Columns

જીવન પણ એક ખેલ છે

જિંદગી રમતનું મેદાન અને આપણે સૌ વિવિધ ખેલો રમનારા ખેલાડીઓ છીએ. જીવનના ખેલમાં કયારેક આપણે રમતનો રંગ રાખીએ છીએ, તો કયારેક નિરાશ પણ કરીએ છીએ. સંસારના મેદાનમાં પ્રવેશ કરનાર સૌ ખેલાડીઓએ વત્તા -ઓછા સમય માટે રમત તો રમવી જ પડે છે. હોકીનો ખેલાડી સ્ટીકને પકડીને ખાલી ઊભો રહે તે ના ચાલે. કોઇકે તો રમત ચાલુ રાખવાની જ છે. જીવનની રમતમાં આપણે સૌ ખેલાડીઓ સંસારરૂપી મેદાનમાં કર્મ કરતાં કરતાં રમત પણ રમી લઇએ છીએ. રમત આવે એટલે અમ્પાયર પણ આવે. ક્રિકેટની રમતના નિર્ણાયકને અમ્પાયર કહીએ છીએ. આ સંસારની રમતના અમ્પાયરને પણ આપણે ઇશ્વર કહીએ છીએ.

ક્રિકેટ અને વિશ્વના અમ્પાયર વચ્ચે ભેદ એ છે કે ક્રિકેટના અમ્પાયરથી નિર્ણય કરવામાં ભૂલ થવાની સંભાવના છે, જ્યારે બ્રહ્માંડના અમ્પાયરથી એવી કોઇ ભૂલ થવાની શકયતા જ નથી. માનવી અને ઇશ્વર વચ્ચેનું આ મોટું અંતર છે. ક્રિકેટના અમ્પાયરનો નિર્ણય કોઇ પક્ષના રમતવીરોને માન્ય ન હોય તો તેઓ કયારેક અમ્પાયરને મારવા ધસી જાય છે. તેવી જ રીતે જ્યારે આપણું ધાર્યું થતું નથી અને વિપરીત પરિણામ આવે છે, ત્યારે આપણે આપણો ગુસ્સો સંસારના અમ્પાયર ઇશ્વર પર ઢોળીએ છીએ અને ત્યારે કહીએ છીએ કે આ જગતમાં ઇશ્વર છે જ કયાં? એનું અસ્તિત્વ જ નથી પણ હકીકતમાં તો આપણી અપેક્ષાનો પડઘો પડયો નથી તેનું આ પરિણામ છે.

આપણે સૌ જાણીએ છીએ કે સમસ્ત જગતનો ખેલ જોનારો એક એવો અમ્પાયર છે જે આપણને જોઇ શકે છે પણ આપણે તેને જોઇ શકતા નથી. ‘સત્યમ શિવમ સુંદરમ’ પરમાત્મા શિવ એક એવો અમ્પાયર છે, જે આપણને શ્રેષ્ઠ દૃષ્ટાંત પૂરું પાડે છે. એ તો જેનું જેટલું છે તેટલું જ તેને આપે છે. કોમ્પ્યુટર કરતાં પણ અનેક ગણી ઝડપથી તે આપણા જીવનનો અને કર્મનો હિસાબ કર્યા કરે છે અને છતાં પણ તેમાં જરાક પણ ભૂલ આવતી નથી. તે કોઇની લાલ આંખથી ડરતો પણ નથી, તેમ કોઇના જુઠ્ઠા સ્મિતથી ભરમાતો નથી. સર્જન અને વિસર્જનથી માંડીને તેના અનેક નિયમો આજે પણ બદલાયા નથી.

જીવનના ખેલમાં સંસારરૂપી મેદાનમાં આપણે સૌ ખેલાડીઓનો ખેલદિલી વગરનો ખેલ નકામો છે. જે ખેલદિલ નથી તે ખેલાડી નથી. રમતમાં હાર જીત તો આવ્યા જ કરે. એકાગ્રતા વગર રમતનું પાસું જીતમાં પલટાવવાનું અશક્ય છે. ખેલાડીની નિર્ણયાત્મક શક્તિ તેમાં અગત્યનો ભાગ ભજવે છે. ફૂટબોલનો ખેલાડી સારી રીતે જાણે છે કે બાજીને હાથમાંથી સરી જતી બચાવવા ઘણી વાર આક્રમક થવું પડે છે. તો ક્યારેક નવી દિશા પણ લેવી પડે છે. રમતના મેદાનમાં જેમ રમી જવું સરળ નથી તેમ જિંદગીના મેદાનમાં જીતી જવું પણ સહજ નથી. જીવનના ખેલમાં આપણે માનવીઓ આપણા સ્વાર્થ પ્રમાણે, આપણી સગવડ પ્રમાણે નિયમો અને આદર્શોની વ્યાખ્યામાં ફેરફાર કરતા જ રહીએ છીએ, પછી આપણી ક્રિકેટનો અમ્પાયર કદાચ ભૂલ કરી બેસે કે ખોટો નિર્ણય આપી બેસે તો એમાં એનો શો દોષ? કોઈક સમયે,

કોઈક બાબતમાં આપણે અમ્પાયરની ફરજ બજાવવાની આવે છે અને ત્યારે આપણે આપણી જાતને પૂછવાનું રહે છે કે આપણો નિર્ણય કોઈની શેહમાં આવીને તો આપતા નથી ને? આપણે કોઈને અન્યાય તો કરતા નથી ને? જો આપણે જીવનના ખેલમાં અમ્પાયરની ભૂમિકા બજાવતા સાચો નિર્ણય આપવો હોય તો આપણો નિર્ણય વિશ્વનિયંતા અમ્પાયર જેવો શ્રેષ્ઠ હોવો જોઈએ.  એવો નિર્ણય ત્યારે જ આપી શકીએ, જ્યારે આપણે વિશ્વનિયંતા પરમાત્માના આદર્શોને તેના ઈશ્વરીય જ્ઞાનને જીવનમાં ધારણ કરતા બુિદ્ધવાનોના બુદ્ધિવાન પ્રભુ સાથે આપણી મન – બુદ્ધિને સતત સત્સંગના તારથી જોડેલો રાખતા હોઈએ.  ત્યારે જ આપણે સંસારના મેદાનમાં સાચો, શ્રેષ્ઠ, ન્યાયી નિર્ણય આપી શકીએ.  મિત્રો ચાલો, આપણે એવી ઉમદા જીવનની રમત રમીએ અને જેમાં વિજયી પણ બનીએ. વિજયી બનવાની પ્રેરણા આપણા સ્નેહીજનોને પણ આપતા રહીએ એ જ શુભકામના સાથે ઓમ શાંતિ….

Most Popular

To Top