હાલની કેન્દ્ર (મોદી) સરકાર પોતાનાં કુકર્મોનો વિરોધ સહન કરી શકતી નથી. જયારે કે લોકશાહીમાં સરકારના ખોટા નીતિ-નિયમો અને વહીવટની ટીકા કે વિરોધ કરવો એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે. એને સરકાર રોકી શકે નહીં. મોદી સરકાર આ મામલે તદ્દન છેવાડે બેઠી છે અને નિર્દોષ લોકોની ધરપકડો કરી શુરાતન બતાવી રહી છે. ભૂતકાળની કોઇ સરકાર આ રીતે છેલ્લે પાટલે બેઠી નથી! આ લખનારે ભૂતકાળમાં ઇંદિરા ગાંધીના રાજમાં ભિંદરાણવાલે અને તેના સાથીઓ દ્વારા પંજાબમાં હિંદુઓની હત્યા કરાતી હતી ત્યારે સરકારનો જબ્બર વિરોધ કર્યો હતો. પંજાબના મોગા ખાતે 35 સંઘ કાર્યકરોની હત્યા વખતે તો શાસન વિરુધ્ધ ખુલ્લેઆમ બોર્ડ લગાવ્યાં હતાં એ જ રીતે રાજીવ ગાંધીના શાસનમાં શાહબાનો કેસમાં ચુકાદાને ઉલ્ટાવી નાખતો કાયદો બનાવવા સામે તથા ઇરાનના ધાર્મિક વડા એવા આયાતોલ્લા ખૌમેનીના નિધન વખતે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવા સામે ઘોર વિરોધ નોંધાવતા બોર્ડ મેં ખુલ્લેઆમ લગાવ્યાં હતાં ત્યારે સ્થાનિક કોંગ્રેસી આગેવાનો ધમકીઓ આપતા પરંતુ શાસકોએ કયારેય પરેશાન નથી કર્યો. આજે પણ આ વાતના સાક્ષીઓ હયાત છે. આજના ભાજપી સાંસદ સી.આર. પાટીલ ત્યારે મહિધરપુરા પોલીસમાં હતા. તેઓ પણ બધું જાણે છે. વિરોધ કરવો નાગરિકોનો અધિકાર છે. ચાહે એ વ્યંગચિત્ર દ્વારા હોય-વાકય દ્વારા કે કાવ્ય કે કલાકૃતિ દ્વારા હોય! શિવસેના પ્રમુખ બાલ ઠાકરે તો વ્યંગ ચિત્રોના જોરે ભલભલા નેતાની ઠેકડી ઉડાડતા અને ચાબખા મારતા લેખો પણ લખતાં કોઇએ એમની ધરપકડ નહોતી કરી.
સુરત-જીતેન્દ્ર પાનવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિરોધ તો લોકશાહીનો પ્રાણવાયુ છે
By
Posted on