સુરત(Surat): કહેવા માટે તો ગુજરાતમાં (Gujarat) દારૂબંધી (Liqour Ban) છે. પરંતુ રાજ્યનો એકેય જિલ્લો એવો નહીં હોય જ્યાં દારૂ વેચાતો નહીં હોય. દરેક શહેર, ગામડાની ગલી, મહોલ્લામાં ખાનગી રાહે દારૂ વેચાય છે, પરંતુ હદ તો ત્યારે થાય છે જ્યારે બિન્ધાસ્ત કોઈ પણ રોકટોક વિના જાહેર માર્ગ પર શાકભાજીની જેમ દારૂ વેચાવા લાગે છે. સુરતમાં ખુલ્લેઆમ રોડ પર વેચાતા દારૂનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે, જેને ખાસ્સી ચર્ચા જગાવી છે.
- સુમુલ ડેરી રોડ પર ડિવાઈડરમાં દારૂનો અડ્ડો શરૂ કરાયો
- જાહેર રોડ પર ખુલ્લેઆમ દારૂની બોટલોનું વેચાણ થાય છે
- પોલીસને જાણ કરો તો બુટલેગરને જ ખબર પડી જાય છે
- પોલીસ આવે તે પહેલાં બુટલેગરો જતા રહે, પછી માત્ર દેખાડો થાય છે
આ વીડિયો આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજ્ય ઈઝાવા દ્વારા વાયરલ કરાયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સુરતના સુમુલ ડેરી રોડ પર ડિવાઈડરની વચ્ચે ચાદર ઓઢાડી દારૂની બોટલો સંતાડવામાં આવી છે. લાલ રંગનો શર્ટ પહેરેલો એક ઈસમ ડિવાઈડરમાંથી બોટલો લાવી ગ્રાહકોને આપે છે. આ બધો વહીવટ ટ્રાફિકથી ધમધમતા જાહેર માર્ગ પર થઈ રહ્યો છે. ગ્રાહકો ટુવ્હીલર પર આવે છે, રૂપિયા આપે છે અને બદલામાં બોટલ લઈને જતા રહે છે.
વીડિયો ઉતારતી વખતે જ આરટીઆઈ એક્ટિવિસ્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ખુલ્લામાં દારૂ વેચાઈ રહ્યો હોવાની બાતમી પોલીસને આપે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે અડધો કલાક સુધી પોલીસ આવતી નથી. એક પીસીઆર વાન રસ્તા પરથી પસાર થાય છે પરંતુ તે રોકાતી નથી. દરમિયાન પોલીસ આવે તે પહેલાં બુટલેગર ઈસમોને જાણ થઈ જાય છે કે તેઓની ફરિયાદ થઈ છે. તેથી તે દારૂના પોટલા ઊંચકી ભાગી જાય છે.
આરટીઆઈ એક્ટિવિસ્ટ વીડિયોમાં કહે છે કે, આ દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે પોલીસની ભાઈબંધીમાં સુરત શહેરમાં દારૂનો ધંધો ચાલી રહ્યો છે. એટલે જ તો જ્યારે બુટલેગરો અંગે ફરિયાદ કરવામાં આવે તો પોલીસ જ તેમને જાણ કરી દે છે.
નવાઈની વાત એ છે કે સુમુલ ડેરી રોડ એ સુરત રેલવે સ્ટેશન, સુરત રેલવે પોસ્ટ ઓફિસની લગોલગ આવેલો છે. મહીધરપુરા પોલીસ મથકની હદમાં આવતો આ રોડ 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે. પરંતુ બુટલેગરો કોઈ પણ ડર વિના બિન્ધાસ્ત ખુલ્લેઆમ દારૂનો વેપાર કરે છે. તેઓને રોકનારું કોઈ જ નથી.