SURAT

‘અહીં જાહેરમાં દારૂનો અડ્ડો ચાલે છે’, લોકદરબારમાં સુરતના લોકોએ સીધી ગૃહમંત્રીને જ ફરિયાદ કરી દીધી

સુરત : (Surat) સિટી લાઇટ ખાતે આયોજિત લોક દરબારમાં શહેર પોલીસની (Police) પોલ ખૂલી ગઇ હતી. ખૂદ ગૃહમંત્રીને (Home Minister) જ્યારે જાહેરમાં ચાલતા દારૂના (Liquor ) અડ્ડાની ફરિયાદ (Complaint) કરવામાં આવી ત્યારે તેઓ ચોંકી ગયા હતા. તેઓએ લોક દરબારમાંથી જ પોલીસ કમિશનરને ફોન કરીને ચોક બજાર પોલીસ હદ વિસ્તારના વેડ રોડ ખાતે ચાલતા દારૂના અડ્ડા વિશે વિગત માંગી હતી.

  • પોલીસની પોલ લોક દરબારમાં ખૂલી : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આદેશ કરતાં દારૂના અડ્ઢા પર રેડ પાડી
  • ડીસીબી અને પીસીબીમાં તળિયા ઝાટક ફેરફાર કરવાના દિવસો આવી ગયા છે
  • બૂટલેગર નરીયાની દાદાગીરીથી કંટાળેલા લોકોએ સિટી લાઇટના લોક દરબારમાં ફરિયાદ કરતા હર્ષ સંઘવી લાલધૂમ

દરમિયાન ગણતરીના કલાકોમાં જ આ દારૂનો અડ્ડો તો બંધ થઇ ગયો હતો. આ તમામમાં ચોક બજારમાં આવેલા ડીસીબી અને પીસીબીની પોલ ખૂલી ગઇ હતી. આ ઉપરાંત ચોક બજાર પીઆઇની પોલ ખૂલી થઇ ગઇ હતી. આ દારૂના અડ્ડા પરથી આઠ લાખનો દારૂ પીસીબી દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. અલબત્ત ગૃહમંત્રી હર્ષ સંઘવી લાલધૂમ થઇ ગયા હતા. તેઓએ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લીધા હોવાની વિગત જાણવા મળી છે.

હર્ષ સંઘવીનો ફોન ગયો અને સાડા આઠ લાખનો વિદેશી દારૂ ઝબ્બે
ચોક બજારમાં ઉપસ્થિત લોકોએ નાની બહુચરાજી, ધ્રુવ તારક સોસાયટી, વિભાગ -1 , પ્લોટ નંબર 165માં ચાલતા દારૂના અડ્ડા વિશે ફરિયાદ કરી હતી. તેમાં જાહેરમાં જ ચાલતો આ દારૂના અડ્ડા પર કોઇ કાર્યવાહી ડીસીબી, પીસીબી અને ચોક બજાર નહીં કરી રહી હોવાની ફરિયાદ કરી હતી. દરમિયાન નરેશ ઉર્ફે નરીયો લક્ષ્મણ બાબરિયા (ઉ. વર્ષ 23, રહેવાસી મણીબાનગર ચીકુવાડી, ધનમોરા, કતારગામ)ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નરીયો લિસ્ટેડ બૂટલેગર છે. આ ઉપરાંત આ લોકોને દારૂનો સપ્લાય કરનાર રાજૂ પંડિતને પોલીસ દ્વારા વોન્ટેડ બતાવવામાં આવ્યો છે.

ચોક પોલીસ ઇન્સ્પેકટરની નોકરી તો જોખમમાં પરંતુ ડીસીબી અને પીસીબીનું શું?
જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને દરોડા પડાવા સૂચના આપવી પડતી હોય ત્યારે સુરત શહેર પોલીસ માટે આ નીચું જોવા જેવું થાય તે સ્વાભાવિક છે. અલબત ચોક બજાર પોલીસની પોલ તો આ મામલે ખૂલી ગઇ છે. તેઓને ગમે ત્યારે સસ્પેન્ડ કરાશે પરંતુ ડીસીબી અને પીસીબીના જે તે ઇન્સ્પેકટરો અને કોન્સ્ટેબલોની જવાબદારી કોણ નક્કી કરશે. હાલમાં જે તે પોલીસ સ્ટેશનને હોળીનું નળિયેર બનાવવામાં આવે છે વાસ્તવમાં ડીસીબી અને પીસીબી જ્યારે દારૂના અડ્ડા ખોલવા માટે પરદા પાછળ મુખ્ય ભાગ ભજવતા હોવાની ચર્ચા છે. ત્યારે આ લોકોને નખશિખ કોઇ કાર્યવાહીં નહી કરવાની પ્રથા વાસ્તવમાં શહેરમાં દારૂ અને જુગારની બદી ફેલાવી છે.

ડીસીબી અને પીસીબીમાં એક જ ચહેરા દેખાય છે
ડીસીબી અને પીસીબીની છેલ્લા દાયકામાં જો વાત કરવામાં આવે તો મોટે ભાગે દસથી પંદર પોલીસ કોન્સ્ટેબલો એવા છે કે જે કેશિયરગીરીમાં જ દેખાતા હોય છે. ડીસીબીમાં તો એક કોન્સ્ટેબલને લાઇફ ટાઇમનો કોન્ટ્રાકટ આપી દેવાયો છે. આ કોન્સ્ટેબલ બાર વર્ષથી ડીસીબીમાં છે. આ કોન્સ્ટેબલ મોટા અધિકારીઓને ડીજી ઓફિસની ધમકી આપતો જોવા મળે છે.

સ્ટેટ વિજીલન્સનું ગોઠવાઇ ગયું હોવાની વાત
જ્યારે પીસીબીએ ગૃહમંત્રીની દરમિયાનગીરી પછી સાડા આઠ લાખનો દારૂ પકડયો છે ત્યારે સ્ટેટ વિજીલન્સ દ્વારા આટલા મોટા ચાલતા દારૂના અડ્ડા પર કાર્યવાહી નહી થઇ તે આશ્વર્યસ્પદ બાબત છે. આ મામલે સ્ટેટ વિજીલન્સના અધિકારીઓ તપાસ કરે તે જરૂરી થઇ ગયું છે.

પોલીસ કમિશનર શું કહે છે
પોલીસ કમિશનર અજય તોમરે જે તે જવાબદાર અધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવાની વાત કરી છે. આ મામલે તપાસ કાર્યવાહીના આદેશ અપાયા છે.

Most Popular

To Top