સમગ્ર વિસ્તારમાં એક સંતની એવી ખ્યાતિ ફેલાયેલી હતી કે તેઓ ખૂબ જ જ્ઞાની છે. ગમે તેવા કૂટ પ્રશ્નોનો પણ તે સરળ અને સત્વરે ઉતર આપી દે છે.કોઈ પણ સમસ્યાનો ઉકેલ બતાવે છે.દૂર દૂરથી લોકો તેમની પાસે પોતાની સમસ્યાનો ઉકેલ મેળવવા આવતા અને સંત દરેકની મૂંઝવણ દૂર થઇ જાય તેવો માર્ગ બતાવતા. એક તરંગી યુવાનને આ વાત પર વિશ્વાસ બેસતો ન હતો કે એક સંસાર છોડી માત્ર ભક્તિ કરતા અને પોતાની કુટીરમાં રહેતા સંત કોઇ પણ પ્રશ્ન અને મુશ્કેલીનો ઉકેલ કઈ રીતે આપી શકે.એ યુવાન પોતે પોતાને ખૂબ હોશિયાર સમજતો હતો એટલે એણે ચાલાકીથી સંતની પરીક્ષા કરવાનું નક્કી કર્યું.તે સંતનો જવાબ ખોટો જ પડે એવો સવાલ શોધતો હતો ત્યાં જ તેની નજરે એક નાનકડું પંખી પડ્યું.
યુવાનના મગજમાં ઝબકારો થયો અને તેને દોડીને નાનકડા ખોબામાં સમાઈ જતા પંખીને પકડી લીધું અને નક્કી કર્યું કે આ પંખીને હું મારા ખોબામાં રાખીશ અને પછી સંત પાસે જઇને પૂછીશ કે, ‘મારા ખોબામાં એક પંખી છે, એ પંખી જીવતું છે કે મરેલું તે જણાવો?’ જો સંત કહેશે પંખી જીવતું છે તો પંખીની ડોક કોઈને ખબર ન પડે તેમ મરડી નાખી તેને મારી નાખીશ અને બતાવી આપીશ કે તેમનો જવાબ ખોટો છે.અને જો સંત કહેશે કે પંખી મરેલું છે તો તેને ઊડાડી દઇશ.’ આમ મનમાં યોજના બનાવી યુવાન સંત પાસે પહોંચ્યો.સંતની આજુબાજુ ઘણા મુલાકાતીઓ હાજર હતા.યુવાન મનમાં રાજી થયો કે ચાલો બધાની વચ્ચે સંતને ખોટા સાબિત કરવાની મજા આવશે.સંતની પાસે જઈ તેને કહ્યું, ‘બાપજી, તમારી પાસે બધા સવાલના સાચા જવાબ હોય જ છે એટલે મારે તમને એક સવાલ પૂછવો છે.’ સંત બોલ્યા, ‘યુવાન જે પૂછવું હોય તે પૂછ.’ યુવાને પોતાનો ખોબો આગળ કરી પૂછ્યું, ‘આ મારા હાથના ખોબામાં એક પંખી છે તે જીવતું છે કે મરેલું તે જણાવો.’
સંતના હદયમાં કરુણા હતી અને આંખોમાં હતું સહજ સમજનું તેજ. સંતે પોતાની આંખો જુવાનની આંખોમાં પરોવી કહ્યું, ‘યુવાન પંખી તારા હાથમાં છે એટલે તું જેવું ઇચ્છીશ એવું તે પંખી બહાર નીકળશે.’ જવાબ સાંભળી યુવાન ચૂપ થઇ ગયો.હાથનો ખોબો તેણે ખોલ્યો. પંખી ઊડી ગયું અને યુવાન સંતના પગમાં પડી પોતાના ચાલાકીભર્યા સવાલ માટે માફી માંગવા લાગ્યો. સંત બોલ્યા, ‘તારો ચાલાકીભરેલો સવાલ પણ એક સરસ બોધ સમજાવે છે કે આપણું જીવન પણ આપના ખોબામાં રહેલા પંખી સમાન છે અને તે જીવનપંખીનું શું કરવું તે માત્ર અને માત્ર આપણા પોતાના હાથમાં જ છે.માટે હંમેશા જીવનને સારી હકારાત્મક વાતોથી ભરેલું રાખો અને નકારાત્મક વાતો અને વિચારોથી દૂર રહો.જીવનપંખી આનંદના આકાશમાં ઊડતું રહેશે.’
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.