સુરત: શહેર (Surat) માં અનેક જર્જરિત મિલકતો આવેલી છે. જેને પગલે પાલિકા દ્વારા દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરી (Pri Monsoon Work) દરમ્યાન જર્જરિત ઇમારતોને ઉતારી પાડવાની કામગીરી કરવામાં આવે છે. ચોમાસા દરમિયાન ભયજનક ઇમારતો ધરાશાયી થવાની શક્યતાને ધ્યાનમાં લેતા સુરત કોર્પોરેશન દ્વારા પાંડેસરા એલઆઈજી આવાસમાં (LIG Awas) રહેતા રહીશોને મકાન અને દુકાન ખાલી કરવા માટે નોટિસ (Notice) આપવામાં આવી હતી. જેને લઈને સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોનું કહેવું હતું કે સામે ચોમાસુ છે ત્યારે હવે તેઓ ક્યાં જાય? વૈકલ્પિક આવાસ આપવાની પણ સ્થાનિકો દ્વારા માંગ કરાઈ હતી.
પાંડેસરા એલઆઈજી આવાસમાં રહેતા રહીશોને મકાન અને દુકાન ખાલી કરવા માટે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસનો ઘણો સમય પસાર થઇ ગયા બાદ પણ રહીશોએ મિલકત ખાલી ન કરતાં કોર્પોરેશનની ટીમ દ્વારા ગુરુવારે મકાનો અને દુકાનોને સીલ મારવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. જેને પગલે રહીશોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. રહિશોએ જણાવ્યું હતું કે, ચોમાસામાં ક્યાં જવું? સ્થાનિક રહીશોએ આ મામલે ઉગ્ર રજૂઆતો કરી હતી. સ્થિતિ વધુ વણશે તે પહેલાં કોર્પોરેશનના અધિકારીઓએ પોલીસને ઘટનાની જાણ કરી હતી, ત્યારબાદ પાંડેસરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.
રહીશોએ જણાવ્યું હતું કે અહી 2260 જેટલા પરિવારો રહે છે. અને તેઓની એક જ માંગ છે કે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને સામે ચોમાસુ છે, ત્યારે આવા સમયમાં આ તમામ પરિવારો ક્યાં જશે તે એક મોટો સવાલ છે. ઉપરાંત રહિશોએ માંગ કરી છે કે, રી-ડેવલપમેન્ટ માટેના ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે તૈયાર છે. ટેન્ડરની શરતો મુજબ 40% વધારાના બાંધકામ સાથે નવું મકાન ફાળવવામાં આવે તો અમને કોઈ પણ પ્રકારનો વિરોધ નથી.
જોકે આ સમગ્ર મામલા દરમ્યાન કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સીલ મારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક મકાનો અને દુકાનોને સીલ કરતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે આ અંગેની જાણ પોલીસને કરાતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.