એક રાજા અને નગરશેઠ વચ્ચે બહુ પાકી દોસ્તી હતી.રાજાને એક કુંવરી હતી અને નગરશેઠને કોઈ સંતાન હતું નહિ.નગરશેઠનો ચંદનના લાકડાનો વેપાર હતો અને ઘણા સમયથી કોઈ સોદો થયો ન હતો.બધો માલ ગોદામમાં ભરેલો પડ્યો હતો, વેચાતો ન હતો એટલે નગરશેઠ ચિંતામાં હતા કે આ રીતે મારી મૂડી રોકાયેલી રહેશે તો આગળ વેપાર કેમ કરીશ.ધંધાની ચિંતામાં તેમનાથી મિત્રદ્રોહ થયો. તેમના મનમાં વિચાર આવ્યો કે જો રાજા અચાનક મૃત્યુ પામે તો તેની ચિતા માટે ચંદનના લાકડા જોઇશે અને હું મારા લાકડાં ઊંચી કિંમતે વેચી શકીશ.
જો રાજા મરે તો મારો વેપાર અને હું બચી જઈએ.નગરશેઠના મનમાં રોજ આવી નકારાત્મક ભાવના જાગતી. જેવી નગરશેઠના મનમાં આવી નકારાત્મક ભાવના જન્મી તેનો પડઘો મિત્ર રાજાના મનમાં પડ્યો. તેને વિચાર આવ્યો કે આ મારો મિત્ર નગરશેઠ નિઃસંતાન છે અને જો તે અચાનક મરી જાય તો તેની બધી સંપત્તિ રાજ ખજાનામાં આવી જાય.રાજા સજાગ હતો. તેને પોતાને પોતાના મનમાં ઉદભવેલા આવા વિચાર પર દુઃખ થયું. તેણે વિચાર્યું, મારાથી મનના છાના ખૂણે આવો વિચાર કરીને મિત્રદ્રોહ તો થયો જ છે માટે મારે મિત્રની માફી માંગવી જોઈએ. નગરશેઠના સ્વાર્થી મનમાં હજી રાજાના મૃત્યુની જ ભાવના રમી રહી હતી.તેમાં તેને પોતે કંઈ ખોટું વિચારી રહ્યો છે તેવું પણ સમજાતું ન હતું.
રાજા મિત્ર પાસે આવ્યો અને સરળતાથી પોતાના મનની નકારાત્મક ભાવના જણાવી અને માફી માંગતાં કહ્યું, ‘દોસ્ત, મને માફ કરજે , મને ખબર નહિ કેમ પણ આવો ખોટો વિચાર આવ્યો કે તું નિઃસંતાન મૃત્યુ પામે અને તારી બધી સંપત્તિ રાજખજાનામાં આવી જાય.ફરી ફરી તારી માફી માંગું છું.’ આ સાંભળી નગરશેઠની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો , ‘દોસ્ત, મને તું માફ કરજે.મને વિચાર આવ્યો કે તારું અચાનક મોત થાય તો મારા ન વેચાતાં ચંદનનાં બધાં લાકડાં વેચાઈ જાય અને હજી અત્યાર સુધી મારા મનમાં આ જ વિચાર હતો.તારા મનમાં મારા માટે જે ખોટો વિચાર આવ્યો તેનું કારણ પણ આ મારી નકારાત્મક ભાવના જ.
મેં તારા માટે ખોટું વિચાર્યું એટલે તને પણ એવો જ ખોટો વિચાર આવ્યો.પણ તું સરળ એટલે તેં કબૂલ કરી માફી માંગી અને મારા મનમાં સ્વાર્થ હતો કે હું ખોટું વિચારી રહ્યો છું તેવું મને સમજાયું પણ નહિ.મને માફ કરી દે દોસ્ત.’આટલું બોલી નગરશેઠે રાજાના પગ પકડી લીધા.રાજાએ તેને ઊભો કરી કહ્યું , ‘અરે દોસ્ત, મને વાત કરવી હતી અથવા એમ વિચારવું હતું કે રાજા ચંદનના લાકડાનો પલંગ બનાવડાવે કે રથ બનાવડાવે…તો મને પણ એવું જ સૂઝત.આ પ્રકૃતિનો નિયમ છે. તમે જેના માટે જેવું વિચારો તે પણ તમારા માટે એમ જ વિચારશે.તમારા મનની ભાવનાનો પડઘો સામેવાળાના મનમાં પણ પડશે.માટે હંમેશા વિચાર કરવામાં પણ સાવધ રહેવું.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.