતા હસતા મિત્રના યુવાન દીકરાને વિદાય આપી.યુવાન વડીલની જીવનમાં દરેક પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની શીખ યાદ રાખી ઘરે ગયો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.