સુરત: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી જ છે. અહીં દરેક શહેરમાં ખૂબ જ સરળતાથી દારૂ મળી જાય છે. સુરતની વાત કરીએ તો અહીં દમણથી રોજ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઠલવાતો રહે છે, પરંતુ એક ભેજાબાજ તો છેક ગોવાથી વિદેશી બ્રાન્ડનો દારૂ કારમાં ભરીને લાવતો હતો. પુરુષ અને મહિલાની બંટી બબલી જેવી જોડીએ દારૂ છુપાવીને લાવવા માટે કારમાં સ્પેશ્યિલ ચોરખાનું બનાવ્યું હતું.
સચિન (Sachin) પોલીસે (Police) બાતમીના આધારે દારૂના (liquor) જથ્થા સાથે પકડેલી કારનું (Car) રજિસ્ટ્રેશન (Registration) બીજા વ્યક્તિના નામે નીકળ્યું હતું. બીજી નંબર પ્લેટ (Number Plate) લગાવીને કારમાં ગોવાથી દારૂ ભરીને આવ્યા હતા. પોલીસે એક પુરુષ અને બે મહિલાને પકડી (Arrest) ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
- કારની નંબર પ્લેટ બદલી એક મહિલા અને એક પુરુષ ગોવાથી દારૂ લાવતા હોવાની બાતમી મળી હતી
- પોલીસે બાતમીના આધારે પલસાણા રોડ પર લીંગડ ગામમાંથી કાર ઝડપી પાડી
- ભેસ્તાનના અશોક જોષી અને પાંડેસરાની માયા ભેંસાણે સામે પોલીસે ગુનો દાખલ કર્યો
સચિન પોલીસને બાતમી મળી હતી કે, એક ગ્રે કલરની સેવરોલેટ બીટ કાર નં.(જીજે-05-સીઈ-3104)માં એક વ્યક્તિ તથા બે મહિલા એલપીજી ગેસની (LPG Gas) બોટલમાં તથા કારની અંદર ચોરખાનામાં વિદેશી દારૂની બોટલ લઈને આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પલસાણા રોડ પર લીંગડ ગામ થઈ ભાટિયા વકતાણા ગામ પાસે વોચ ગોઠવી હતી. જ્યાં ગ્રે કલરની સેવરોલેટ કારને ઝડપી પાડી હતી. કારમાંથી 300 દારૂની બોટલ 44,678 રૂપિયાની કિંમતની, ત્રણ મોબાઈલ ફોન અને કાર મળીને કુલ 1.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ડ્રાઈવર અશોકકુમાર દિલીપકુમાર જોષી (ઉં.વ.38) (રહે.,આંબેડકરનગર, ભેસ્તાન, મૂળ રાજસ્થાન), ઇમલબેન ઉર્ફે છોડીબેન હારૂભાઈ મહાજન (ઉં.વ.41) (રહે.,કલ્યાણ કુટિર, ઉધના) તથા માયાબેન યુવરાજ ભેસાણે (ઉં.વ.30) (રહે.,નાક્ષીરનગર, પાંડેસરા)ની સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસે કારના નંબર અને એન્જિનના ચેસીસ નંબરના આધારે ચેક કરતાં આરટીઓ પાલમાં ચેક કરાવતાં નવો ઘટસ્ફોટ થયો હતો. આ કારનો સાચો નંબર જીજે-05-સીપી-3296 હોવાનું સામે આવ્યું હતું. આ કારનો માલિક ધર્મેશકુમાર મોહનભાઈ રાણા (રહે.,ભગવતીનગર સોસાયટી, ઉધના) હોવાનું જાણવા મળ્યું છે. ધર્મેશભાઈની પૂછપરછ કરતાં આ કાર તેમને મુકેશ રાણા (રહે., રામેશ્વર સોસાયટી, ભાઠેના)ને વેચી હોવાનું જાણવા મળ્યું હતું. મુકેશ રાણાએ આ કાર પંકજ રાણાને ઉપયોગ કરવા માટે આપી હતી. પંકજ રાણા અને તેનો સાઢુભાઈ વિજય રાણા બંને આ કાર ચલાવતા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપી આશોકકુમાર જોષીને પંકજ રાણાએ દારૂ લેવા માટે ગોવા મોકલ્યો હતો. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.