SURAT

સુરતમાં ઓછું મતદાન થતાં ભાજપ-આપના જીતના દાવા, કોંગ્રેસ સાવ મૌન

સુરત: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ ગઇકાલે સાંજથી જ સુરત (Surat) અને સૌરાષ્ટ્રમાં થયેલા મતદાનના આંકડાઓનું પોસ્ટમોર્ટમ કહો કે એનાલિસીસ ચોરે ને ચૌટે થતું સંભળાઈ રહ્યું છે. ભાજપાની (BJP) નેતાગીરીને વરાછા બેઠક પર જીત અંગે શંકા છે, છતાં તેમના નેતાઓ બધી જ બેઠકો પર જીતનો દાવો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ પણ જીતના દાવા કર્યા, પરંતુ કોંગ્રેસ પક્ષની નેતાગીરીએ તો જાણે હાર સ્વીકારી લીધી હોય તેમ મતદાન બાદ સાવ મૌન જણાયા હતા.

સુરત શહેર-જિલ્લાની કુલ 16 વિધાનસભા બેઠક ઉપર સરેરાશ કુલ 62.23 ટકા મતદાન થયું છે. 29,53,530 મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 168 ઉમેદવારનું રાજકીય ભાવિ મતપેટીમાં સીલ કરી દીધું છે. 2017માં થયેલા મતદાનની તુલનાત્મક સરખામણી કરીએ તો 2017માં મતદાન 66.79 ટકા થયું હતું. એ સમયે કુલ 26,91,020 ઉમેદવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ મતોની સંખ્યાની દૃષ્ટિએ 2017 કરતાં 2022માં સુરત શહેરની 16 બેઠક પર 2,62,510 મત વધુ પડ્યા છે. ટકાવારીની દૃષ્ટિએ મતદાન પોણા ચાર ટકા જેટલું ઓછું થયું છે. પરંતુ વાસ્તવમાં ટકાવારી કરતાં મતને પ્રાધાન્ય આપવામાં આવે છે.

ભાજપની નેતાગીરી, ભાજપનું સંગઠન માળખું મતોના આધારે જ એવો દાવો કરી રહ્યા છે કે પોણા ચાર ટકા જેટલું મતદાન ઓછું થયું છે. છતાં મતોમાં મોટો ફરક નથી. આથી 2017નાં પરિણામોની જેમ જ ભાજપાની તરફેણમાં મતદાન થયું છે. ભાજપના નેતાઓ દાવો તો બધી જ બેઠકો પર જીતનો કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરાછા રોડ વિધાનસભા બેઠક પર જીત સામે તેમને શંકા અને ગણતરીનો તાળો પણ જીત તરફ લઇ જતો નથી જણાતો. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ પૈકી અલ્પેશ કથીરિયા, ગોપાલ ઇટાલિયા સહિતના ઉમેદવારો બીજા તબક્કાની ચૂંટણી જ્યાં યોજાવાની છે એ મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ રવાના થયા હતા. આમ છતાં આમ આદમી પાર્ટીએ સુરતમાં અનેક બેઠકો પર જીતના દાવા કર્યા હતા.

વરાછા સૌથી ઝડપી તો ચોર્યાસી બેઠકની કામગીરી સમેટતાં 18 કલાક લાગ્યા
તા.1લી ડિસેમ્બર, ગુરુવારે સાંજે 5 વાગ્યે મતદાન પૂરું થયા બાદ પણ ટોકન મતદારોનું મતદાન પૂર્ણ કરાવતાં અનેક વિધાનસભા બેઠકો પર સાંજે સાડા છથી સાત વાગી ચૂક્યા હતા. એ પછી વિધાનસભા મત વિસ્તારના રિટર્નિંગ ઓફિસરોની ટીમોએ ડિસ્પેચ એન્ડ રિસિવિંગ સેન્ટર પર ઇવીએમ સહિત ડોક્યુમેન્ટ્સ રિસીવ કરીને તેને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવા સુધીની કામગીરી હાથ ધરી હતી.

લગભગ આખી રાત ઇવીએમનો કબજો લેવામાં, જુદાં જુદાં ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરવામાં, ડેટા એન્ટ્રી કરવામાં જુદા જુદા રિટર્નિંગ ઓફિસરોની કચેરીઓ અને તેમના સ્ટાફે કામગીરી કરી હતી. ગઇકાલે ગુરુવારે મોડી રાત્રે સુરત શહેરની 16 પૈકી સૌથી પહેલા વરાછા રોડ વિધાનસભાની બેઠકોનાં ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં મૂકવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. એ પછી તબક્કાવાર સુરતની અન્ય વિધાનસભા બેઠકોના ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં મુકાયા હતા. જ્યારે સૌથી વધુ વિલંબ ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારના ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં થયો હતો. મતદાનના 18 કલાક બાદ છેક આજે બપોરે સૌથી છેલ્લે ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારના ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં મૂકીને સીલ મારવામાં આવ્યા હતા.

Most Popular

To Top