SURAT

મોટા વરાછામાં વીજળીના અવાજથી બારીના કાચ તૂટ્યા, એકને ઈજા: વરાછામાં નાળિયેરીનું ઝાડ સળગ્યું

સુરત: આજે મંગળવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વીજળીની ગાજવીજ સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના લીધે ગરમીથી છૂટકારો મળતા લોકોએ રાહત અનુભવી હતી તો બીજી તરફ શહેર, જિલ્લાના કેટલાંક ઠેકાણે વીજળી પડતા ભારે નુકસાન થયું હતું.

સુરતના ઉતરાણ અને વરાછા વિસ્તારમાં વીજળી પડવાના લીધે એક નાળિયેરીનું ઝાડ સળગી ઉઠ્યું હતું, તો બીજી તરફ ઉતરાણ વિસ્તારમાં વીજળીના જોરદાર અવાજના લીધે એક એપાર્ટમેન્ટમાં ફ્લેટના બારીના કાચ તૂટી ગયા હતા, જેના લીધે એકને ઈજા થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે મંગળવારે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. વીજળીના એટલા જોરદાર ધડાકા થયા હતા કે તેના પ્રચંડ અવાજના લીધે ઉતરાણના મોટા વરાછામાં આવેલા શિવાંત હાઈટ્સ ફ્લેટના એક મકાનના બારીના કાચ તૂટી ગયા હતા. ધડાકાભેર કાચ તૂટવા સાથે મકાનની અંદર કાચ વેરવિખેર થયા હતા. કાચની કચ્ચર ઊડતા એકને સામાન્ય ઈજા પહોંચી હતી. બીજી તરફ વરાછામાં વીજળી પડતા એક નાળિયેરીનું ઝાડ સળગી ઉઠ્યું હતું, જેના લીધે ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે સુરતના કેટલાક વિસ્તારોમાં મંગળવારે વાદળછાયા વાતાવરણ (Cloudy Atmosphere) વચ્ચે બપોરના સમયે ઉધના દરવાજા વિસ્તારમાં અચાનક વરસાદ (Rain) વરસ્યો હતો. આ વિસ્તારમાં વાદળો છવાયા હતાં અને વરસાદી છાંટા પડ્યાં હતા. વરાછા અને લિંબાયત વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. જેને લઈને સુરતીઓમાં આશ્ચર્ય સર્જાયું હતું. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે લોકોએ તડકાથી રાહત મેળવી હતી.

આમોદ અને બારડોલીમાં વીજળી પડતાં બેનાં મોત
ભરૂચ, બારડોલી: આમોદના અનોર ગામના પ્રહલાદ છત્રસંગ સોલંકી (ઉં.વ.૧૮) અને તેમની માતા પુષ્પાબેન છત્રસંગ સોલંકી (ઉં.વ.૪૫) મંગળવારે કપાસ વીણવા માટે ગયાં હતાં. બપોરે લગભગ ૧ વાગ્યાની આસપાસ પ્રહલાદભાઈ છત્રસંગ સોલંકી પર વીજળી પડતાં તેના ખેતરમાં જ મોત નીપજ્યું હતું. જ્યારે સાથે માતા પુષ્પાબેનને વીજળીના ઝાટકો લાગતાં ગંભીર રીતે ઘવાતાં ઢાળી પડ્યાં હતાં. તેમને નાજૂક હાલતમાં ભરૂચ ખાતે સારવાર અર્થે લઇ જવાયાં હતાં.

બીજા બનાવમાં બારડોલીના બાબલા ગામે મોટા હળપતિવાસ ફળિયામાં રહેતા સુમન હળપતિ બકરાપાલન અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે બપોરે તેઓ તેમની પત્ની જશુબેન (ઉં.વ.63) સાથે ગામની સીમમાં બકરાં ચરાવવા માટે ગયાં હતાં. બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ બકરાં ચરાવી રહ્યા હતા. એ સમયે જ આકાશમાંથી જશુબેન પર વીજળી પડી હતી. સુમનભાઇને પણ વીજળીનો ઝટકો લાગ્યો હતો, પરંતુ તેમને કોઈપણ પ્રકારની ઇજા થઈ ન હતી. જ્યારે જશુબેનને ડાબા ખભાની નીચે ઇજા થઈ હતી. ગંભીર રીતે દાઝી જતાં તેણીનું ત્યાં જ મૃત્યુ થયું હતું.

Most Popular

To Top