હજી તો એપ્રિલની શરૂઆત નથી ને ત્યાં તો ગરમીએ માઝા મૂકી છે. તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર કરી ગયો છે. એવામાં બપોરના ઘર કે ઓફિસમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. માણસોની જેમ વન્ય જીવો અને પક્ષીઓ પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પણ સરથાણા નેચરપાર્કમાં 450 પશુ- પક્ષીઓ A.C. જેવી ઠંડક અને શાહી ભોજનની મજા માણી રહ્યાં છે. આ પ્રાણી સંગ્રહાલયમાં 23 પ્રજાતિના મેમલ્સ, 5 પ્રજાતિના રેપટાઈલ્સ (સરીસૃપ) અને 27 પ્રકારના પક્ષીઓ છે. પક્ષીઓને રસાળ ફળથી શુગર આપી એનર્જી આપવામાં આવી રહી છે. નેચર પાર્કને કુદરતી ઠંડક માટે લીમડો, આંબા, પીપળો, સિસમ, રેઇન ટ્રી, વડના વૃક્ષોથી આચ્છાદિત કરાયું છે. બીજી કઈ રીતે અહીંના આ મોંઘેરા મહેમાનો માટે ઠંડક પહોંચાડવામાં આવી રહી છે અને તેમને કેવા રાજાશાહી પકવાનની મિજબાની મળે છે તે આપણે જાણીએ.
મગર અને ઘડિયાળના પિંજરા મોર્નિંગમાં ધોવામાં આવે છે, વાંદરાને ગોળાકાર પાણી
મગર, ઘડિયાળને ગરમી વધારે લાગે તેમના માટે પાણી વાળા ખાડા છે અને સવારે તેમના પાંજરાને ધોઈ નાખવામાં આવે
છે. ઉનાળામાં એમનો ખોરાક વધી જાય છે. વાંદરાની ચારે બાજુ પાણી ગોળાકારમાં છે જેથી તે ભાગી નહિ જાય.
હિમાલયન રીંછને દૂધ અને મધની ખીર અપાય છે, હીપોપોટેમસને ચોખા,
ગોળ ખીચડી
નેચરપાર્કમાં 7 રીંછ છે જેમાં 3 સ્લોથ રીંછ અને બે હિમાલયન રીંછ તે ઠંડકમાંથી આવતું હોય છે એટલે તેમને ગરમી વધારે લાગે. ગરમીમાં તેમને ફૂલ રાખવા માટે પાણીના મોટા કુંડા બનાવેલા છે તેમાં ફુવારા છે તે વારંવાર કુંડામાં જઈને ન્હાય અથવા કુંડામાં જ આખી બપોર બેસી રહે. રીંછને રોજ દૂધ, ચોખા અને મધની ખીર બનાવીને ખવડાવવામાં આવે તેમાં એગ પણ એડ કરાય છે. એક રીંછને 3 કિલો ખીર અપાય છે. રીંછને મધ ભાવતું હોય એટલે ખીરમાં મધ નાખવામાં આવે છે. ડી વોર્મીની દવા દર ત્રણ મહિને અપાય તે પણ ખીરમાં એડ કરીને અપાતી હોય છે. અહીં ત્રણ ફિમેલ અને એક મેલ હીપોપોટેમસ છે. તેમને દર રવિવારે ચોખા, મગ, ચણા, ગોળ, તેલ, હળદરની ખીચડી ખવડાવવામાં આવે છે. તે શાકાહારી છે એટલે તેમને કેળા ખવડાવાય છે
15 ફોગર, 12 ફુવારાથી અપાય છે ઠંડક, ઇમુ, ઓસ્ટ્રીચને પાઈપના પાણીથી નહવડાવાય છે
સરથાણા નેચરપાર્કના ઝૂ ગાઈડ હીનાબેને જણાવ્યું કે ગરમીથી પક્ષીઓને બચાવવા તેમના 15 પાંજરામાં ફોગર લગાવાયા છે. વાઘ, સિંહ, રીંછ, દીપડાને ઠંડક માટે 12 ફુવારા લગાવાયા છે જે આખી બપોર ચાલુ રાખવામાં આવે. ઓસ્ટ્રીચ અને ઇમુ પક્ષીને પાઈપના પાણીથી દિવસમાં બે-ત્રણ વખત ન્હવડાવાય છે.
વાઘ-સિંહને પાણીના હોજ આપે છે ઠંડક, પીવાના પાણીમાં અપાય છે ઈલેક્ટોરલ પાઉડર
નેચર પાર્કમાં ત્રણ વાઘ છે જેમાં બે સફેદ વાઘ છે, જ્યારે ત્રણ સિંહ છે જેમાં એક ફિમેલ અને બે મેલ છે. તેમને પણ ગરમી લાગતી હોય છે એટલે તેમના માટે પાણીના મોટા હોજ બનાવ્યા છે અને ફુવારા લગાવ્યા છે. ગરમીમાં તેમને ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ થતો હોવાથી તેમને પીવાના પાણીમાં ઈલેક્ટોરલ પાઉડર અપાય છે.
ગરમીમાં પક્ષીઓને ડિહાઇડ્રેશનથી બચાવવા બ્રેડ-દૂધમાં અપાય છે ઈલેકટોરલ પાઉડર
ગરમીમાં આપણે માણસોને જ ડિહાઇડ્રેશન થાય છે એવું નથી પણ પક્ષીઓ અને રીંછ પણ ડિહાઇડ્રેટ થાય છે એટલે તેમને હાઇડ્રેટેડ રાખવા માટે ગરમીમાં દરેકે પક્ષીને સવારે બ્રેડ-દૂધમાં અને રીંછને ખીરમાં ઈલેકટોરલ પાઉડર જે મીઠું, ડેકસ્ટ્રોઝ અને બીજા ઇલેક્ટ્રોલાઇટ્સ (સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને સોડિયમ સાઈટ્રેટનું સંયોજન છે, તે આપવામાં આવે છે. આનાથી શરીરમાં પાણીની કમી નથી થતી અને શરીરનું બેલેન્સ જળવાઈ રહે છે.
નેચરપાર્કમાં આંબાના ઝાડ પર આવેલી કાચી કેરીઓ લોરીકીટ અને રીંછને અપાય છે, મલ્ટીગ્રેન રોટી મધ લગાડીને ખવડવાય છે
કાચી કેરી લગભગ બધાને ભાવતી હોય છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે રીંછને પણ કાચી કેરી ભાવે છે તેમને રોજ અત્યારે કાચી કેરી અને તડબૂચ ખવડાવાય છે. આ ઉપરાંત લોરીકીટ બર્ડ અને વાંદરાને પણ કાચી કેરી ખાવા આપવામાં આવી રહી છે. નેચરપાર્કમાં ઘણા આંબાના વૃક્ષ છે તેની પરની કાચી કેરી પણ આ પશુ પક્ષીઓને ખાવા આપવામાં આવે છે. વળી, રીંછને બાજરી અને ચોખાની મલ્ટીગ્રેન રોટી પણ ભાવે છે એમાંથી તેને પ્રોટીન મળી રહે છે જેની પર મધ ચોંટાડેલું હોય છે.