Business

એરપોર્ટ ઓથોરિટીએ સુરત એરપોર્ટ પર આ કામગીરી કરવા કલેક્ટર પાસે 8 એકર જમીનની માંગ કરી

સુરત: સુરત (Surat) એરપોર્ટ વિઝિબિલિટી વધારવા માટે રન-વે નં.22 વેસુ પર CAT-I એપ્રોચ લાઇટિંગ ઇન્સ્ટોલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એરપોર્ટ ઓથોરિટીએ સુરત એરપોર્ટ પર કેટ-1 એપ્રોચ લાઇટિંગ (Lighting) લગાવવા કલેક્ટર પાસે 8 એકર જમીનની (Land) માંગ કરી છે. સુરત એરપોર્ટ પર કેટ-1 સુવિધા વિના શિયાળામાં વિઝિબિલિટી ઓછી થતાં ફ્લાઈટ સુરતથી ડાયવર્ટ કરવી પડે છે. હાલમાં એરપોર્ટમાં માત્ર સામાન્ય અભિગમની લાઇટિંગ સિસ્ટમ છે, જે ધુમ્મસ જેવી સ્થિતિ સામે લડવા માટે એરપોર્ટની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતી નથી.

ઘણાં વર્ષોથી સુરત એરપોર્ટ ગુજરાત સરકાર પાસે 8 એકર જમીનની માંગણી કરી રહ્યું છે. હાલ કલેક્ટર આયુષ ઓકે પોતે રસ લઈને મામલો આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો છે. કલેક્ટર દ્વારા સુરત એરપોર્ટ પાસેથી જે માહિતી માંગવામાં આવી હતી તે કદાચ આજદિન સુધી આપવામાં આવી નથી. જેના કારણે કામગીરી અટકી પડી છે. જમીન સંપાદન કરવામાં પણ ઘણો સમય લાગશે. જમીન ન મળવાને લીધે લાઇટ લગાવવી મુશ્કેલ છે, પણ ખેડૂતોને જમીનમાં જેટલા એરિયામાં લાઈટ લાગવાની હોય એને વળતર ચૂકવવી શક્ય છે કે કેમ એની સંભાવના ચકાસવામાં આવી રહી છે. કારણ કે, કેટ-1નો ઉપયોગ પાયલોટ રન-વે પહેલા વિમાન લેન્ડિંગ માટે કરતા હોય છે.

વેસુ 22ના રન-વેને નડતરરૂપ બાંધકામને લીધે 2905 મીટરના કુલ રન-વેમાં વેસુ તરફના 615 મીટરના રન-વે પર કાપ મૂકવામાં આવ્યો છે. રન-વેની તે જમીનનો ઉપયોગ એરક્રાફ્ટની અવરજવર માટે થઈ શકતો નથી. જો કે, અહીં આ જમીનનો ઉપયોગ જમીનની સપાટી પર જ ઈન્સેટ ટાઈપ લાઈટ CAT-I દ્વારા કરી શકાય છે.

25 ડિસેમ્બરથી એર ઇન્ડિયાની કોલકાતા ફ્લાઈટ સ્થગિત થઈ
સુરત એરપોર્ટથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અસુવિધાઓને લીધે સતત ફ્લાઈટ સંખ્યા ઘટી રહી છે. હવે એર ઇન્ડિયાએ અચાનક સુરત-કોલકાતા ફ્લાઈટ 25 ડિસેમ્બરથી સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ રૂટ પર મોટી સંખ્યામાં પેસેન્જર મળતાં હોવા છતાં એરલાઈન્સે આ નિર્ણય કેમ લીધો એને લઈ એવિએશન ગ્રુપમાં ચર્ચા ચાલી રહી છે.

Most Popular

To Top