Comments

જિંદગી પણ કમાલની છે..!

કબીર સાહેબે એક સરસ વાત લખી છે કે…
કોઈ નહીં અપના સમઝ મના, ધન દોલત તેરા માલ ખજાના
દો દિનકા સપના સમઝ મના, નંગા આના ઔર નંગા જાના,
જેને આટલું સમજાય એની જિંદગી કલરફુલ..! ઝાઝાં પીંછાં ફેરવવાના આવે જ નહિ..! લોકો કહે એમ ‘જીના ઉસીકા નામ હૈ..!’ભક્ત કવિ નરસિંહ મહેતા પણ ટકોરા મારીને કહી ગયા કે, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ..!’કારણ, ભગવાનને એમણે જોયેલા, જાણેલા અને અનુભવેલા..! નરસિંહ-મીરાં-તુકારામ-જલારામબાપા જેવા ભક્તો તો હનુમાનજીની જેમ છાતી ફાડીને કહી શકે કે, ભગવાન છે, તો આ દુનિયા છે.

બાકી આપણો વિવેક તો પાડોશીને પણ પાડોશી માનવા તૈયાર નહિ. સદ્ગૃહસ્થ કહેવાની વાત તો દૂરની..! (જે માનતા હોય. એમને સલામ, ગર્વ લેવાનો કે, એમની પાસે સારા પાડોશીની મિલકત છે..!) કહેવાનો ભાવાર્થ, આ જિંદગી પણ અખિલ બ્રહ્માંડ જેવી છે. એનો અહેસાસ થાય, અનુભવ થાય, પણ ઊંડા નહિ ઉતરાય..! અલખ નિરંજન કરે, પણ દેખાય નહિ, ને એક વાર દેખાડવા બેઠી તો ઘણું બધું દેખાડી પણ જાય..!

જિંદગી પણ સાપેક્ષવાદની અનુરાગી છે. જીવમાત્ર પાસે બીજી કોઈ પણ માલિકીના દસ્તાવેજ હોય કે ના હોય, પણ જિંદગીનો દસ્તાવેજ તો દરેક પાસે હોય. પોતાના સિવાય જેનો કોઈ બીજો માલિક જ નહિ. પોતાની જિંદગીને પોતે જ ભોગવવાની ને પોતે જ પંજેલવાની..! જિંદગી ચલાવવા માટે ક્રિકેટની માફક રનર આપવાની એમાં જોગવાઈ નથી. સિવાય કે વાઈફ, ને તે પણ સારી મળી તો ..! બાકી, પોતાની પાસે પોતાની જિંદગી હોવી એ કંઈ ઓછી જાહોજલાલી નથી. પૂરી સ્વતંત્રતા, કોઈની દખલગીરી જ નહિ..! જિંદગીને જેવી ઘડવી હોય તેવી ઘડી શકે.

બનાવવી હોય તેવી બનાવી શકે ને જેટલી ઊંચાઈ પર લઇ જવી હોય એટલી લઇ જવી શકે..! ને કડડભૂસ પણ કરી શકે. જો મગજમાં બગાડો આવ્યો તો સમાપ્ત પણ કરી શકે…! આ તો એક વાત..! સાવ મફતમાં મળી છે, એટલે ઘણાને એની કદર નથી. બાકી જિંદગીનો વેલ્યુએશન રીપોર્ટ કઢાવે તો ખબર પડે કે, એ કેટલાં કરોડની જાયદાદ છે..! આંખ-નાક-કાન-હદય ફેફસાં-આંતરડા કે કીડનીની કિંમત કાઢો તો ખબર પડે કે, માત્ર ડુપ્લીકેટ માલ જ કેટલાનો પડે..! કરોડોના થાય મામૂ..! ત્યારે આ તો મફતમાં મળેલા ઓરીજીનલ પાર્ટ્સ..! કુદરતની કદર તો ના કરે, પણ મા-બાપની કદર કરવામાં પણ ચૂંક આવે..! જે લોકો કારણ વગર મા-બાપને વૃદ્ધાશ્રમમાં ધકેલે છે, એમના માટે આ સમજવાની વાત છે..! જિંદગી એ સમયનું બીજું સ્વરૂપ છે દાદૂ..! જેમ પ્રિયજન સાથે ગાળવાનો સમય ટૂંકો લાગે, અણગમતી વ્યક્તિ સાથેનો સમય લાંબો અને કંટાળાજનક લાગે, એવું જ જિંદગીનું..! રુચિ પ્રમાણેની જિંદગી હોય તો, ગુલકંદ જેવી લાગે ને કાબૂ બહારની હોય તો, આકરી ને અકારી લાગે. કમાલની છે ને આ જિંદગી..?

 જિંદગીના સાચા સ્વરૂપનાં દર્શન રેલગાડીમાં મુસાફરી કરીએ ત્યારે થાય. દોડતી રેલગાડીમાંથી બહાર ડોકિયું કરીએ તો, વૃક્ષો-વ્યક્તિઓ ને વસ્તુઓ વગેરે આપણી વિરુદ્ધ દિશામાં જતાં લાગે. જ્યારે બહાર ઊભેલાંને એ જ બધું સ્થિર દેખાય..! જિંદગીનું કામ આવું છે. ખુદ અર્જુનને પણ કુરુક્ષેત્રના મેદાનમાં આ જ પ્રોબ્લેમ આવેલો. ગતિશીલ વસ્તુઓ સ્થિર અને સ્થિર વસ્તુઓ ગતિમાન લાગેલી. જિંદગીને જોવાનો આધાર સૌ સૌના નજરિયા ઉપર છે. શીરાના મિષ્ટાન્નમાં બહાર કાજુ દેખાય, બદામ દેખાય, ક્રિસમીસ દેખાય, એલચી દેખાય, પણ જેના થકી શિરો સ્વાદિષ્ટ લાગે છે એ ખાંડ ઓગળી જવાથી દેખાતી નથી, એમ જિંદગીમાં મુસીબત દેખાય, પણ પોતાની જાતને ઓગાળી દઈએ તો, જિંદગી પણ ‘ટેસ્ટી’લાગે..! પણ માનવીની આદત છે કે, સુખનાં ગાણાં ગાવાને બદલે, દુઃખનાં રોદણાં છોડવાનું એ મૂકતો નથી. છાશવારે એ રડતો જ હોય..!

 પર-દેશ પ્રવાસ માટે પૂરતા આધાર પુરાવાની જરૂર પડે એમ, જિંદગીની સફળતા માટે માનસમાં ‘હાસ્ય’નું હોવું જરૂરી છે. રોમાંચક જિંદગી બનાવવા માટે, હાસ્યનું ‘હલ્લાબોલ’જોઈએ. મફતના ભાવે મળેલી જિંદગીને મંગલ-મસ્તીથી માણવી હોય તો હાસ્ય એનો હાથવગો ઈલાજ છે. જિંદગીને જીતવાનો ‘shortcut’છે. Road-touch ના પ્લોટ જેવી મળેલી જિંદગીનો આનંદ લૂંટવો હોય તો, વાણી-વર્તન અને વ્યવહારમાં હસવાની ખડખડાતી જોઈએ. જેને દરેક વાતે અસંતોષ છે, એ રસ્તા ઉપર આવી ગયેલા માણસની માફક જિંદગીને વેડફી નાંખે. જિંદગીને હાંસિયામાં મૂકીને માત્ર શ્વસનક્રિયા જ કરતો હોય. એવાં લોકો જિંદગી જીવતાં નથી, માત્ર આભાસી પડછાયામાં જ વિહાર કરતાં હોય. જિંદગીને સાક્ષાત્ માણવી હોય તો, એની સાથે પણ અર્ધાંગિની જેવો વ્યવહાર રાખવો પડે. જેમ પત્ની સહેલાઈથી સમજાતી નથી, એમ જિંદગી પણ આસાનીથી સમજાય એવી નથી. ક્યાં ટકવું ને ક્યાં અટકવુંની જો આવડત ના હોય તો, જિંદગી બોજારૂપ લાગે..!

 જગતના મહાન હાસ્યકલાકાર તરીકે ચાર્લી ચેપ્લિનની મળેલી ભેટ એનો પુરાવો છે. જેણે જિંદગીને માણવા પહેલાં ગરીબી સાથે બાથ ભીડેલી. રમકડાં રમવાની ઉંમર હતી, ત્યારે એ પરિવારના પોષણ માટે રમકડાં વેચતો અને પોતાની મા લીલી હાર્લી વાયોલીન વગાડીને સ્ટેજ શો કરીને પરિવારનું ગુજરાન ચલાવતી. જિંદગીની કરુણતા તો ત્યાં આવી કે, એક દિવસ સ્ટેજ શો કરતાં કરતાં મા સ્ટેજ ઉપર જ ઢળી પડી અને એમાંથી ‘show must go on’ની ભાવનાનો જન્મ થયો. ચાર્લી ચેપ્લીનની બાલ્યાવસ્થાએ સ્ટેજનો દોર સંભાળી લીધો અને માતાની કરુણતાને ઢાંકી લોકોને હાસ્યના રવાડે ચઢાવી ચાર્લી ચેપ્લિને ‘Show’ને સંભાળી લીધો. ચાર્લી ચેપ્લિન માટે જિંદગીનો એ પહેલો સ્ટેજ-શો હતો. આજે પણ જે લોકો ચાર્લી ચેપ્લીનને એક મશ્કરો-મઝાકિયો કે જોકર તરીકે ઓળખે છે, એના પાયામાં જિંદગીની કરુણતા હતી. પણ આગળ જતાં ચાર્લી હાસ્યનો પર્યાય બની ગયો. કહેવાય છે ને કે,
મુસીબત દરેકના જીવનમાં હોય છે, પણ એના ય રસ્તા હોય છે,
એ રસ્તા એને જ મળે છે કે, જેના ચહેરા હસતા હોય છે..!

જેની પાસે હાસ્યનો હવાલો છે, એ જિંદગીથી ક્યારેય હતાશ થતો નથી, અને જિંદગીને હોડમાં મૂકવાનું કે સમાપ્ત કરવાનું વિચારતો નથી. સમય એક જિંદગી છે ને જિંદગી એક સમય છે. હસતા રહીને વિતાવીએ તો, જિંદગી લાલ જાજમ જેવી લાગે. જીવવા માટે સમય ટૂંકો લાગે અને મુસીબતના વળગાડવાળો ગાળો હોય તો, સમય લાંબો લાગે. કોઈની રાહ જોવાની હોય તો સમય ધીમો લાગે ને અકસ્માતમાં બચી ગયા તો સમય આશીર્વાદરૂપ લાગે. આ બધાં જિંદગી સાથેનાં લેણાં-દેણાં છે..! પણ ખીસ્સાએ જ્યારથી માપ કરતાં અપેક્ષાઓ વધારવા માંડી, ત્યારથી માણસની અપેક્ષાઓ મુકરર કરેલા શ્વાસથી વધવા માંડી..! અને બફાયા વગરના કઠોળ જેવી જિંદગી જીવવાની માણસને આદત પડી ગઈ..! ત્યારે કહેવાય કે, જિંદગી પણ કમાલની છે ને..?
લાસ્ટ ધ બોલ
જિંદગી જીવી જવી હોય તો, જીવનમાં ત્રણ ફેક્ટરી જોઈએ. મગજમાં આઈસ ફેક્ટરી, જીભ ઉપર સુગર ફેક્ટરી અને હૃદયમાં લવ ફેક્ટરી..! આટલું હોય તો જિંદગીની ‘રીંગટોન’આપોઆપ કર્ણપ્રિય બની જાય.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top