આણંદ તા.27
કરમસદ સ્થિત ભાઇકાકા યુનિવર્સિટી ખાતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અભિનેતા કમલ જોષીએ મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ યોજ્યો હતો. કમલ જોષીએ અનેક ગુજરાતી ટીવી સિરિયલ, નાટક, ફિલ્મ અને ડોક્યુમેન્ટ્રીમાં અભિનેતા તરીકે તથા દિગ્દર્શક તરીકે કામ કર્યું છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અભિનેતા, દિગ્દર્શક અને લેખક કમલ જોષીએ ભાઇકાકા યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે કમલ જોષીએ જણાવ્યું હતું કે, સાહિત્ય અને નાટક જીવન જીવવાની પ્રેરણા પુરી પાડે છે અને સારા નાગરિક પણ બનાવે છે. આપણે જ્યારે નાટકમાં કામ કરતાં હોઈએ છીએ ત્યારે જુદા જુદા દૃષ્ટિકોણથી વસ્તુઓને જોઇ શકાય છે. નાટકમાં ફક્ત સંવાદ જ નહીં પરંતુ કવિતાઓ પણ હોય છે. નાટકમાં કામ કરવું હોય તો પગ જમીન પર રાખવો જોઈએ. જીંદગીની વાસ્તવિકતા કંઇક જુદી જ હોય છે, તેથી નાટક ભજવવાની, કવિતા રચવાની અને સાહિત્ય લખવાની પ્રેરણા આપણને સમાજમાંથી જ મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાઇકાકા યુનિવર્સિટી ખાતે હેલ્થ હ્યુમાનિટિઝ અને સોશ્યલ સાયન્સિસનો વિભાગ કાર્યરત છે. આ વિભાગ શરૂ કરવાનો ઉદ્દેશ તબીબી ક્ષેત્રમાં ભણતાં વિદ્યાર્થીઓને વ્યવસાયિક શિક્ષણની સાથે વાસ્તવિકતાની સમજ આપવાનો છે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ ડિપાર્ટમેન્ટ હેઠળ સાહિત્ય, લેખન, પર્ફોમિંગ આર્ટ્સ જેવું કે સંગીત, નૃત્ય, થિયેટર, ચિત્રકામ, શિલ્પકામ, સાહિત્ય વગેરે ખૂબીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે અને તેના માટે ખાસ વર્ગો ચલાવવામાં આવે છે.
સાહિત્ય અને નાટક જીવન જીવવાની પ્રેરણા પુરી પાડે છે
By
Posted on