ડેડીયાપાડા,ભરૂચ: ભરૂચના (Bharuch) સાંસદ (MP) મનસુખ વસાવા (MansukhVasava) અને ચૈતર વસાવા (ChaitarVasava) પોલીટીકલ મતભેદો લઈને વ્યુહાત્મક રીતે આમને સામને નિવેદનો કરતા હોય છે. જોકે આજે જ્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દારૂ-જુગારની બદીમાં નર્મદા પોલીસ હપ્તા લેતી હોવાનો સીધો આક્ષેપ કર્યો ત્યારે તે વાતને ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરમાં આવી સમર્થન આપી બધાને ચોંકાવી દીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડાના સોલિયા ગામે જાહેરમાં સ્વીકાર્યું કે, નર્મદા જિલ્લામાં દારૂના અડ્ડા ખુલ્લેઆમ ધમધમે છે. આ દારૂ જુગારના અડ્ડા ચાલવા દેવા માટે LCB પોલીસ દર મહિને 35 લાખનો હપ્તો લે છે. સાંસદના આ નિવેદનથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સોલિયા ગામે મેરી માટી મેરા દેશ અભિયાન હેઠળ અમૃત કળશ યાત્રા આવી પહોંચી હતી. ભાજપ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં કાર્યકમ યોજાયો હતો. BJP સાંસદ મનસુખ વસાવાએ સીધો નર્મદા પોલીસ પર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે નર્મદા LCB 35 લાખનો હપ્તો લે છે.
નર્મદા પોલીસ ઉપર સાંસદ અને ધારાસભ્યે હપ્તા લેવાના કરાયેલા આક્ષેપો સંદર્ભે જિલ્લા પોલીસ વડા SP પ્રશાંત સુંબે તેમજ LCB પી.આઈ. જગદીશ ખાંભલાને તેઓ સાથે ટેલીફોનીક વાત નહીં થતા નર્મદા પોલીસનો ખુલાસો જાણી શકાયું નથી. જો કે સમગ્ર મુદ્દે નર્મદા પોલીસ સામે ખુદ ભાજપના MP અને ડેડીયાપાડા AAPના MLAએ દારૂ અને જુગાર મુદ્દે ભીંસ લેતા ભારે હલચલ મચી ગઈ છે.
ભાજપના કાર્યકર દિનેશ વસાવાએ ફરી દારૂનો ધંધો શરૂ કર્યો: મનસુખ વસાવા
ભાજપના કાર્યકર અને મોટા બુટલેગર એવા દિનેશ વસાવાએ ફરીથી દારૂનો ધંધો શરૂ કરી દીધો છે. ચિત્રોલ ગામે વર્ષો પહેલા કરોડોનો દારૂ પકડાયો હતો. નર્મદા જિલ્લામાં ઠેર ઠેર દારૂનો વેપલો ચાલે છે. જેમાં વડાપ્રધાનના સમૃદ્ધ ભારત અને યુવા ભારતના સ્વપ્નનું પતન થઈ રહ્યું છે. એક ધારાસભ્ય લોકોને દારૂ પીવડાવી આખી રાત પાર્ટીઓ કરાવે છે. હું તો બોલીશ જ મને કોઈ ચમરબંધી નડતી નથી.
ડેડિયાપાડાના આપના ધારાસભ્યએ કહ્યું, તમારી આજુબાજુ ફરતા બુટેલગરોને ઉઘાડા પાડો
સાંસદના નિવેદન બાદ ડેડિયાપાડા AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપી ભાજપ MP એ નર્મદા જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે જે સ્વીકારીને તેને સમર્થન આપ્યું છે. સાથે જ સરકાર અને પોલીસ તેને રોકવામાં સંદતર નિષ્ફળ ગયા છે. તે હકીકત બદલ પણ સાંસદને અભિનંદન આપ્યા છે. ખાસ તો મનસુખભાઈની આજુબાજુ ફરતા તેમજ તેમની પાર્ટીમાં રહેલા આવા બુટલેગરોને પણ તમે ખુલ્લા પાડો એવી અમારી વિનંતી છે.
દારૂના અડ્ડા બંધ ન થાય તો જનતા રેઈડની આપના ધારાસભ્યની ચીમકી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે જો ભાજપ સરકાર અને પોલીસ નર્મદામાં ખુલ્લેઆમ ચાલતા દારૂ અને જુગારના ધંધાને બંધ નહીં કરાવે તો તેઓ લોકોને સાથે રાખી આગામી સમયમાં “જનતા રેઇડ” કરશે.